News of Saturday, 10th January 2026
અમેરિકાની સુપ્રીમ કોર્ટે ટ્રમ્પના ટેરિફ અંગેનો બહુપ્રતિક્ષિત ચુકાદો અટકાવ્યો
વૈશ્વિક બજારો અને ભારતીય ઉદ્યોગોમાં અનિヘતિતાનો માહોલ યથાવત

વોશિંગ્ટન/નવી દિલ્હી,તા.૧૦: અમેરિકાના રાષ્ટ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા વિવાદાસ્પદ આયાત કર (ટેરિફ) ની કાયદેસરતા અંગે શુક્રવારે અમેરિકન સુપ્રીમ કોર્ટ દ્વારા કોઈ પણ ચુકાદો જાહેર કરવામાં આવ્યો નથી. શુક્રવારે, અદાલત આ મહત્વપૂર્ણ નિર્ણય સંભળાવશે તેવી પ્રબળ શક્યતાઓ હતી, પરંતુ અદાલતે આ અંગે મૌન સેવતા હવે વૈશ્વિક અર્થતંત્ર અને ખાસ કરીને ભારત જેવા વેપારી ભાગીદારો માટે અનિヘતિતાનો માહોલ યથાવત રહ્યો છે.
આ કેસ રાષ્ટ્રપ્રમુખની સત્તા અને અમેરિકન બંધારણના દાયરાને સ્પર્શતો અત્યંત ગંભીર મુદ્દો છે. રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે ૨૦૨૫ના 'ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ' (આઈ.ઈ.ઈ. પી.એ.) નો ઉપયોગ કરીને રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી હતી અને તેના આધારે ચીન, કેનેડા, મેક્સિકો અને ભારત સહિતના અનેક દેશોમાંથી આવતી ચીજવસ્તુઓ પર ભારે આયાત શુલ્ક ઝીંક્યો હતો. ટ્રમ્પ વહીવટીતંત્રે દલીલ કરી હતી કે અમેરિકાની વેપાર ખાધ અને ડ્રગ્સની હેરાફેરી રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો છે, તેથી આ પગલું જરૂરી હતું.
જોકે, નીચલી અદાલતોએ અગાઉ ઠરાવ્યું હતું કે રાષ્ટ્રપ્રમુખે પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો છે અને કોંગ્રેસ (સંસદ) ની મંજૂરી વિના આ પ્રકારના કર લાદવા ગેરબંધારણીય છે. સુપ્રીમ કોર્ટમાં ગત પાંચ નવેમ્બરે આ કેસની દલીલો સાંભળવામાં આવી હતી, જેમાં ન્યાયાધીશોએ પણ સરકારની દલીલો સામે શંકા વ્યક્ત કરી હતી.
વેપારી સંગઠનો અને ઉદ્યોગજગતના અંદાજ મુજબ, જો સુપ્રીમ કોર્ટ ટ્રમ્પના નિર્ણયને ગેરકાયદેસર ઠેરવે છે, તો અમેરિકન સરકારે આશરે દોઢસો અબજ ડોલર જેટલી રકમ રિફંડ તરીકે આયાતકારોને પરત કરવી પડી શકે છે.
આ વિલંબની અસર ભારતીય બજારો પર પણ જોવા મળી રહી છે. ટ્રમ્પની નીતિઓને કારણે ભારતીય નિકાસકારો પર પચ્ચીસ ટકાથી લઈને પચાસ ટકા સુધીનો વધારાનો ટેરિફ લાદવામાં આવ્યો છે, જેનાથી ફાર્માસ્યુટિકલ, ટેક્સટાઇલ અને જેમ્સ એન્ડ જ્વેલરી જેવા ક્ષેત્રો પ્રભાવિત થયા છે.
નિષ્ણાતોનું માનવું છે કે જ્યાં સુધી સુપ્રીમ કોર્ટ આખરી નિર્ણય નહીં આપે ત્યાં સુધી બજારમાં અસ્થિરતા રહેશે. શુક્રવારે ચુકાદો ન આવતા ક્રિપ્ટોકરન્સી અને શેરબજારમાં પણ વધઘટ જોવા મળી હતી.
હાલમાં સુપ્રીમ કોર્ટે ચુકાદા માટે કોઈ નવી તારીખ જાહેર કરી નથી. કાયદાકીય નિષ્ણાતોના મતે આગામી સપ્તાહોમાં કોઈ પણ સમયે નિર્ણય આવી શકે છે, જેની સીધી અસર અમેરિકાના આગામી આર્થિક પગલાંઓ અને વૈશ્વિક વેપાર સંબંધો પર પડશે.
(10:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
