<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th January 2026

અમેરિકી નાગરિકો માટે ટ્રમ્પ સરકારનું એલર્ટ : દુનિયાના 21 દેશોને જાહેર કર્યા 'નો-ગો ઝોન'

વ્હાઇટ હાઉસની નવી ટ્રાવેલ એડવાઈઝરીથી આંતરરાષ્ટ્રીય સ્તરે ખળભળાટ: રશિયા, યુક્રેન અને ઈરાન સહિતના દેશોમાં મુસાફરી કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ : જીવનું જોખમ હોવાની સ્ટેટ ડિપાર્ટમેન્ટની કડક ચેતવણી

વોશિંગ્ટન:  ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે નવા વર્ષની શરૂઆતમાં જ એક અત્યંત કડક વૈશ્વિક સુરક્ષા આદેશ જારી કરીને અમેરિકી નાગરિકોને ચોંકાવી દીધા છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે 8 જાન્યુઆરી, 2026ના રોજ નવી 'ટ્રાવેલ એડવાઈઝરી' જાહેર કરી છે, જેમાં વિશ્વના 21 દેશોને લેવલ-4 એટલે કે "મુસાફરી ન કરો" (Do Not Travel) ની શ્રેણીમાં મૂકવામાં આવ્યા છે. આ દેશોમાં સશસ્ત્ર સંઘર્ષ, આતંકવાદ, અને અપહરણ જેવી ઘટનાઓનું જોખમ ચરમસીમાએ હોવાથી ટ્રમ્પ સરકારે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ નાગરિક આ દેશોમાં જશે, તો અમેરિકી દૂતાવાસ તેમને મદદ કરવાની સ્થિતિમાં રહેશે નહીં. આ યાદીમાં રશિયા અને યુક્રેન જેવા યુદ્ધગ્રસ્ત દેશોની સાથે ઈરાન અને ઉત્તર કોરિયાનો પણ સમાવેશ થાય છે.

આ નવી ગાઈડલાઈન્સ મુજબ, અમેરિકાએ પોતાની સુરક્ષા નીતિને વધુ સખત બનાવી છે. લેવલ-4 રેટિંગનો અર્થ એ છે કે આ દેશોમાં સ્થિતિ અત્યંત અસ્થિર છે અને ત્યાં કાયદો-વ્યવસ્થા જેવું કંઈ નથી. યાદીમાં અફઘાનિસ્તાન, મ્યાનમાર, લિબિયા અને સીરિયા જેવા દેશોના નામ અપેક્ષિત હતા, પરંતુ જે રીતે રશિયા અને બેલારુસ પર કડક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે તે ભૌગોલિક રાજકીય તણાવમાં વધારો સૂચવે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર કોન્સ્યુલર અફેર્સ બ્યુરોએ આ માહિતી શેર કરતા જણાવ્યું હતું કે અમેરિકી નાગરિકોની સુરક્ષા એ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને આ 21 દેશો અત્યારે 'ડેથ ટ્રેપ' સમાન સાબિત થઈ શકે તેમ છે.

ભારત અને પાકિસ્તાન માટે રાહતના સમાચાર એ છે કે આ લેવલ-4 ની યાદીમાં તેમનો સમાવેશ કરવામાં આવ્યો નથી, જેનો અર્થ છે કે અમેરિકા આ બંને દેશોમાં પ્રવાસને હાલ પૂરતો સંપૂર્ણપણે અસુરક્ષિત માનતું નથી. જોકે, એડવાઈઝરીમાં વેનેઝુએલા, યમન અને સોમાલિયા જેવા આફ્રિકન અને લેટિન અમેરિકન દેશો પ્રત્યે પણ ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી છે. આ યાદી જાહેર થયા બાદ આંતરરાષ્ટ્રીય પ્રવાસન અને એરલાઈન્સ ઉદ્યોગ પર મોટી અસર પડવાની શક્યતા છે. હવે જોવાનું એ રહેશે કે આ દેશો અમેરિકાના આ આકરા વલણ સામે કેવો રાજદ્વારી પ્રતિસાદ આપે છે.

(7:00 PM IST)