<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th January 2026

ઈરાનમાં ભડકો: "ટ્રમ્પ પણ ધૂળ ચાટશે": હિંસક પ્રદર્શનો વચ્ચે સુપ્રીમ લીડર ખામેનીની ગર્જના

અમેરિકી રાષ્ટ્રપતિને ખુશ કરવા માટે વિરોધીઓ રસ્તા પર ઉતર્યા હોવાનો ખામેનીનો સનસનીખેજ આરોપ: ઈતિહાસના ક્રૂર સરમુખત્યારોનું ઉદાહરણ આપી ટ્રમ્પના પતનની કરી ભવિષ્યવાણી : તોફાનીઓને 'સખત પાઠ' ભણાવવાની આપી ખુલ્લી ધમકી

તેહરાન:  ઈરાનમાં ફાટી નીકળેલી હિંસા અને અશાંતિ વચ્ચે સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીએ મૌન તોડતા સીધું જ અમેરિકા અને ડોનાલ્ડ ટ્રમ્પ પર નિશાન સાધ્યું છે. શુક્રવારે રાષ્ટ્રને સંબોધતા ખામેનીએ અત્યંત આક્રમક તેવરમાં જણાવ્યું હતું કે, જે રીતે ઈતિહાસમાં ફારુન અને નિમરુદ જેવા અહંકારી શાસકોનું પતન થયું છે, તેવી જ રીતે ડોનાલ્ડ ટ્રમ્પનું પણ પતન નિશ્ચિત છે. તેમણે ઈરાનના રસ્તાઓ પર વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોને "ભાડૂતી સૈનિકો" ગણાવ્યા હતા અને કહ્યું હતું કે કેટલાક લોકો વિદેશી નેતાને ખુશ કરવા માટે દેશની સંપત્તિને નુકસાન પહોંચાડી રહ્યા છે, જે ઈસ્લામિક રિપબ્લિક ક્યારેય સહન કરશે નહીં.

ખામેનીએ પોતાના સંબોધનમાં સ્પષ્ટ કર્યું કે ઈરાનની સરકાર આ વિરોધ પ્રદર્શનો સામે ઝૂકશે નહીં. તેમણે કડક શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું કે, "જે લોકો વિદેશી એજન્ટોના ઈશારે અશાંતિ ફેલાવી રહ્યા છે, તેમને યોગ્ય પાઠ ભણાવવામાં આવશે." ખામેનીએ ટ્રમ્પ પર કટાક્ષ કરતા ઉમેર્યું કે, અમેરિકન રાષ્ટ્રપતિએ ઈરાનના આંતરિક મામલામાં દખલ કરવાને બદલે પોતાના દેશની ગંભીર સમસ્યાઓ પર ધ્યાન આપવું જોઈએ. તેમણે ઈરાની જનતાને એકતા જાળવી રાખવા અને પશ્ચિમી દેશોના પ્રોપેગેન્ડાથી દૂર રહેવા ભાવુક અપીલ પણ કરી હતી.

વર્તમાન પરિસ્થિતિ જોતા ઈરાનમાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો હોય તેમ લાગે છે. સરકારી મીડિયા પર પ્રસારિત આ ભાષણ બાદ સુરક્ષા દળો વધુ સતર્ક બન્યા છે અને પ્રદર્શનકારીઓ પર કડક કાર્યવાહીના સંકેતો મળી રહ્યા છે. ખામેનીના આ નિવેદને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ હલચલ મચાવી દીધી છે, કારણ કે ટ્રમ્પ પ્રશાસન અને ઈરાન વચ્ચેનો આ સીધો ટકરાવ મધ્ય-પૂર્વમાં કોઈ મોટા સંઘર્ષની નાંદી હોઈ શકે છે. હવે જોવાનું એ રહેશે કે ખામેનીની આ ધમકી બાદ પ્રદર્શનકારીઓ શાંત પડે છે કે પછી ઈરાનની શેરીઓમાં હિંસાનો નવો દોર શરૂ થાય છે.

(6:59 PM IST)