News of Friday, 9th January 2026
રશિયાનો પ્રચંડ વળતો પ્રહાર: 'ઓરેશ્નિક' હાઈપરસોનિક મિસાઈલથી યુક્રેનના ગેસ ભંડાર પર મહાવિનાશ
પુતિનના નિવાસસ્થાન પર ડ્રોન હુમલાનો બદલો લેવા રશિયાએ છોડ્યું અજેય શસ્ત્ર: 13,000 કિમીની ઝડપે ત્રાટકેલી મિસાઈલે પશ્ચિમ યુક્રેનની ઉર્જા કમર તોડી નાખી : પરમાણુ વિનાશ જેવી તાકાત ધરાવતી ટેકનોલોજીથી દુનિયા સ્તબ્ધ

મોસ્કો : રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ હવે અત્યંત ખતરનાક અને આધુનિક તબક્કામાં પ્રવેશી ચૂક્યું છે. 8 અને 9 જાન્યુઆરી, 2026ની મધ્યરાત્રિએ રશિયાએ યુક્રેનના લ્વિવ ક્ષેત્રમાં આવેલી વ્યૂહાત્મક ભૂગર્ભ ગેસ સ્ટોરેજ સુવિધાને નિશાન બનાવીને પોતાની સૌથી શક્તિશાળી 'ઓરેશ્નિક' હાઈપરસોનિક બેલિસ્ટિક મિસાઈલ છોડી છે. આ હુમલો એટલો ભયાનક હતો કે તેની અસરથી પોલેન્ડની સરહદ નજીકના વિસ્તારોમાં ગેસનો પુરવઠો ક્ષણવારમાં ખોરવાઈ ગયો હતો. રશિયાએ દાવો કર્યો છે કે આ હુમલો ડિસેમ્બર 2025માં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નોવગોરોડ સ્થિત નિવાસસ્થાન પર થયેલા કથિત ડ્રોન હુમલાનો જડબાતોડ જવાબ છે, જોકે યુક્રેન અને અમેરિકાએ આવા કોઈ ડ્રોન હુમલાની વાતને નકારી કાઢી છે.
આ હુમલામાં વપરાયેલી 'ઓરેશ્નિક' મિસાઈલ ટેકનોલોજીની દૃષ્ટિએ પશ્ચિમી દેશો માટે ચિંતાનો વિષય બની છે. અવાજની ગતિ કરતાં અનેકગણી ઝડપે (લગભગ 13,000 કિમી/કલાક) ગતિ કરતી આ મિસાઈલ MIRV ટેકનોલોજીથી સજ્જ છે, જેનો અર્થ છે કે તે આકાશમાં ગયા પછી અલગ-અલગ વોરહેડ્સમાં વિભાજિત થઈને એકસાથે અનેક લક્ષ્યોને તબાહ કરી શકે છે. રશિયન સંરક્ષણ મંત્રાલયના મતે, આ મિસાઈલને રોકવી હાલની કોઈપણ એર ડિફેન્સ સિસ્ટમ માટે અશક્ય છે. શિયાળાની કકડતી ઠંડીમાં યુક્રેનના સૌથી મોટા ગેસ સ્ટોરેજ પૈકીના એક એવા 'સ્ટ્રાઈ' શહેર નજીકના પ્લાન્ટ પર થયેલો આ પ્રહાર લાખો લોકોની ઉર્જા સુરક્ષાને જોખમમાં મૂકી રહ્યો છે.
વિશ્વભરના સંરક્ષણ નિષ્ણાતો આ હુમલાને રશિયા તરફથી નાટો (NATO) અને યુરોપિયન દેશો માટે સીધી ચેતવણી માની રહ્યા છે. રશિયાએ એક જ રાતમાં 242 ડ્રોન અને 36 મિસાઈલોનો વરસાદ કરીને સાબિત કર્યું છે કે તે યુદ્ધના મેદાનમાં પીછેહઠ કરવા તૈયાર નથી. લ્વિવ ક્ષેત્ર પોલેન્ડની સરહદથી માત્ર 75 કિમી દૂર હોવાથી પશ્ચિમી દેશોમાં પણ ફફડાટ ફેલાયો છે. જોકે, અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ પરિસ્થિતિ પર નજર રાખતા કહ્યું છે કે રશિયાના દાવાઓમાં તથ્ય નથી, પરંતુ હાઈપરસોનિક શસ્ત્રોનો આ બીજો ઉપયોગ એ સંકેત આપે છે કે ભવિષ્યમાં આ સંઘર્ષ વધુ ઘાતક પરમાણુ જોખમો તરફ વળી શકે છે.
(6:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
