<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th January 2026

જય સોમનાથઃ સરદાર પટેલ થી નરેન્‍દ્રભાઈ મોદી સુધી મહાદેવ પૂજાની અનોખી પરંપરા

વિધ્‍વંસ સામે સર્જનનો વિજયઃ વડાપ્રધાન મોદીના સાનિધ્‍યમાં યોજાશે ઐતિહાસિક ‘સ્‍વાભિમાન પર્વ', સોમનાથ ગુંજી ઉઠશે હર હર મહાદેવના નાદથીઃ સરદાર સાહેબે પાયો નાખ્‍યો, મોદીજીએ કળશ ચડાવ્‍યોઃ આધુનિક ભારતના શિલ્‍પી નરેન્‍દ્રભાઈ મોદી સોમનાથને બનાવશે રાષ્ટ્રીય ચેતનાનું ઉર્જાકેન્‍દ્રઃ ૧ હજાર વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર નરેન્‍દ્રભાઇ મોદીના સાનિધ્‍યમાં ‘સ્‍વાભિમાન પર્વ'ની દિવ્‍ય ઉજવણી : સોમનાથના ‘સ્‍વાભિમાન'માં રાષ્ટ્રનું ‘સન્‍માન': રાષ્ટ્રભક્‍તો સાથે ૧ હજાર અશ્વોની શૌર્યયાત્રા સાથે વડાપ્રધાન મોદીની ભવ્‍ય શિવવંદનાઃ રાજુભાઈ ધ્રુવ

રાજકોટઃ ભારતની આધ્‍યાત્‍મિક ધરોહર અને રાષ્ટ્રીય એકતાના જીવંત પ્રતીક સમાન પ્રથમ જ્‍યોતિર્લિગ સોમનાથ મહાદેવના સાનિધ્‍યમાં આગામી ૧૦ અને ૧૧ તારીખે એક નવો ઇતિહાસ લખાવા જઈ રહ્યો છે. દેશના યશસ્‍વી વડાપ્રધાન અને સોમનાથ ટ્રસ્‍ટના ચેરમેન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની વિશેષ ઉપસ્‍થિતિમાં ‘સ્‍વાભિમાન પર્વ'ની ભવ્‍ય ઉજવણી થવા જઈ રહી છે. આ ઐતિહાસિક અવસર અંગે વિગતો આપતા ભાજપના અગ્રણી શ્રી રાજુભાઈ ધ્રુવે જણાવ્‍યું હતું કે, આ માત્ર એક ઉત્‍સવ નથી, પરંતુ ભારતની અસ્‍મિતાનો ગૌરવનાદ છે.

સોમનાથ ટ્રસ્‍ટના ચેરમેન અને વડાપ્રધાનશ્રીની મુલાકાત સંદર્ભે વાત કરતા શ્રી રાજુભાઈ ધ્રુવે ઉમેર્યું હતું કે, આગામી ૧૦-૧૧ તારીખે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી દેવાધિદેવ સોમનાથ દાદાના આશીર્વાદ લઈ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર દેશની વિકાસની વણથંભી યાત્રાને નવી ગતિ પ્રદાન કરશે. જેમ ભગીરથ ગંગા લાવ્‍યા હતા, તેમ વડાપ્રધાનશ્રી સોમનાથના આંગણે વિકાસની ગંગા લાવ્‍યા છે. તેઓ આધુનિક સોમનાથના વિકાસ અને સ્‍વાભિમાન પર્વના આયોજન અંતર્ગત સનાતની રાષ્ટ્રીયતા, એકતા અને અખંડિતતાના સજાગ પ્રહરી સાબિત થયા છે. નરેન્‍દ્ર મોદી આધુનિક ભારતના ભગીરથ છે.

આ વખતે સોમનાથના ઇતિહાસમાં એક સુવર્ણ પૃષ્ઠ ઉમેરાશે. ૧૧ જાન્‍યુઆરીએ સોમનાથ મંદિરના પવિત્ર પ્રાંગણમાંથી ૧૦૦૦ અશ્વો સાથે એક વિરાટ ‘શૌર્ય યાત્રા' નીકળશે. આ દ્રશ્‍ય માત્ર આંખોને ઠારશે નહીં, પરંતુ પ્રત્‍યેક સનાતનીના હૃદયમાં શૌર્યનું સિચન કરશે. શ્રી રાજુભાઈ ધ્રુવના મતે, વડાપ્રધાનશ્રીની દીર્ઘદ્રષ્ટિને કારણે સોમનાથ મંદિરની સુરક્ષા અને વિકાસ માટે જે કાર્યો થયા છે, તેના માટે ગુજરાત અને દેશની સનાતની પ્રજા હંમેશા તેમની ઋણી રહેશે.

ઈતિહાસના પાના ઉથલાવતા શ્રી રાજુભાઈ ધ્રુવે ભાવુક હૃદયે જણાવ્‍યું હતું કે, છેલ્‍લા ૧૦૦૦ વર્ષમાં સોમનાથ પર અનેક આક્રમણો થયા. મહમૂદ ગઝનવીથી લઈને અલ્‍લાઉદ્દીન ખીલજી, નાદિરશાહ, તૈમુર લંગ, ઔરંગઝેબ અને મહમદ બેગડા જેવા અસંખ્‍ય વિધર્મી આક્રાંતાઓ અને લૂંટારુઓએ આ પવિત્ર સ્‍થાનને ખંડિત કરવાના હિચકારા પ્રયાસો કર્યા. તેમણે મંદિરો તોડ્‍યા, પણ સનાતનીઓની શ્રદ્ધાને તોડી શક્‍યા નહીં. રાજુભાઈ ધ્રુવે મક્કમતાથી કહ્યું કે, સોમનાથ એ માત્ર પથ્‍થરનું મંદિર નથી, એ હિન્‍દુ પ્રજાની અજેય શ્રદ્ધાનું અડીખમ શિખર છે.

આઝાદી પછીના સોમનાથ નિર્માણની ગાથા વર્ણવતા શ્રી રાજુભાઈ ધ્રુવે સ્‍પષ્ટપણે જણાવ્‍યું હતું કે, દેશની સાંસ્‍કૃતિક એકતાના પર્યાય સમાન લોખંડી પુરુષ સરદાર વલ્‍લભભાઈ પટેલે મક્કમ નિર્ધાર સાથે સોમનાથનો જીર્ણોદ્ધાર કર્યો. પરંતુ એ સમયે તત્‍કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ આ રાષ્ટ્રીય સ્‍વાભિમાનના કાર્યમાં અનેક રોડાં નાખ્‍યા હતા અને હિન્‍દુ વિરોધી માનસિકતા છતી કરી હતી. આજે એ જ સરદાર સાહેબના અધૂરા કાર્યોને કેન્‍દ્રમાં રાખીને વડાપ્રધાન શ્રી મોદીજી સનાતન શાશ્વત આધ્‍યાત્‍મિકતા સાથે શિવપૂજા કરી રહ્યા છે, જેનો રાજુભાઈ ધ્રુવે હર્ષ વ્‍યક્‍ત કર્યો હતો.

સોમનાથના સર્વાંગી વિકાસ અંગે વાત કરતા શ્રી રાજુભાઈ ધ્રુવે જણાવ્‍યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિ માત્ર મંદિરના શિખર સુધી સીમિત નથી, પરંતુ સમગ્ર તીર્થક્ષેત્રના વિકાસમાં વણાયેલી છે. સમુદ્રના તોફાની મોજાં સામે મંદિરને અડીખમ સુરક્ષા આપતી ‘સમુદ્ર સંરક્ષણ દીવાલ' અને શ્રદ્ધાળુઓ માટે નિર્માણ પામેલો રમણીય ‘વોક-વે', એ મોદીજીના નેતૃત્‍વમાં સુરક્ષા અને પ્રવાસનના સમન્‍વયનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. શ્રી રાજુભાઈ ધ્રુવે વધુમાં ઉમેર્યું કે, માત્ર મુખ્‍ય મંદિર જ નહીં, પરંતુ બાજુમાં આવેલા પવિત્ર ત્રિવેણી સંગમ ઘાટનો પણ જે રીતે જીર્ણોદ્ધાર અને વિકાસ કરવામાં આવ્‍યો છે, તેનાથી યાત્રિકોની સુવિધામાં અનેરો વધારો થયો છે અને સોમનાથ આજે વિશ્વ કક્ષાનું દિવ્‍ય અને ભવ્‍ય તીર્થધામ બન્‍યું છે.

આધુનિક સમય સાથે તાલ મિલાવતા સોમનાથ મંદિરની નવીન પહેલને બિરદાવતા શ્રી રાજુભાઈ ધ્રુવે કહ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના ‘ડિજિટલ ઈન્‍ડિયા'ના સ્‍વપ્નને અહીં સાકાર કરવામાં આવ્‍યું છે. સોમનાથ મંદિર હવે સંપૂર્ણપણે ટેકનોલોજીથી સજ્જ છે. દેશ-વિદેશમાં વસતા લાખો ભક્‍તો આજે ઘરબેઠા ‘ઓનલાઈન દર્શન' અને ‘ઈ-પૂજા'નો લાભ લઈ શકે છે, જે શ્રદ્ધા અને વિજ્ઞાનનો અનોખો સેતુ છે. શ્રી રાજુભાઈ ધ્રુવના મતે, સનાતન પરંપરાને જાળવી રાખીને આધુનિક ટેકનોલોજીનો જે રીતે સ્‍વીકાર કરવામાં આવ્‍યો છે, તે માટે ટ્રસ્‍ટના ચેરમેન તરીકે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીનો અભિગમ અત્‍યંત પ્રશંસનીય છે. તેમ યાદીના અંતતમાં જણાવ્‍યું છે.

 

(12:00 PM IST)