<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th January 2026

૧૧ આંચકાઓથી ધોરાજી- ઉપલેટા- જેતપુર પંથક ધણધણ્‍યા

સૌથી તીવ્ર આંચકો સવારે ૬.૧૯ કલાકે ૩.૮ની તીવ્રતાનો હતો : લોકો ભયના માર્યા ઘર છોડી શેરીઓ અને ખેતરો તરફ દોડયા : સવારના ૬:૧૯ થી બપોરના ૧૧:૪૬ વાગ્‍યા સુધીમાં વારંવાર ધરા ધ્રુજીઃ કાલે રાત્રીના પણ ધરતીકંપ અનુભવાયો હતો

રાજકોટ તા.૯: ધોરાજી- ઉપલેટા- જેતપુરમાં ફરી સવારથી બપોર સુધીમાં ૧૧ ભૂકંપના આંચકા આવતા લોકોમાં ચિંતા પ્રસરી ગઈ છે.

આજે સવારે ભારે અવાજ સાથે ધરા ધ્રુજી હતી. ભૂકંપનો આંચકો અનુભવતા લોકો ઘરની બહાર દોડી આવ્‍યા હતા. ગાંધીનગર સ્‍થિત સીસ્‍મોગ્રાફી સેન્‍ટર ના અહેવાલમાં જણાવ્‍યું છે કે આજે સવારે ૬:૧૯ વાગ્‍યે ૩.૮, ૬: ૫૬ વાગ્‍યે ૨.૯, ૬: ૫૮ વાગ્‍યે ૩.૨, ૭:૧૦ વાગ્‍યે ૨.૯, ૭: ૧૩ વાગ્‍યે ૨.૯, ૭:૩૩ વાગ્‍યે ૨.૭ અને ૮:૩૪ વાગ્‍યે ૩.૨, ૯:૪૫ વાગ્‍યે ૩.૨, ૧૧:૪૧ વાગ્‍યે ૨.૬, ૧૧:૪૪ વાગ્‍યે ૨.૬ અને ૧૧:૪૬ વાગ્‍યે ૨.૩ ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

આ તમામ ભૂકંપનું કેન્‍દ્ર બિંદુ ઉપલેટા  આસપાસ હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે રાત્રે ૮:૪૫ વાગ્‍યે ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો ત્‍યારબાદ આજે ફરી સવારે ભૂકંપ આવતા લોકોમાં ચિંતા પ્રસરી ગઈ છે.

વારંવાર આવતા ભૂકંપના આંચકાથી લોકોમાં ભય પ્રસરી ગયો છે. એકબાજુ શિયાળાની ઠંડીને બીજી બાજુ વારંવાર ધરા ધ્રુજતા લોકોમાં ભય ફેલાયો છે.

૨૬ વર્ષ પહેલાં ૨૬ જાન્‍યુઆરીના રોજ આવેલાં વિનાશક ભૂકંપને આજે પણ લોકો ભૂલી શકયા નથી. ત્‍યારે શિયાળાની ઋતુને અને ભૂકંપ વચ્‍ચે કોઈ કનેક્‍શન હોય તેમ ઠંડી વધતાં જ અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ગિરના ગામડામાં આ કાલે સાંજે વાળું કરવાનાં સમયે લોકોએ ભૂકંપનો આંચકો અનુભવ્‍યો હતો. ઉપરાંત ધોરાજી શહેર સહિત આસપાસના ગ્રામ્‍ય વિસ્‍તારમાં આજે સાંજે ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્‍યો હતો.

જાણવા મળતી વિગત મુજબ અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ગિરના ગ્રામ્‍ય વિસ્‍તારના ઇંગોરાળા, નાના વિસાવદર, નાની ધારી, અનીડા સહિતના ગામોમાં આજે સાંજના ૭:૧૬ મિનિટે ૧.૯ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ અંગે સિસ્‍મોલોજી વિભાગ ગાંધીનગર દ્વારા પણ ભૂકંપના આંચકાની પુષ્ટી આપી હતી. આ ભૂકંપ અમરેલીથી ૪૧ કિલોમીટર દૂર હોવા અંગેની વિગતો ગાંધીનગર સિસ્‍મોલોજી વિભાગે આપી હતી. આ અગાઉ પણ ખાંભા પંથકમાં ગીર કાંઠાના વિસ્‍તારોમાં અનેક વખત ભૂકંપના આંચકો આવતા હોય જેને લઈ ગાંધીનગરથી ખાસ ટીમ આ પંથકમાં દોડી આવી હતી. ત્‍યારે કાલે ફરી વખત ભૂકંપના આંચકાથી લોકોમાં ગભરાટ ફેલાયો છે. (અહેવાલઃ કિશોર રાઠોડ- કળષ્‍ણકાંત ચોટાઈ- કેતન ઓઝા, ધોરાજી- ઉપલેટા- જેતપુર)

(3:36 PM IST)