News of Friday, 9th January 2026
દિલ્હી-NCRમાં ઠંડીનો ‘ડબલ એટેક': વરસાદે રાજધાનીને ભીંજવીઃ કાતિલ પવનો અને ઝરમર વરસાદથી તાપમાનમાં ધરખમ ઘટાડો!
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી આકાશમાં કાળા ડિબાંગ વાદળો અને છૂટોછવાયો વરસાદઃ નોઈડા-ગાઝિયાબાદમાં ‘યલો એલર્ટ' વચ્ચે ધુમ્મસની ચાદર

નવી દિલ્હી, તા.૯: દિલ્હી-એનસીઆરના રહેવાસીઓ જ્યારે જાગ્યા ત્યારે વાતાવરણ સંપૂર્ણપણે બદલાયેલું હતું. છેલ્લા કેટલાય દિવસોથી પડી રહેલી સૂકી ઠંડી વચ્ચે આજે વર્ષનો પ્રથમ વરસાદ ત્રાટકયો છે. સવારના આઠ વાગ્યાથી જ મુંડકા, રાજૌરી ગાર્ડન, દ્વારકા અને આઈજીઆઈ એરપોર્ટ સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડ્યા હતા. આકાશમાં કાળા વાદળોના ઘેરાવા અને પヘમિી વિક્ષેપને કારણે ફૂંકાતા બર્ફીલા પવનોએ ઠંડીની તીવ્રતા બમણી કરી દીધી છે. હવામાન વિભાગે નોઈડા અને ગાઝિયાબાદ માટે ‘યલો એલર્ટ' જારી કરતા આગામી કલાકોમાં વધુ વરસાદની આગાહી કરી છે.
આ અચાનક બદલાયેલા હવામાનને કારણે દિલ્હીના તાપમાનમાં વધુ ઘટાડો નોંધાય તેવી પૂરેપૂરી સંભાવના છે. વરસાદને કારણે રસ્તાઓ પર લપસણી થઈ છે અને ગાઢ ધુમ્મસ સાથે વરસાદી વાતાવરણ ભળતા દૃશ્યતામાં મોટો ઘટાડો થયો છે, જેની સીધી અસર સવારના ઓફિસ ટ્રાફિક અને હવાઈ ઉડાન પર જોવા મળી રહી છે. જોકે, આ વરસાદ દિલ્હીવાસીઓ માટે એક રીતે આશીર્વાદરૂપ પણ સાબિત થઈ શકે છે, કારણ કે હવામાં લટકતા પ્રદૂષણના કણો નીચે બેસી જવાથી AQI માં સુધારો થશે. આજે સવારે દિલ્હીનો સરેરાશ AQI ૩૦૭ નોંધાયો હતો, જે વરસાદ બાદ ઘટે તેવી આશા છે.
હવામાન નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે આ વરસાદી માહોલ સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે, ખાસ કરીને બાળકો અને વળદ્ધોમાં શરદી-ઉધરસ અને શ્વાસની સમસ્યાઓ વધવાની ભીતિ છે. રાષ્ટ્રપતિ ભવનથી લઈને બહાદુરગઢ સુધીના પટ્ટામાં ઠંડા પવનોથી લોકો ધ્રૂજી રહ્યા છે અને ઠેર-ઠેર તાપણાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. રેલવે વિભાગે પણ અનેક ટ્રેનો મોડી પડવાની આશંકા વ્યક્ત કરી છે. બદલાતા હવામાનને જોતા પ્રશાસને લોકોને ગરમ કપડાં પહેરવા અને જરૂર વગર વરસાદમાં ભીંજાવાનું ટાળવા વિનંતી કરી છે. ૨૦૨૬ ના પ્રથમ વરસાદે દિલ્હીને ‘વોટર પાર્ક' તો બનાવ્યું છે, પણ સાથે જ ઠંડીનો આકરો પડકાર પણ ફેંકયો છે.
(10:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
