News of Friday, 9th January 2026
અકસ્માતમાં ઘાયલોને ૧.૫૭ લાખ સુધી કેશલેસ ઇલાજઃ મદદ કરનાર ‘‘રાહવીર''ને મળશે રૂા. ૨૫૦૦૦
કેન્દ્ર સરકારની મહત્વની જાહેરાતઃ અકસ્માતો ઘટાડવા સુધારાની જાહેરાત : પરિવહન વ્યવસ્થાને વધુ સુરક્ષિત-આધુનિક-નાગરિક મૈત્રી બનાવવા ઉપર ભાર

નવી દિલ્હી તા.૯: દેશમાં દર વર્ષે લાખો લોકો સડક અકસ્માતનો ભોગ બને છે. સમયસર ઈલાજ ન મળવાથી મોટી સંખ્યામાં જીવ જાય છે. આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે સડક સુરક્ષા માટે એક ઐતિહાસિક અને માનવીય નિર્ણય લીધો છે. હવે સડક અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને દેશભરમાં ૧.૫ લાખ રૂપિયા સુધીનો કેશલેસ ઈલાજ મળશે. આ સુવિધા અકસ્માત પછી મહત્તમ ૭ દિવસ સુધી ઉપલબ્ધ રહેશે. સાથે જ સડક અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને સમયસર હોસ્પિટલ પહોંચાડનાર નાગરિકોને સરકારની રાહવીર યોજના હેઠળ ૨૫ હજાર રૂપિયાનો ઈનામ આપવામાં આવશે. આ નિર્ણયને સડક સુરક્ષાના ક્ષેત્રમાં મોટો સુધારો માનવામાં આવે છે, જેનાથી માત્ર જાન બચાવવામાં મદદ મળશે પરંતુ સામાન્ય નાગરિકોને પણ મદદ માટે આગળ આવવાનું પ્રોત્સાહન મળશે.
દેશમાં વધતા જતા માર્ગ અકસ્માતોને કાબૂમાં લેવા માટે કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ અને વ્યાપક પગલાંની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે મંત્રી નીતિન ગડકરીએ ૨૭ રાજ્યોના પરિવહન મંત્રીઓની હાજરીમાં યોજાયેલી રાષ્ટ્રીય બેઠકમાં જણાવ્યું કે હવે દેશમાં ક્યાંય પણ અકસ્માત થાય તો ઇજાગ્રસ્તોને સરકાર તરફથી ૧.૫ લાખ રૂપિયા સુધીની કેશલેસ સારવાર કવર મળશે. સાથે જ, અકસ્માતગ્રસ્ત વ્યક્તિને સમયસર હોસ્પિટલ પહોંચાડનાર નાગરિકોને ‘રાહવીર' તરીકે ઓળખ આપી તેમને ૨૫ હજાર રૂપિયાનું પ્રોત્સાહન આપવામાં આવશે.
આ બેઠકનું મુખ્ય લક્ષ્ય માર્ગ સુરક્ષામાં સુધારો લાવવો, અકસ્માતોમાં મોતનો આંક ઘટાડવો અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક તથા અસરકારક સારવાર સુલભ કરાવવાનો હતો. બેઠક દરમિયાન કુલ ૧૨ મહત્વપૂર્ણ એજન્ડા પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી, જેમાં પરિવહન વ્યવસ્થાને વધુ સુરક્ષિત, આધુનિક અને નાગરિકમૈત્રી બનાવવાના પ્રયાસો પર ભાર મૂકાયો.
નિતિન ગડકરીએ જણાવ્યું કે કેશલેસ ટ્રીટમેન્ટ સ્કીમ હેઠળ હવે કોઈપણ રાજ્ય કે હાઇવે પર અકસ્માતનો ભોગ બનેલા વ્યક્તિને વધુમાં વધુ સાત દિવસ સુધી ૧.૫ લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળશે. આ યોજના અગાઉ અસામ, ચંડીગઢ, પંજાબ, ઉત્તરાખંડ, હરિયાણા, પુડુચેરી અને ઉત્તર પ્રદેશમાં સફળ રીતે અમલમાં આવી ચૂકી છે અને હવે તેને સમગ્ર દેશમાં લાગુ કરવાનો નિર્ણય લેવાયો છે. સરકારનું માનવું છે કે સારવારમાં થતો વિલંબ ઘણીવાર મોતનું કારણ બને છે, અને આ યોજના એ ખામી દૂર કરશે.
ગડકરીએ ખાસ ભાર આપતા કહ્યું કે અકસ્માત સમયે ઘણીવાર સામાન્ય નાગરિકો ઘાયલને મદદ કરવા ડરે છે. આ માનસિકતા બદલવા માટે ‘રાહવીર યોજના' અમલમાં મુકવામાં આવી છે. જો કોઈ વ્યક્તિ અકસ્માતમાં ઇજાગ્રસ્તને હોસ્પિટલ પહોંચાડે છે, તો તેને કાયદાકીય રક્ષણ સાથે ૨૫ હજાર રૂપિયાનું નાણાકીય પ્રોત્સાહન પણ આપવામાં આવશે. આ પગલાંથી માનવતા અને સામાજિક જવાબદારીને પ્રોત્સાહન મળશે.
બેઠકમાં હિટ એન્ડ રન કેસોની સ્થિતિ પર પણ ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી. ગડકરીએ જણાવ્યું કે ૨૯ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં લગભગ ૧.૮૫ લાખ હિટ એન્ડ રન કેસ નોંધાયા છે, પરંતુ માત્ર ૧૭ ટકા કેસોમાં જ મઆવજાની અરજી થઈ છે. સરકાર હવે આ યોજના અંગે વધુ જાગૃતિ ફેલાવશે અને ક્લેમ પ્રક્રિયાને ઝડપી બનાવશે. ગંભીર રીતે ઇજાગ્રસ્ત માટે મઆવજો ૫૦ હજાર રૂપિયા અને મૃત્યુના કેસમાં ૨ લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે.
નવી ડ્રાઇવિગ ટ્રેનિગ પોલિસી અંગે પણ બેઠકમાં સકારાત્મક માહિતી આપવામાં આવી. ૧૫ જાન્યુઆરી ૨૦૨૫ે શરૂ કરાયેલી આ સ્કીમ બાદ માત્ર એક વર્ષમાં ૪૪ નવા ડ્રાઇવિગ ટ્રેનિગ સેન્ટરો શરૂ થયા છે, જ્યારે અગાઉના સાત વર્ષમાં માત્ર ૪૧ સેન્ટરો સ્થાપિત થયા હતા. સરકારનો હેતુ છે કે વ્યાવસાયિક અને વૈજ્ઞાનિક તાલીમ દ્વારા અકસ્માતોની સંખ્યા ઘટાડી શકાય.
સરકારે દેશના સૌથી વધુ અકસ્માતપ્રવણ એવા ૧૦૦ જિલ્લાઓની ઓળખ કરીને ત્યાં ‘ઝીરો ફેટાલિટી ડિસ્ટ્રિક્ટ્સ પ્રોગ્રામ' અમલમાં મૂકવાનો નિર્ણય લીધો છે. આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા પ્રશાસન, પોલીસ અને અન્ય સ્ટેકહોલ્ડર્સના સહયોગથી વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવીને અકસ્માતોમાં મોતનો આંક શૂન્ય સુધી લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. નાગપુર, ઉન્નાવ અને કામરૂપ જેવા જિલ્લાઓમાં આ મોડેલથી નોંધપાત્ર સફળતા મળી છે.
દિવ્યાંગજનો માટે પરિવહન સુલભ બને તે માટે પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. હવે તમામ શહેર બસો દિવ્યાંગજનમૈત્રી બનશે. નવી બસોમાં લો-ફલોર ડિઝાઇન, હાઇડ્રોલિક ની-લિગ સિસ્ટમ, વ્હીલચેર રેમ્પ, લિફટ અને હેન્ડલ જેવી સુવિધાઓ ફરજિયાત કરવામાં આવશે. આ પગલાંથી જાહેર પરિવહનમાં સમાનતા અને સમાવેશ વધશે.
તાજેતરના બસ અકસ્માતોમાં મોટી સંખ્યામાં થયેલા મોતને ધ્યાનમાં રાખીને બસ બોડી કોડ અને ફોરેન્સિક તપાસ પર પણ ચર્ચા કરવામાં આવી. હવે બસોની નોંધણી માત્ર ટેસ્ટિંગ એજન્સીની ટાઇપ અપ્રૂવલ બાદ જ થશે. સ્લીપર કોચ બસો માત્ર ઓટોમોબાઇલ કંપનીઓ દ્વારા બનાવવાની મંજૂરી મળશે અને તમામ બસોમાં ફાયર ડિટેક્શન સિસ્ટમ, ઇમરજન્સી એક્ઝિટ, યોગ્ય લાઇટિગ અને ડ્રાઇવર ડ્રાઉઝીનેસ અલર્ટ સિસ્ટમ ફરજિયાત રહેશે.
ગડકરીએ માહિતી આપી કે આવનારા સંસદ સત્રમાં મોટર વાહન અધિનિયમમાં ૬૧ મહત્વપૂર્ણ સુધારા પ્રસ્તાવિત કરવામાં આવશે. આ સુધારાઓનો ઉદ્દેશ્ય માર્ગ સુરક્ષા મજબૂત બનાવવો, ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસ સુધારવો અને ભારતીય નિયમોને વૈશ્વિક ધોરણો સાથે સુસંગત બનાવવાનો છે. સ્ક્રેપિગ પોલિસીના પરિણામો અંગે પણ બેઠકમાં ચર્ચા થઈ. ડિસેમ્બર ૨૦૨૫ સુધીમાં લગભગ ૩.૯૪ લાખ જૂના વાહનો સ્ક્રેપ કરવામાં આવ્યા છે, જેના પરિણામે ૪૦ હજાર કરોડ રૂપિયાનું GST આવક, ૭૦ લાખ જેટલા નવા રોજગાર અને કાર્બન ઉત્સર્જનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. સાથે જ કાચા માલના પુનઃઉપયોગને પણ પ્રોત્સાહન મળ્યું છે.
(10:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
