News of Wednesday, 7th January 2026
ટ્રમ્પનો 'ટેરિફ ટોર્નેડો': ફ્રેન્ચ રાષ્ટ્રપતિ મેક્રોનની મજાક ઉડાવતા કહ્યું - "ધમકી આપતા જ મેક્રોન ગભરાઈ ગયા અને બોલ્યા, પ્લીઝ જનતાને આ ન કહેતા!"
વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પે ફરી એકવાર પોતાની 'આક્રમક સોદાબાજી'ની શૈલીથી વિશ્વના નેતાઓમાં ફફડાટ ફેલાવ્યો : મેક્રોન સાથેની ગુપ્ત વાતચીતનો જાહેરમાં ખુલાસો કરતા ટ્રમ્પે દાવો કર્યો છે કે માત્ર એક ટેરિફની ધમકીથી ફ્રાન્સ નમી ગયું અને અમેરિકાના ફાયદા માટે પોતાની દવાઓના ભાવ વધારવા મજબૂર થયું

વોશિંગટન : ડોનાલ્ડ ટ્રમ્પે રિપબ્લિકન નેતાઓને સંબોધતા પોતાના ખાસ અંદાજમાં દાવો કર્યો હતો કે વિદેશી નેતાઓ સાથેની વાટાઘાટોમાં તેમને સફળતા મેળવતા સરેરાશ માત્ર 3.2 મિનિટ લાગે છે. ટ્રમ્પના મતે, તેમણે ફ્રાન્સને સ્પષ્ટ ચેતવણી આપી હતી કે જો તેઓ પ્રિસ્ક્રિપ્શન દવાઓના ભાવમાં ફેરફાર નહીં કરે, તો અમેરિકા ફ્રાન્સની શાન ગણાતી શેમ્પેન અને વાઇન સહિતના તમામ ઉત્પાદનો પર 25 ટકાનો તોતિંગ ટેરિફ ઝીંકી દેશે. ટ્રમ્પે મેક્રોનની નકલ કરતા કહ્યું કે, ફ્રેન્ચ રાષ્ટ્રપતિ આ ધમકીથી એટલા પ્રભાવિત થયા કે તેમણે તુરંત અમેરિકાની શરતો માની લીધી, પરંતુ સાથે જ વિનંતી કરી કે આ વાત જનતા સુધી ન પહોંચવી જોઈએ.
ટ્રમ્પની આ રણનીતિ પાછળનું મુખ્ય કારણ અમેરિકન ગ્રાહકો પર પડતો આર્થિક બોજ છે. તેમણે દાવો કર્યો કે અમેરિકા દાયકાઓ સુધી અન્ય દેશોની સસ્તી હેલ્થકેરને સબસિડી આપતું આવ્યું છે, જ્યારે અમેરિકન ગ્રાહકો ફ્રેન્ચ ગ્રાહકો કરતા 14 ગણા વધુ પૈસા ચૂકવતા હતા. તેમની "મોસ્ટ ફેવર્ડ નેશન" નીતિ હેઠળ, ફ્રાન્સે કેટલીક દવાઓના ભાવ પ્રતિ ગોળી $10 થી વધારીને $30 કરવા પડ્યા છે, જેથી વૈશ્વિક બજારમાં સંતુલન જળવાય અને અમેરિકામાં કિંમતો ઘટાડી શકાય. ટ્રમ્પે ગર્વથી કહ્યું કે, "દરેક દેશ સાથે મારો અનુભવ આવો જ રહ્યો છે, ટેરિફની બીક જ શ્રેષ્ઠ સોદો કરાવે છે."
ટ્રમ્પના આ સનસનાટીભર્યા નિવેદન બાદ અત્યારે ફ્રાન્સ સરકાર કે મેક્રોન તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી, પરંતુ આ ખુલાસાએ યુરોપિયન યુનિયન અને અમેરિકા વચ્ચેના વ્યાપારિક સંબંધોમાં ફરી તણાવ પેદા કર્યો છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે તેમણે ફ્રાન્સ પર જે ટેરિફ લાદવાની તૈયારી કરી હતી તે તેમની વાસ્તવિક વિનંતી કરતા 42 ગણી વધારે હતી. આ ઘટના એ સંકેત આપે છે કે ટ્રમ્પના નવા શાસનકાળમાં ટેરિફ માત્ર ટેક્સ નહીં, પણ વિદેશી નેતાઓને નમાવવા માટેનું એક શક્તિશાળી હથિયાર બની રહેશે. હવે જોવાનું એ રહેશે કે ફ્રાન્સ આ 'જાહેરમાં થયેલી મજાક' નો જવાબ કઈ રીતે આપે છે.
(11:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
