તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 5th January 2026
કેનેડામાં ભારતીયો માટે 'રેડ એલર્ટ': વર્ક પરમિટના નવા નિયમોથી 10 લાખથી વધુ ભારતીયોનો કાનૂની દરજ્જો જોખમમાં!
માર્ક કાર્ની સરકારની કડક ઇમિગ્રેશન નીતિ: 2026 સુધીમાં લાખો પરમિટ થશે એક્સપાયર; બ્રેમ્પટનમાં દેખાવા લાગ્યા તંબુઓની છાવણીઓ

ટોરોન્ટો : કેનેડામાં વસતા લાખો ભારતીયો માટે આવનારો સમય અત્યંત પડકારજનક સાબિત થઈ શકે છે. કેનેડાની વર્ક પરમિટ નીતિમાં કરવામાં આવેલા મોટા ફેરફારોને કારણે વર્ષ ૨૦૨૬ના મધ્ય સુધીમાં અંદાજે ૧૦ લાખથી વધુ ભારતીય ઇમિગ્રન્ટ્સ પોતાનો કાનૂની દરજ્જો ગુમાવી શકે છે. વડાપ્રધાન માર્ક કાર્નીના વહીવટીતંત્રે આવાસ અને આરોગ્ય સેવાઓ પરના દબાણને ઘટાડવા માટે ઇમિગ્રેશનના નિયમો અત્યંત કડક બનાવ્યા છે, જેની સીધી અસર ભારતીય કામદારો અને વિદ્યાર્થીઓ પર પડી રહી છે.
૨૦ લાખ પરમિટ થશે રદ, અડધોઅડધ ભારતીયો
ઇમિગ્રેશન રેફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડા (IRCC) ના ડેટા મુજબ, ૨૦૨૫ના અંત સુધીમાં ૧૦.૫ લાખથી વધુ વર્ક પરમિટ સમાપ્ત થઈ ચૂકી છે અને ૨૦૨૬માં વધુ ૯.૨૭ લાખ પરમિટ સમાપ્ત થવાની તૈયારીમાં છે. ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ્સના મતે, આટલા મોટા પાયે પરમિટ સમાપ્ત થવાની ઘટના કેનેડાના ઇતિહાસમાં પહેલીવાર બની રહી છે. આંકડાઓ સૂચવે છે કે જોખમમાં મુકાયેલા આ ઇમિગ્રન્ટ્સમાંથી લગભગ ૫૦% એટલે કે અડધોઅડધ ભારતીયો છે.
બ્રેમ્પટનમાં ગંભીર સ્થિતિ: જંગલોમાં રહેવા મજબૂર
પરમિટ પૂરી થવાથી અને કાયમી રહેઠાણ (PR) મળવાના રસ્તાઓ સાંકડા થવાથી ઇમિગ્રન્ટ્સની હાલત કફોડી બની રહી છે. ગ્રેટર ટોરોન્ટો વિસ્તાર, ખાસ કરીને બ્રેમ્પટન અને કેલેડોનના જંગલવાળા વિસ્તારોમાં 'ટેન્ટ સિટી' (તંબુ છાવણીઓ) દેખાવા લાગી છે. કાનૂની દરજ્જો ન હોવાને કારણે ઘણા ભારતીયો હવે અત્યંત ઓછા વેતનમાં રોકડ (Cash) પર કામ કરવા અને ગેરકાયદેસર માર્ગો અપનાવવા મજબૂર બન્યા છે.
કેનેડા સરકારે કેમ લીધો આ નિર્ણય?
કેનેડા લાંબા સમયથી ઇમિગ્રન્ટ્સ માટે સ્વર્ગ ગણાતું હતું, પરંતુ ૨૦૨૨-૨૩માં ૧૨ લાખથી વધુ લોકોના આગમનને કારણે દેશમાં આવાસ અને આરોગ્યની ગંભીર કટોકટી ઊભી થઈ છે.
· આવાસની અછત: ૪૪% થી વધુ કેનેડિયનો માને છે કે વધતા ઇમિગ્રેશનને કારણે ઘર ખરીદવું અશક્ય બની ગયું છે.
· આરોગ્ય ક્ષેત્રે તાણ: હોસ્પિટલોમાં ક્ષમતા કરતા વધુ દર્દીઓ અને ડોક્ટરોની અછતને કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
· નવો લક્ષ્યાંક: કાર્ની સરકારે વસ્તીમાં બિન-કાયમી રહેવાસીઓનો હિસ્સો ૭% થી ઘટાડીને ૫% કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે.
જેમની પરમિટ સમાપ્ત થાય છે તેમને પુનઃસ્થાપન માટે ૯૦ દિવસનો સમય મળે છે, પરંતુ આ પ્રક્રિયા અત્યંત ખર્ચાળ અને જટિલ છે. વધતી જતી અનિશ્ચિતતાને જોતા ભારતીય કામદારોના સંગઠનો હવે જાન્યુઆરીમાં વિરોધ પ્રદર્શનો કરવાની તૈયારી કરી રહ્યા છે.
(7:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
