<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th January 2026

અમેરિકાના વાઈસ પ્રેસિડેન્ટ જેડી વેન્સના ઘર પર હુમલો: સિનસિનાટીમાં અજાણ્યા શખ્સે બારીના કાચ તોડ્યા, સિક્રેટ સર્વિસે ૧ની અટકાયત કરી

ઓહાયોમાં આવેલા વેન્સના નિવાસસ્થાને મધરાતે સુરક્ષામાં ચૂક: નુકસાન કરનાર શખ્સને સિક્રેટ સર્વિસના એજન્ટોએ ઘટનાસ્થળેથી જ ઝડપી લીધો: હુમલો થયો ત્યારે વેન્સ કે તેમનો પરિવાર ઘરમાં હાજર નહોતો

વોશિંગ્ટન/સિનસિનાટી: અમેરિકાના રાજકારણમાં ખળભળાટ મચાવતી એક ઘટનામાં, ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સના ઓહાયો સ્થિત નિવાસસ્થાન પર હુમલાનો બનાવ બન્યો છે. સોમવારે વહેલી સવારે બનેલી આ ઘટનામાં એક અજાણ્યા શખ્સે વેન્સના ઘરની બારીઓના કાચ તોડી નાખતા સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ હતી.

 

પ્રાપ્ત વિગતો અને અમેરિકન સિક્રેટ સર્વિસના સત્તાવાર નિવેદન મુજબ, સિનસિનાટી શહેરમાં આવેલા વેન્સના ખાનગી રહેઠાણ પર સોમવારે મધરાત બાદ આ ઘટના બની હતી. એક શંકાસ્પદ વ્યક્તિ મિલકતમાં ઘૂસ્યો હતો અને ઘરને નુકસાન પહોંચાડવાનું શરૂ કર્યું હતું. તસવીરોમાં ઘરની બારીઓના કાચ તૂટેલા સ્પષ્ટ જોઈ શકાય છે.

 

વેન્સની સુરક્ષામાં તૈનાત સિક્રેટ સર્વિસના એજન્ટોએ તાત્કાલિક કાર્યવાહી કરી હતી. એજન્ટોએ ઘૂસણખોરી કરનાર શખ્સને ઘટનાસ્થળેથી જ "શારીરિક રીતે નિયંત્રિત" કરી અટકાયતમાં લીધો હતો. ત્યારબાદ આ શખ્સને કાયદેસરની કાર્યવાહી માટે સિનસિનાટી પોલીસ વિભાગને સોંપી દેવામાં આવ્યો છે. હાલ પોલીસ આ શખ્સની પૂછપરછ કરી રહી છે.

 

સદનસીબે, જ્યારે આ બનાવ બન્યો ત્યારે જેડી વેન્સ કે તેમના પરિવારના કોઈ સભ્યો ઘરમાં હાજર નહોતા. અહેવાલો મુજબ વેન્સ પરિવાર તે સમયે ઓહાયો રાજ્યમાં પણ નહોતો. આ ઘટનાએ અમેરિકાના ટોચના નેતાઓની સુરક્ષા વ્યવસ્થા સામે ફરી સવાલો ઉભા કર્યા છે.

(7:34 PM IST)