News of Sunday, 4th January 2026
બસ ડ્રાઈવરથી પ્રેસિડેન્ટ બનેલા નિકોલસ માદુરો અને તેમના પત્ની સિલિયા ફ્લોરેસ ભારતના સત્ય સાંઈ બાબાના પરમ ભક્ત: ૨૦૧૩માં વેનેઝુએલાની સંસદે સાંઈ બાબાના નિધન પર ઠરાવ પસાર કરી રાષ્ટ્રીય શોક પાળ્યો હતો
આમ, એક સમયે કારાકાસના રસ્તાઓ પર બસ ચલાવનાર સામાન્ય ડ્રાઈવરે વેનેઝુએલાની સત્તા સંભાળી ત્યાં સુધીની તેમની આ સફરમાં ભારતની આધ્યાત્મિક શ્રદ્ધા પણ એક મહત્વનું પાસું રહી છે

વેનેઝુએલાના વર્તમાન રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો આજે અમેરિકાના સૌથી મોટા દુશ્મન ગણાય છે, પરંતુ સત્તાના શિખરે પહોંચેલા અને અમેરિકાના સ્પેશિયલ ઓપરેશનમાં ધરપકડ થયેલા પ્રેસિડેન્ટ માદુરોની જીવનયાત્રા અત્યંત સંઘર્ષપૂર્ણ રહી છે.
૮ ડિસેમ્બર ૨૦૧૨ના રોજ વેનેઝુએલાના તત્કાલીન લોખંડી શાસક પ્રેસિડેન્ટ હ્યુગો ચાવેઝે ટેલિવિઝન પર આવીને જાહેરાત કરી હતી કે તેમનું કેન્સર ફરી ઉભર્યું છે અને જો તેમને કંઈ થાય તો નિકોલસ માદુરોને રાષ્ટ્રપતિ તરીકે પસંદ કરવામાં આવે.
ત્રણ જ મહિના પછી ચાવેઝના નિધન બાદ માદુરો સત્તામાં આવ્યા, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે કટ્ટર ડાબેરી વિચારધારા ધરાવતા નીકોલસ માદુરો દંપતી ભારતના આધ્યાત્મિક ગુરુ સત્ય સાંઈ બાબાના ચુસ્ત અનુયાયી છે.
સામાન્ય બસ ડ્રાઈવરથી સત્તા સુધીની સફર
૨૩ નવેમ્બર ૧૯૬૨ના રોજ વેનેઝુએલાના કારાકાસમાં જન્મેલા નિકોલસ માદુરોએ માત્ર ૨૧ વર્ષની ઉંમરે અભ્યાસ છોડી દીધો હતો. તેમના પિતા ટ્રેડ યુનિયન લીડર હતા, જેનો પ્રભાવ માદુરો પર પણ પડ્યો હતો.
શરૂઆતમાં તેમણે ડાબેરી નેતા જોસ વિસેન્ટ રેન્જેલના અંગરક્ષક (બોડીગાર્ડ) તરીકે કામ કર્યું અને ત્યારબાદ તેઓ બસ ડ્રાઈવર બન્યા હતા. બસ ચલાવવાની સાથે સાથે તેમણે ટ્રેડ યુનિયનની પ્રવૃત્તિઓ ચાલુ રાખી અને ૧૯૮૦ના દાયકામાં રાજકીય તાલીમ માટે ક્યુબા પણ ગયા હતા.
૧૯૯૯માં હ્યુગો ચાવેઝ સત્તામાં આવ્યા બાદ માદુરોનું રાજકીય કદ વધ્યું હતું. ૨૦૦૦માં તેઓ નેશનલ એસેમ્બલીના સભ્ય બન્યા, ૨૦૦૫માં તેના અધ્યક્ષ બન્યા અને ૨૦૦૬માં વિદેશ મંત્રી તરીકે નિયુક્ત થયા હતા.
*માદુરો દંપતી અને સત્ય સાંઈ બાબા સાથેનો અતૂટ નાતો*
નિકોલસ માદુરો અને તેમના પત્ની સિલિયા ફ્લોરેસ ભારતીય આધ્યાત્મિક ગુરુ સત્ય સાંઈ બાબા પ્રત્યે અપાર શ્રદ્ધા ધરાવે છે.
*પુટ્ટપર્થીની મુલાકાત:*
જ્યારે માદુરો વિદેશ મંત્રી હતા તે સમયગાળા દરમિયાન ૨૦૦૫માં તેમણે ભારતની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેઓ સત્ય સાંઈ બાબાના આશ્રમ પુટ્ટપર્થી ગયા હતા અને બાબાના આશીર્વાદ લીધા હતા. એક જૂની તસવીરમાં માદુરો, તેમના પત્ની અને પરિવારના સભ્યો સત્ય સાંઈ બાબા સાથે બેઠેલા જોવા મળે છે.
*વેનેઝુએલામાં રાષ્ટ્રીય શોક:*
માદુરોની આ શ્રદ્ધા માત્ર અંગત ન હતી, પરંતુ રાજકીય સ્તરે પણ જોવા મળી હતી. ૨૦૧૧માં જ્યારે સત્ય સાંઈ બાબાનું નિધન થયું, ત્યારે વેનેઝુએલાની સંસદે સત્તાવાર રીતે શોક પ્રસ્તાવ પસાર કર્યો હતો. વેનેઝુએલાએ રાષ્ટ્રીય સ્તરે બાબાના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું હતું, જે એક લેટિન અમેરિકન દેશ માટે ખૂબ જ દુર્લભ બાબત ગણાય છે.
આમ, એક સમયે કારાકાસના રસ્તાઓ પર બસ ચલાવનાર સામાન્ય ડ્રાઈવરે વેનેઝુએલાની સત્તા સંભાળી ત્યાં સુધીની તેમની આ સફરમાં ભારતની આધ્યાત્મિક શ્રદ્ધા પણ એક મહત્વનું પાસું રહી છે.
(11:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
