News of Sunday, 4th January 2026
દિલ્હી-એનસીઆર પર કુદરતનો બેવડો માર: કાતિલ ઠંડી સાથે પ્રદૂષણનું પ્રમાણ વધ્યું, ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવ માટે હવામાન વિભાગનું 'યલો એલર્ટ': અનેક વિસ્તારોમાં હવાની ગુણવત્તા 'ખૂબ જ ખરાબ' શ્રેણીમાં પહોંચી
સવારથી જ રાજધાનીમાં ૮ ડિગ્રી જેવો ઠંડીનો જબરો ચમકારો અને ધુમ્મસની ચાદર: ૪ થી ૭ જાન્યુ. વચ્ચે દિલ્હીના અલગ અલગ વિસ્તારોમાં કાતિલ ઠંડીની લહેર રહેશે: સવારે દિલ્હીનો સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક (એક્યુઆઈ) ૨૯૭ નોંધાયો

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં લોકો ઠંડી અને પ્રદૂષણ એમ બંને મુસીબતોનો સામનો કરી રહ્યા છે. હવામાન વિભાગે ગાઢ ધુમ્મસ અને શીત લહેર માટે 'યલો એલર્ટ' જાહેર કર્યું છે. અનેક વિસ્તારોમાં હવાની ગુણવત્તા 'ખૂબ જ ખરાબ' શ્રેણીમાં પહોંચી ગઈ છે.
નવા વર્ષની શરૂઆત ભલે થઈ હોય પરંતુ દિલ્હી-એનસીઆરના રહીશો માટે મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. રવિવારે સવારથી જ રાજધાનીમાં ઠંડીનો ચમકારો અને ધુમ્મસની ચાદર જોવા મળી હતી. ભારતીય હવામાન વિભાગ (આઈ.એમ.ડી.) એ આગાહી કરી છે કે ઉત્તર અને મધ્ય ભારતમાં આગામી દિવસોમાં ઠંડીનું જોર વધશે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને વિભાગે ગાઢ ધુમ્મસ માટે 'યલો એલર્ટ' જાહેર કરેલ છે.
તાપમાનમાં ઘટાડો અને શીત લહેર
રવિવારે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન ૬ થી ૮ ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની સંભાવના છે. શનિવારે મહત્તમ તાપમાન ૧૭.૩ ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતા ૨ ડિગ્રી ઓછું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન આજે પહેલી સવારે ૮.૧ ડિગ્રી રહ્યું હતું.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ, તારીખ ૪ થી ૭ જાન્યુઆરી દરમિયાન દિલ્હીના અલગ અલગ વિસ્તારોમાં કાતિલ ઠંડીની લહેર યથાવત રહી શકે છે. દિવસ દરમિયાન સૂર્યપ્રકાશ ઓછો રહેવાને કારણે બપોરે પણ લોકો ધ્રુજારી અનુભવી રહ્યા છે.
હવા બની ઝેરી: શ્વાસ લેવો પણ મુશ્કેલ
એક તરફ ઠંડી છે તો બીજી તરફ પ્રદૂષણે માઝા મૂકી છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (સી.પી.સી.બી.) ના આંકડા મુજબ રવિવારે સવારે દિલ્હીનો સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક (એક્યુઆઈ) ૨૯૭ નોંધાયો હતો. દિલ્હીના રોહિણી વિસ્તારમાં એક્યુઆઈ ૩૪૩, જહાંગીરપુરીમાં ૩૨૩ અને નરેલામાં ૩૧૧ આંક નોંધાયો છે, જે 'ગંભીર' શ્રેણીમાં આવે છે. આ ઝેરી હવાને કારણે બાળકો અને વૃદ્ધોને શ્વાસ લેવામાં તકલીફ, આંખોમાં બળતરા જેવી સમસ્યાઓ થઈ શકે છે.
પ્રદૂષણમાં વાહનોના ધુમાડાનો ફાળો ૧૦.૭ ટકા અને ઔદ્યોગિક એકમોનો ફાળો ૧૦.૫ ટકા જેટલો છે. નોઈડા અને ગુરુગ્રામમાં પણ સ્થિતિ 'ખરાબ' શ્રેણીમાં છે. તંત્ર દ્વારા લોકોને વહેલી સવારે બિનજરૂરી બહાર ન નીકળવા અને માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી છે.
(1:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
