News of Friday, 2nd January 2026
ઈરાનનો ટ્રમ્પ પર પલટવાર: 'ઓપરેશન ઈગલ ક્લો'ની શરમજનક હાર યાદ અપાવી મર્યાદામાં રહેવાની આપી કડક ચેતવણી
ટ્રમ્પ દ્વારા ઈરાનની આંતરિક અશાંતિમાં સૈન્ય હસ્તક્ષેપની ધમકી આપતા જ તેહરાને રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું : ઈરાની સુરક્ષા વડા અલી શમકાનીએ 1980ના નિષ્ફળ અમેરિકી મિશનનો ઉલ્લેખ કરી વિશ્વના સૌથી શક્તિશાળી દેશને તેના 'લોહિયાળ ઈતિહાસ' અને રણમાં રાખ થયેલા સૈનિકોની યાદ અપાવી ખુલ્લો પડકાર ફેંક્યો

તેહરાન: ઈરાનમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની લશ્કરી કાર્યવાહીની ધમકીએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. ટ્રમ્પના નિવેદન પર આકરા પ્રહાર કરતા ઈરાનના પ્રભાવશાળી સુરક્ષા વડા અલી શમકાનીએ ટ્વિટર (X) પર અમેરિકાને તેની 'રેડ લાઇન' ઓળંગવા સામે ચેતવણી આપી છે. શમકાનીએ વ્યંગાત્મક લહેજામાં અમેરિકાના ભૂતકાળના 'બચાવ રેકોર્ડ'ની ઠેકડી ઉડાડતા કહ્યું કે, ઈરાનીઓ અમેરિકાની તાકાત અને તેની નિષ્ફળતાઓને સારી રીતે જાણે છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે જો અમેરિકા કોઈપણ પ્રકારનું દુઃસાહસ કરશે, તો તેનો સામનો અત્યંત ભયાનક રીતે કરવામાં આવશે અને ઈરાનની ધરતી પર હસ્તક્ષેપ કરનારના હાથ કાપી નાખવામાં આવશે.
ઈરાને ટ્રમ્પને ખાસ કરીને એપ્રિલ 1980ના એ 'કાળા દિવસ'ની યાદ અપાવી છે, જેને દુનિયા 'ઓપરેશન ઈગલ ક્લો' તરીકે જાણે છે. તે સમયે અમેરિકી બંધકોને છોડાવવા માટે તત્કાલીન રાષ્ટ્રપતિ જિમી કાર્ટરે મોકલેલી સ્પેશિયલ ફોર્સ ઈરાનના ધૂળિયા રણમાં કુદરત અને ટેકનિકલ ખામી સામે ઘૂંટણિયે પડી ગઈ હતી. ઈરાની રણના ભયાનક ધૂળના તોફાન 'હબૂબ'માં અમેરિકાના આધુનિક હેલિકોપ્ટરો અને વિમાનો એકબીજા સાથે અથડાઈને ભસ્મીભૂત થઈ ગયા હતા, જેમાં આઠ અમેરિકન સૈનિકોએ જીવ ગુમાવ્યા હતા. શમકાનીએ આ ઐતિહાસિક શરમજનક હારનો ઉલ્લેખ કરીને ટ્રમ્પને સમજાવ્યું છે કે જે રીતે એ સમયે અમેરિકાને વિશ્વ સમક્ષ અપમાનિત થવું પડ્યું હતું, તેવું જ પરિણામ આ વખતે પણ આવી શકે છે.
વર્તમાન પરિસ્થિતિમાં ઈરાનના સુપ્રીમ લીડર આંતરિક દબાણ હેઠળ હોવા છતાં, બાહ્ય જોખમ સામે આખું રાષ્ટ્ર એકજૂથ દેખાઈ રહ્યું છે. ઈરાની મીડિયા અને સોશિયલ મીડિયા પર 1980ના એ બળી ગયેલા અમેરિકી વિમાનોના ફોટા ફરીથી વાયરલ થઈ રહ્યા છે, જે અમેરિકા માટે મનોવૈજ્ઞાનિક ફટકો માનવામાં આવે છે. ટ્રમ્પની લશ્કરી હસ્તક્ષેપની વાતો અને તેની સામે ઈરાનનો આ ઈતિહાસ આધારિત વળતો હુમલો પશ્ચિમ એશિયામાં યુદ્ધના વાદળોને વધુ ઘેરા બનાવી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે શું ટ્રમ્પ આ જૂની હારના ઘા ભૂલીને કોઈ નવું જોખમ ઉઠાવે છે કે પછી રાજદ્વારી માર્ગ અપનાવે છે.
(7:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
