News of Friday, 2nd January 2026
ઇન્દોર જળ મૃત્યુકાંડ : હાઇકોર્ટે મ્યુનિસિપલ કમિશનરની કાઢી ઝાટકણી : દૂષિત પાણીથી થયેલા મોતના મામલે તંત્ર પાસે માંગ્યો ચોખ્ખો હિસાબ
મધ્યપ્રદેશના ઔદ્યોગિક હબ ગણાતા ઇન્દોરમાં પીવાના પાણીમાં ગટરનું પાણી ભળતા અનેક માસૂમોના જીવ ગયા હોવાની આશંકા વચ્ચે હાઇકોર્ટે કડક વલણ અપનાવ્યું: વધુ સુનાવણી 6 જાન્યુઆરીએ

ઇન્દોર: મધ્યપ્રદેશની આર્થિક રાજધાની ઇન્દોર હાલમાં પીવાના પાણીના નામે 'ઝેર' પીવા મજબૂર બનેલા ભગીરથપુરા વિસ્તારના લોકોના આક્રોશથી ગાજી રહ્યું છે. દૂષિત પાણી પીવાથી સર્જાયેલી ગંભીર બીમારીઓ અને શંકાસ્પદ મૃત્યુના મામલે દાખલ થયેલી ત્રણ જાહેર હિતની અરજીઓ (PIL) પર સુનાવણી કરતા હાઇકોર્ટની ઇન્દોર બેન્ચે આકરી નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટે મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર અને એડિશનલ કમિશનરને 'કારણદર્શક નોટિસ' ફટકારીને પૂછ્યું છે કે આટલી મોટી બેદરકારી માટે જવાબદાર કોણ? સરકારે રજૂ કરેલા સ્ટેટસ રિપોર્ટમાં પણ તંત્ર માત્ર ચાર લોકોના મૃત્યુ થયા હોવાનું રટણ કરી રહ્યું છે, જેની સામે કોર્ટે વાસ્તવિક આંકડા રજૂ કરવાનો કડક આદેશ આપ્યો છે.
આ કેસમાં વિરોધ પક્ષો અને સ્થાનિક રહીશોનો આરોપ છે કે વહીવટી તંત્ર મૃત્યુઆંક છુપાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. ભગીરથપુરાના ગલી-મહોલ્લાઓમાં માતમ છવાયેલો છે અને લોકોનો દાવો છે કે મૃત્યુઆંક 14ને પાર કરી ગયો છે. હાઇકોર્ટે 6 જાન્યુઆરીએ યોજાનારી આગામી સુનાવણીમાં તંત્ર પાસે માત્ર મૃત્યુની સંખ્યા જ નહીં, પરંતુ હોસ્પિટલમાં કેટલા લોકો સારવાર હેઠળ છે અને કેટલા દર્દીઓ ICUમાં જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે તેની સંપૂર્ણ વિગતો માંગી છે. પ્રાથમિક તપાસમાં પીવાના પાણીની લાઈનમાં ગટરના પાણીનું લિકેજ હોવાનું બહાર આવ્યું છે, જે મ્યુનિસિપલ કોર્પોરેશનની ઘોર બેદરકારી છતી કરે છે.
સરકારે ભીનું સંકેલવા માટે અત્યાર સુધીમાં ત્રણ અધિકારીઓ સામે કાર્યવાહી કરી તપાસ સમિતિની રચના તો કરી દીધી છે, પરંતુ કોર્ટના તેવર જોતા અધિકારીઓનો બચાવ મુશ્કેલ જણાઈ રહ્યો છે. હાઇકોર્ટમાં ચાલી રહેલી આ કાનૂની લડાઈ હવે માત્ર વળતર પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ સ્વચ્છ પીવાનું પાણી મેળવવાના નાગરિકોના મૂળભૂત અધિકારના હનનનો મોટો મુદ્દો બની ગઈ છે. 6 જાન્યુઆરીની સુનાવણી પર આખા શહેરની નજર ટકેલી છે, કારણ કે તે દિવસે કોર્ટ વહીવટી તંત્રના અહેવાલની સત્યતા પર અંતિમ મહોર મારશે અને જવાબદારો સામે કડક શિક્ષાત્મક પગલાંના આદેશ પણ આપી શકે છે.
(7:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
