<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd January 2026

સ્વચ્છતામાં નંબર-1 ઇન્દોરના નળમાંથી વહી રહ્યું છે દુષિત પાણી : 59 વિસ્તારોમાં ગટરનું પાણી ભળતા હાહાકાર: PCBના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

દેશના સૌથી સ્વચ્છ શહેરનો દાવો પોકળ સાબિત થયો; ભગીરથપુરા સહિત 59 વિસ્તારોનું પાણી પીવાલાયક ન હોવાનું પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે 3 વાર પત્ર લખીને ચેતવ્યા છતાં તંત્ર ઘોર નિદ્રામાં રહ્યું

ઇન્દોર:  ભારતના સૌથી સ્વચ્છ શહેર તરીકે સતત એવોર્ડ જીતનાર ઇન્દોર આજે એક મોટી માનવીય ભૂલ અને વહીવટી નિષ્ફળતાના કારણે રડી રહ્યું છે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (PCB) ના લેટેસ્ટ રિપોર્ટમાં જે ખુલાસો થયો છે તે ભયાનક છે. રિપોર્ટ મુજબ, માત્ર ભગીરથપુરા જ નહીં પરંતુ શહેરના સદર બજાર, રાજવાડા, ખજરાના અને જૂની ઇન્દોર સહિત કુલ 59 વિસ્તારોમાં પીવાનું પાણી અત્યંત દૂષિત છે. તપાસમાં જાણવા મળ્યું છે કે પાણીના નમૂનાઓમાં 'કોલિફોર્મ બેક્ટેરિયા'નું પ્રમાણ જોખમી હદે વધારે છે, જે ગટરનું પાણી પીવાની લાઈનમાં ભળવાના કારણે ફેલાય છે. આ બેક્ટેરિયા સીધા લિવર અને પાચનતંત્ર પર હુમલો કરે છે, જેના કારણે શહેરમાં ઉલટી-ઝાડા અને પેટના રોગોનો ભયાનક રોગચાળો ફાટી નીકળ્યો છે.

આ હોનારત કુદરતી નથી પણ વહીવટી બેદરકારીનું પરિણામ છે, કારણ કે PCBએ વર્ષ 2019 થી અત્યાર સુધી મ્યુનિસિપલ કોર્પોરેશનને ત્રણ વખત લેખિતમાં ચેતવણી આપી હતી. આમ છતાં, પાઇપલાઇન રિપેર કરવા કે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં સુધારો કરવાને બદલે અધિકારીઓ ફાઇલો દબાવીને બેસી રહ્યા. પરિણામે અત્યાર સુધીમાં 15 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 1,400 થી વધુ લોકો હોસ્પિટલના બિછાને છે. હાલમાં 32 દર્દીઓની હાલત ગંભીર હોવાથી તેઓ ICU માં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. શહેરના પ્રભાવિત વિસ્તારોમાં હવે લોકો નળના પાણીનો ઉપયોગ કરતા ફફડી રહ્યા છે અને પીવા માટે ખાનગી RO વોટર ટેન્કરો પર નિર્ભર બન્યા છે.

સ્થિતિની ગંભીરતા જોતા મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે આકરા તેવર અપનાવ્યા છે. તેમણે ઇન્દોરના એડિશનલ કમિશનરને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે અને વોટર સપ્લાય વિભાગના સુપરિન્ટેન્ડેન્ટ એન્જિનિયર પાસેથી તમામ સત્તાઓ છીનવી લીધી છે. આરોગ્ય વિભાગની 21 ટીમો હાલમાં ભગીરથપુરામાં ડોર-ટુ-ડોર સર્વે કરી રહી છે અને લોકોને પાણી ઉકાળીને પીવાની સલાહ આપી રહી છે. જોકે, સ્થાનિક લોકોમાં ભારે રોષ છે, કારણ કે 'સ્વચ્છ શહેર' ના નામે કરોડોનો ટેક્સ વસૂલનાર તંત્ર જનતાને શુદ્ધ પાણી પૂરું પાડવામાં સદંતર નિષ્ફળ રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે આ માનવ સર્જિત આપત્તિ બાદ જવાબદાર અધિકારીઓ સામે ગુનો દાખલ કરવામાં આવશે કે કેમ.

(7:33 PM IST)