<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd January 2026

હવે ઘરે બેઠા PUC કે ફિટનેસ સર્ટિફિકેટ ભૂલી જજો: વાહનનો 10 સેકન્ડનો વિડિયો ફરજિયાત : નિયમ ભંગ બદલ ગાડી થશે ભંગાર

માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા મોટર વાહન નિયમોમાં ક્રાંતિકારી ફેરફારની તૈયારી; ખાનગી વાહનો માટે ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશન પર જવું અનિવાર્ય બનશે : જીઓ-ટેગિંગ અને વીડિયો પ્રૂફ વગર પાસ નહીં થાય વાહન

નવી દિલ્હી:  ભારત સરકાર હવે રસ્તાઓ પર દોડતા ખટારા અને પ્રદૂષણ ઓકતા વાહનો પર લગામ કસવા માટે એક અત્યંત કડક ડિજિટલ સિસ્ટમ અમલમાં લાવી રહી છે. માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવેલા નવા ડ્રાફ્ટ મુજબ, હવે કોઈપણ વાહનને ટેસ્ટિંગ સેન્ટર પર લઈ ગયા વગર ફિટનેસ કે PUC સર્ટિફિકેટ મેળવવું અશક્ય બની જશે. નવા નિયમો અંતર્ગત ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશન (ATS) પર વાહનનું પરીક્ષણ કરવું ફરજિયાત રહેશે. સૌથી મોટો ફેરફાર એ છે કે હવે પ્રમાણપત્ર જારી કરતા પહેલા વાહનનો ઓછામાં ઓછો 10 સેકન્ડનો જીઓ-ટેગ કરેલો વીડિયો અપલોડ કરવો પડશે, જેમાં ગાડીની નંબર પ્લેટ, ચેસિસ નંબર અને એન્જિન નંબર સ્પષ્ટ દેખાવા જોઈએ. આ ટેક્નોલોજીના કારણે કાગળ પર થતી છેતરપિંડી અને વચેટિયાઓની દુકાનો કાયમ માટે બંધ થઈ જશે.

ખાસ કરીને 15 વર્ષથી વધુ જૂના ખાનગી વાહનો માટે આ નિયમ 'કાળ' સાબિત થઈ શકે છે. જો તમારું વાહન ફિટનેસ ટેસ્ટમાં નિષ્ફળ જાય છે, તો સરકાર તમને તે રિપેર કરાવવા માટે 180 દિવસ એટલે કે લગભગ 6 મહિનાનો સમય આપશે. જો આ સમયમર્યાદામાં પણ વાહન ટેસ્ટ પાસ કરવામાં નિષ્ફળ રહેશે, તો તેને આપોઆપ 'એન્ડ ઓફ લાઈફ વ્હીકલ' (ELV) જાહેર કરી દેવામાં આવશે. એકવાર ગાડી ELV જાહેર થયા પછી તે સરકારી ડેટાબેઝમાં ભંગાર (Scrap) તરીકે નોંધાઈ જશે અને તમે તેને કાયદેસર રીતે રસ્તા પર ચલાવી શકશો નહીં. આ પગલાનો મુખ્ય હેતુ વાયુ પ્રદૂષણ ઘટાડવાનો અને રસ્તા પર માત્ર સુરક્ષિત વાહનો જ રહે તે સુનિશ્ચિત કરવાનો છે.

અધિકારીઓના જણાવ્યા મુજબ, અત્યાર સુધી ઘણા લોકો માત્ર ફી ભરીને અથવા ઓનલાઈન સેટિંગ કરીને ગાડી બતાવ્યા વગર જ સર્ટિફિકેટ મેળવી લેતા હતા, પરંતુ હવે ઓટોમેટેડ સિસ્ટમમાં માનવીય હસ્તક્ષેપ નહિવત થઈ જશે. દેશભરમાં હાલમાં 160થી વધુ ATS સેન્ટરો કાર્યરત છે અને તેની સંખ્યા વધારવાની પણ યોજના છે. જો વાહન ટેસ્ટમાં ફેલ થાય તો માત્ર ફી ભરીને સમય લંબાવવાની સુવિધા પણ નાબૂદ કરવામાં આવશે. વાહન માલિકોએ હવે દર પાંચ વર્ષે ફરજિયાત ફિટનેસ ટેસ્ટ પાસ કરવો પડશે. સરકારના આ કડક વલણથી જૂના વાહન માલિકોમાં ફફડાટ છે, પરંતુ પર્યાવરણ અને રોડ સેફ્ટીની દ્રષ્ટિએ આ એક મોટું કદમ માનવામાં આવી રહ્યું છે.

(7:32 PM IST)