<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd January 2026

બેંગલુરુ જેલમાં બેઠા-બેઠા રચાતું હતું આતંકી કાવતરું: NIAનો મોટો ખુલાસો, આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર અને ડોક્ટરની ધરપકડથી ખળભળાટ

જેલના સળિયા પાછળથી આતંક ફેલાવવાની લશ્કર-એ-તૈયબાની ગંદી ચાલ: માતાએ પુત્રને ગ્રેનેડ મોકલ્યા, તો ડોક્ટરે કેદીઓને ફોન વેચ્યા! NIAએ ત્રણ નવા આરોપીઓ સામે દાખલ કરી ચાર્જશીટ


બેંગલુરુ, તા. 02 : બેંગલુરુની સેન્ટ્રલ જેલમાં ચાલતા 'કટ્ટરપંથીકરણ' અને આતંકવાદી કાવતરાના કેસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ ચોંકાવનારા ખુલાસા કર્યા છે. શુક્રવારે NIAએ ત્રણ વધુ આરોપીઓ સામે પૂરક ચાર્જશીટ દાખલ કરી છે, જેમાં એક આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર (ASI), એક મનોચિકિત્સક ડોક્ટર અને આતંકીની માતાનો સમાવેશ થાય છે. આ ખુલાસાએ જેલ પ્રશાસન અને સુરક્ષા એજન્સીઓની ઉંઘ ઉડાવી દીધી છે.
આતંકી પુત્રની મદદગાર માતા
NIA ની તપાસ મુજબ, ભાગેડુ આતંકી જુનૈદ અહેમદની માતા અનીસ ફાતિમા આ કાવતરાની મુખ્ય કડી હતી. તેણીએ જેલમાં બંધ આતંકી ટી. નસીરને નાણાકીય અને લોજિસ્ટિક સપોર્ટ પૂરો પાડ્યો હતો. એટલું જ નહીં, પોતાના પુત્રના કહેવાથી અનીસે હેન્ડ ગ્રેનેડ અને વોકી-ટોકીના સંચાલનમાં પણ મદદ કરી હતી. તેણીએ મુખ્ય આરોપી સલમાન ખાનને દુબઈ ભાગી જવામાં પણ મદદ કરી હતી, જેને પાછળથી રવાન્ડાથી પ્રત્યાર્પણ કરીને ભારત લાવવામાં આવ્યો હતો.
રક્ષક જ બન્યા ભક્ષક: પોલીસ અને ડોક્ટરની મિલીભગત
આ કેસમાં સૌથી વધુ આંચકાજનક બાબત સરકારી અધિકારીઓની સંડોવણી છે. બેંગલુરુ સિટી આર્મ્ડ રિઝર્વના ASI ચાન પાશા પર આરોપ છે કે તેમણે આતંકી ટી. નસીરની હિલચાલ અને સુરક્ષાની ગુપ્ત માહિતી સલમાન ખાન સાથે શેર કરી હતી. બીજી તરફ, જેલ હોસ્પિટલના મનોચિકિત્સક ડો. નાગરાજ એસ. જેલમાં મોબાઈલ ફોનની દાણચોરી કરતા અને કેદીઓને મોંઘા ભાવે વેચતા હતા. આમાંથી જ એક ફોન આતંકી નસીર પાસે પહોંચ્યો હતો, જેનો ઉપયોગ તેણે દેશ વિરોધી કાવતરા ઘડવા માટે કર્યો હતો.
જેલ તોડવાનું હતું મોટું કાવતરું
આ સમગ્ર પ્રવૃત્તિઓનો મુખ્ય હેતુ 2008 ના બેંગલુરુ શ્રેણીબદ્ધ વિસ્ફોટોના આરોપી ટી. નસીરને જેલમાંથી કોર્ટ લઈ જવાના રસ્તામાં ભગાડી જવાનો હતો. લશ્કર-એ-તૈયબા (LeT) આ રીઢા ગુનેગારોનો ઉપયોગ કરીને શહેરમાં ફરી એકવાર આતંક ફેલાવવા માંગતું હતું. જુલાઈ 2023 માં પોલીસ દ્વારા હથિયારો અને ડિજિટલ ઉપકરણો જપ્ત કરવામાં આવ્યા ત્યારે આ ભયાનક પ્લાનનો પર્દાફાશ થયો હતો.
 
ચાર્જશીટમાં નોંધાયેલા નવા આરોપીઓ:
•    અનીસ ફાતિમા: આતંકી જુનૈદની માતા (નાણાકીય અને હથિયારોની મદદ).
•    ચાન પાશા એ.: ASI (પોલીસની ગુપ્ત માહિતી લીક કરવા બદલ).
•    ડૉ. નાગરાજ એસ.: મનોચિકિત્સક (જેલમાં ગેરકાયદેસર મોબાઈલ સપ્લાય કરવા બદલ).

(4:57 PM IST)