<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd January 2026

૩૧ની રાત્રે લોકોએ પિત્‍ઝા-બર્ગર નહીં બિરયાનીનો સૌથી વધુ ઓર્ડર આપ્‍યો

ફૂડ ડિલિવરી એપ્‍લિકેશન સ્‍વિગીએ નવા વર્ષની આગલી રાતે ઘરે બેઠેલા લોકોમાં સૌથી પ્રિય ફૂડ આઈટમનું લિસ્‍ટ જાહેર કર્યુ સ્‍વિગીએ જાહેર કર્યુ કે ૩૧ ડિસેમ્‍બરની રાત્રે, લોકોએ ૨ લાખ ૧૮ હજાર ૯૯૩ પ્‍લેટ બિરયાનીનો ઓર્ડર આપ્‍યો

નવી દિલ્‍હી, તા.૨: ૨૦૨૫-૨૬ ના નવા વર્ષની આગલી રાત્રે ઘરે ઉજવણી કરી રહેલા લોકોએ ફૂડ ડિલિવરી એપ્‍લિકેશન્‍સ પર ભારે ભીડ કરી દીધી હતી. જ્‍યારે પહેલા એવી કંઈક જાહેરાત થઈ હતી કે નવા વર્ષની આગલી રાતે ઓનલાઈન ડિલિવરી બંધ કરવામાં આવશે, ત્‍યારે કર્મઠ ડિલિવરી બોય્‍સે તેમની કામ કરવાની લગન ખૂબ સારી રીતે નિભાવી હતી.

હવે, ઓનલાઈન ફૂડ ડિલિવરી એપ્‍લિકેશન સ્‍વિગીએ તેના લાઈવ અપડેટ્‍સમાં જાહેર કર્યું છે કે ૩૧ ડિસેમ્‍બરની સાંજે કઈ ફૂડ આઈટમ લોકોની સૌથી ફેવરિટ હતી.

ડેટાના આધારે, સ્‍વિગીએ ખુલાસો કર્યો કે નવા વર્ષની આગલી રાતે લોકોએ ઘરેથી ઘણું બધું ખાવાનું મંગાવ્‍યું હતું. વિવિધ મેનુ વસ્‍તુઓમાંથી, બિરયાની સૌથી વધુ ફેવરિટ હતી. લોકોએ ઓર્ડર કરેલા આંકડા તમને આશ્‍ચર્યચકિત કરી દેશે! ફક્‍ત સાંજે ૭:૩૦ વાગ્‍યા સુધીમાં, ૨૧૮,૯૯૩ પ્‍લેટ બિરયાનીનો ઓર્ડર આપવામાં આવ્‍યો હતો! સ્‍વિગીએ મજાકમાં લખ્‍યું, ‘હજુ ૭:૩૦ પણ નથી થયા, અને ૨૧૮,૯૯૩ બિરયાનીનો ઓર્ડર આપવામાં આવી ચૂકયો છે...!'

આ લિસ્‍ટમાં બિરયાની ટોચ પર હતી. જેમ જેમ નવું વર્ષ નજીક આવતું ગયું તેમ તેમ વધુ આંકડા બહાર આવતા ગયા. રાત્રે ૯:૩૦ વાગ્‍યા સુધીમાં ૯૦,૦૦૦ થી વધુ બર્ગર ડિલિવર થઈ ગયા!

બેંગલુરુમાં, ૧,૯૨૭ લોકોએ સલાડનો ઓર્ડર આપ્‍યો, જ્‍યારે ૯,૪૧૦ લોકોએ ખીચડી પસંદ કરી. ઉપમા પણ પાછળ નહોતા રહ્યા, તેનો પણ ૪,૨૪૪ પ્‍લેટનો ઓર્ડર મળ્‍યો. મીઠાઈની વાત કરીએ તો, ગાજરના હલવાનો ક્રેઝ હતો, લગભગ ૭,૫૭૩ પ્‍લેટનો ઓર્ડર મળ્‍યો.

આ બધું જોઈને ડિલિવરી બોય્‍સની મહેનતની કલ્‍પના કરી શકાય છે. આ લોકો આખી રાત સ્‍કૂટર પર ફરતા, અનેક ઓર્ડર લેતા, લાઈટ અને ઉજવણી વચ્‍ચે ઓર્ડર આપતા જોવા મળ્‍યા. જ્‍યારે અન્‍ય લોકો ઘરેથી ઉજવણી કરી રહ્યા હતા, ત્‍યારે આ લોકો ઓર્ડર પહોંચાડી પહોંચાડીને થાકી ગયા હતા, તેમ છતા લોકોના નવા વર્ષને ખાસ બનાવ્‍યા હતા.

સ્‍વિગીએ એમ પણ જણાવ્‍યું કે વર્ષ ૨૦૨૫ માં, ૬ કરોડ ૬૭ લાખથી વધુ વખત લોકોએ બીજા કોઈ માટે ફૂડનો ઓર્ડર આપ્‍યો છે, જેનો અર્થ એ છે કે ફૂડ ગિફ્‌ટ આપવું હવે ખૂબ સામાન્‍ય બની ગયું છે! ઘરેથી ઉજવણી, પરિવાર સાથે સમય વિતાવવો અને મનપસંદ ખોરાકનો ઓર્ડર આપવો - આ નવો ટ્રેન્‍ડ છે!

(4:11 PM IST)