<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd January 2026

એલઓસી અને એલએસી પર શૂન્‍યથી માઈનસ ૪૦ ડિગ્રી તાપમાનમાં

ભારતીય જવાનોની અદમ્‍ય સાહસગાથા : કુદરત અને દુશ્‍મન બંને સામે જંગ

જમ્‍મુઃ લદાખ, કારગીલ અને કાશ્‍મીરની સરહદો પર ભારતીય જવાનો હાડ થીજવી દેતી ઠંડીમાં ફરજ બજાવી રહ્યા છે. એલઓસી અને એલએસી પર તાપમાન શૂન્‍યથી અનેક ડિગ્રી નીચે ગયું છે. ૧૦૦ થી ૧૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા બર્ફીલા પવનો વચ્‍ચે ભારતીય સેના ચીન અને પાકિસ્‍તાન એમ બેવડા દુશ્‍મનોનો સામનો કરી રહી છે.

ભારતીય સેનાના જવાનો હાલમાં દુનિયાના સૌથી મુશ્‍કેલ અને દુર્ગમ વિસ્‍તારોમાં માતૃભૂમિની રક્ષા માટે અડીખમ ઊભા છે. લદાખમાં ચીની સરહદ (એલએસી), કારગીલ અને કાશ્‍મીરની લાઈન ઓફ કંટ્રોલ (એલઓસી) પર હાલમાં કુદરત કસોટી કરી રહી છે. અહીં માત્ર દુશ્‍મન દેશો પાકિસ્‍તાન અને ચીનની સેનાનો જ ખતરો નથી, પરંતુ પ્રકૃતિના રૌદ્ર સ્‍વરૂપનો પણ સામનો કરવો પડી રહ્યો છે.

ડિજિટલ મીડિયા પર ઉપલબ્‍ધ અહેવાલો અને સત્તાવાર વિગતો મુજબ, આ પહાડી વિસ્‍તારોમાં હાલ તાપમાન શૂન્‍યથી અનેક ડિગ્રી નીચે છે. સિયાચીન ગ્‍લેશિયર જેવા વિસ્‍તારોમાં તો તાપમાન માઈનસ ૩૦ થી માઈનસ ૪૦ ડિગ્રી સેલ્‍સિયસ સુધી પહોંચી જાય છે. આ હાડ થીજવતી ઠંડીમાં ૧૦૦ થી ૧૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા બર્ફીલા પવનો પરિસ્‍થિતિને વધુ વિકટ બનાવે છે. આ પવનો એટલા તેજ હોય છે કે એક પળ માટે પણ ખુલ્‍લામાં ઊભા રહેવું અશક્‍ય બની જાય છે.

 સિયાચીન અને ગલવાનમાં સ્‍થિતિ

દુનિયાના સૌથી ઊંચા યુદ્ધક્ષેત્ર સિયાચીનમાં શિયાળા દરમિયાન જીવન અત્‍યંત કઠિન હોય છે. અહીં ભારે હિમવર્ષાને કારણે ચારેબાજુ બરફની ઊંચી દીવાલો સર્જાય છે. ગલવાન ખીણ વિસ્‍તારમાં પણ દિવસનું તાપમાન ૫ થી ૮ ડિગ્રી રહે છે, પરંતુ રાત્રે પારો શૂન્‍યથી નીચે સરકી જાય છે. લદાખ અને કારગીલ સેક્‍ટરમાં રાત્રિનું તાપમાન માઈનસ ૧૫ ડિગ્રીથી પણ નીચે જતું રહ્યું છે.

આવા વાતાવરણમાં ઓક્‍સિજનની અછત અને 'હાઈ એલ્‍ટિટ્‍યુડ'ને કારણે થતી શારીરિક તકલીફો વચ્‍ચે પણ જવાનો ચોવીસ કલાક પેટ્રોલિગ કરે છે. તાજેતરની બરફબારીને કારણે સરહદી પોસ્‍ટ્‍સ પર બરફના થર જામી ગયા છે, જેના કારણે રસ્‍તાઓ લપસણા બન્‍યા છે. તેમ છતાં, રેશન, હથિયારો અને સંચાર વ્‍યવસ્‍થા જાળવી રાખવા માટે જવાનો સતત કાર્યરત છે.

 વિશેષ તૈયારીઓ

આ દુર્ગમ પરિસ્‍થિતિઓને પહોંચી વળવા માટે ભારતીય સેના અત્‍યાધુનિક ઉપકરણોનો ઉપયોગ કરી રહી છે. જવાનોને 'સ્‍પેશિયલ વિન્‍ટર ક્‍લોથિગ' (ખાસ શિયાળુ પોશાક), અત્‍યાધુનિક શૂઝ અને હાઈ-એલ્‍ટિટ્‍યુડ સાધનો આપવામાં આવે છે. આ ઉપરાંત સેના પાસે સચોટ હવામાન નિરીક્ષણ પ્રણાલી પણ છે જે તોફાનની આગોતરી જાણ કરે છે. આ શારીરિક પડકાર ઉપરાંત માનસિક મનોબળ ટકાવી રાખવું પણ એટલું જ મહત્‍વનું છે, જે ભારતીય જવાનો પોતાની શિસ્‍ત અને દેશભક્‍તિના જુસ્‍સાથી નિભાવી રહ્યા છે.

હિમાલયની આ બર્ફીલી ઊંચાઈઓ પર તૈનાત આ પ્રહરીઓ સુનિヘતિ કરે છે કે દેશની સરહદો સુરક્ષિત રહે. પ્રકૃતિના પ્રકોપ વચ્‍ચે પણ તેમનું મનોબળ હિમાલય જેટલું જ અડગ છે.

(12:20 PM IST)