News of Friday, 2nd January 2026
રેપના ખોટા કેસથી આરોપી પર ક્યારેય ન રૂઝાય તેવા ઘા પડે છે
પીડિતાનું નિવેદન બદલાઈ જાય તે ગંભીર બાબત, કોર્ટ તેની અવગણના ન કરી શકેઃ દિલ્હી હાઇકોર્ટ

નવી દિલ્હી તા.૨: રેપના ખોટા આરોપોને ગંભીર બાબત ગણાવી દિલ્હી હાઈકોર્ટે જણાવ્યું હતું કે બળાત્કારના આરોપોમાં કોઈ વ્યક્તિને ખોટી રીતે સંડોવવાથી આરોપી પર જીવનભર ક્યારેય ન રુઝાય તેવા ઘા પડે છે અને તેનાથી કથિત પીડિતા અને આરોપી બંનેને દૂરગામી અસરો થાય છે. જો કોઈપણ બાહ્ય દબાણ વગર પીડિતા પોતાના નિવેદનથી સંપૂર્ણપણે ફરી જાય તો ગંભીર બાબત છે અને કોર્ટ તેની અવગણના કરી શકે નહીં.
ટ્રાયલ કોર્ટના આદેશને પડકારતી દિલ્હી પોલીસની એક રિવિઝન પિટિશનની સુનાવણી કરતાં ન્યાયાધીશ સ્વર્ણકાંત શર્માએ આ અવલોકન કર્યાં હતાં. પીડિતાએ બળાત્કારનો આરોપ લગાવતા તેના અગાઉના નિવેદનથી પાછું ખેંચી લીધા પછી ટ્રાયલ કોર્ટે તમામ આરોપીઓને મુક્ત કર્યા હતાં. ૧૫ ડિસેમ્બરના આદેશમાં કોર્ટે જણાવ્યું હતું કે રેપ કેસમાં ખોટી સંડોવણીથી કથિત આરોપીની પ્રતિષ્ઠા ખરડાય છે, જેલવાસ ભોગવવો પડે છે તથા સામાજિક કલંક અને માનસિક આઘાત લાગે છે.
જાતિય હુમલાના સાચા કેસોમાં પીડિતાને કાયમી ઘા પડતા હોય છે, તેમ ખોટા કેસમાં સંડોવાયેલા વ્યક્તિને પણ ઘા પડતા હોય છે. કોર્ટે જણાવ્યું હતું કે કોઈપણ બળજબરી કે બાહ્ય દબાણના આરોપ વગર પીડિતાનું નિવેદનનું સંપૂર્ણ સંપૂર્ણપણે બદલાઈ જાય તો તે ગંભીર ચિતાઓ ઉભી કરે છે, તેની બંધારણીય અદાલત અવગણના કરી શકે છે, કારણ કે બળાત્કારના આરોપો માત્ર કથિત પીડિતા માટે જ નહીં, પરંતુ આરોપીઓ અને તેમના પરિવારો માટે પણ દૂરગામી અસરો કરે છે. આવી ખોટી ફરિયાદો મોટાભાગે લોકોના મનમાં શંકા અને ખચકાટ પેદા કરે છે અને પછીથી સાચી ફરિયાદોને પણ શંકાની નજરે જોવામાં આવે છે.ન્યાયાધીશે જણાવ્યું હતું કે જાતીય ગુનાના ખોટા આરોપોને હળવાશથી લઈ શકાય નહીં અને કાયદા અનુસાર કાળજીપૂર્વક અને મજબૂત તપાસ કરવી જોઈએ, જેથી થોડા લોકો દ્વારા કાયદાના દુરુપયોગને કારણે સાચા પીડિતોને તકલીફ ન પડે.(૩૮.૭)
(10:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
