<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st January 2026

ઓનલાઈન ગેમિંગ એપ WinZO પર ED નો સકંજો: 192 કરોડ રૂપિયા ફ્રીઝ, ખેલાડીઓને અંધારામાં રાખી 'BOTS' દ્વારા 802 કરોડની છેતરપિંડીનો પર્દાફાશ

માણસો સાથે નહીં પણ કોમ્પ્યુટર પ્રોગ્રામ (AI) સાથે રમાડી ખિસ્સા ખાલી કરાવ્યા; વિદેશમાં નાણાં મોકલવા માટે શેલ કંપનીઓનો ઉપયોગ - બેંગલુરુમાં દરોડા બાદ તપાસ એજન્સીનો ચોંકાવનારો ખુલાસો

બેંગલુરુ: નવા વર્ષના પ્રથમ દિવસે જ લોકપ્રિય ગેમિંગ પ્લેટફોર્મ WinZO માટે માઠા સમાચાર આવ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મની લોન્ડરિંગ તપાસના ભાગરૂપે WinZO ની એકાઉન્ટિંગ ફર્મ પર દરોડા પાડીને આશરે ૧૯૨ કરોડ રૂપિયા સ્થગિત (Freeze) કરી દીધા છે. બેંગલુરુ ઝોનલ ઓફિસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીમાં કંપનીની અનૈતિક પ્રથાઓ અને ગ્રાહકો સાથે કરવામાં આવેલી વિશ્વાસઘાતની વિગતો બહાર આવી છે.
ખેલાડીઓ સાથે દગો: માણસ નહીં, BOT સામે મેચ
ED ની તપાસમાં સૌથી મોટો ધડાકો એ થયો છે કે WinZO એપ પર રિયલ મની ગેમ્સ રમતા ગ્રાહકોને ખબર જ નહોતી કે તેઓ કોઈ જીવંત વ્યક્તિ સાથે નહીં, પરંતુ BOTs/AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) સામે રમી રહ્યા હતા. કંપનીએ મે ૨૦૨૪ થી ઓગસ્ટ ૨૦૨૫ દરમિયાન આ BOTs દ્વારા રમાયેલી મેચોમાંથી 'રેક કમિશન' ના નામે કરોડો રૂપિયાની કમાણી કરી હતી. તપાસ મુજબ, કંપનીએ અત્યાર સુધીમાં આ રીતે આશરે ૮૦૨ કરોડ રૂપિયા ની ગેરકાયદે સંપત્તિ (Proceeds of Crime) જનરેટ કરી છે.
પૈસા ઉપાડવા પર પ્રતિબંધ અને વિદેશી કનેક્શન
તપાસ એજન્સીએ એવો પણ દાવો કર્યો છે કે કંપનીએ ગ્રાહકોના પાકીટ (Wallet) માં રહેલા નાણાંના ઉપાડ પર મર્યાદા લાદી દીધી હતી. એટલું જ નહીં, આ કમાણીનો મોટો હિસ્સો વિદેશી રોકાણના બહાને ભારત બહાર અમેરિકા અને સિંગાપોર મોકલવામાં આવ્યો છે. અમેરિકામાં 'WINZO US Inc.' ના નામે એક શેલ કંપની બનાવીને તેમાં ૫૪ મિલિયન ડોલર ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા, જેનું સંચાલન વાસ્તવમાં ભારતમાંથી જ થતું હતું.
દરોડામાં શું મળ્યું?
૩૦ ડિસેમ્બરના રોજ પાડવામાં આવેલા આ દરોડા દરમિયાન, EDએ WinZO ની પેટાકંપની 'ઝેડઓ ગેમ્સ પ્રાઇવેટ લિમિટેડ' ના બેંક બેલેન્સ, ફિક્સ ડિપોઝિટ (FD) અને મ્યુચ્યુઅલ ફંડના સ્વરૂપમાં રહેલા ૧૯૨ કરોડ રૂપિયા જપ્ત કર્યા છે. અગાઉ નવેમ્બર મહિનામાં પણ કંપનીના ડિરેક્ટરોના રહેણાંક પરિસરે તપાસ કરવામાં આવી હતી. સરકાર દ્વારા રિયલ મની ગેમ્સ પર પ્રતિબંધ હોવા છતાં કંપની ગ્રાહકોના ૪૩ કરોડ રૂપિયા દબાવીને બેઠી હોવાનું પણ બહાર આવ્યું છે.

(8:45 PM IST)