News of Thursday, 1st January 2026
કલેક્ટરે આપ્યા મેજિસ્ટ્રેટ તપાસના આદેશ: ઉત્તરાખંડમાં મોટી દુર્ઘટના: ચમોલીની હાઇડ્રોપાવર ટનલમાં બે ટ્રેનો વચ્ચે ભયાનક ટક્કર, 88 શ્રમિકો લોહીલુહાણ થતા મચી ચીસાચીસ
વિષ્ણુગઢ-પીપલકોટી પ્રોજેક્ટની ટનલમાં 2 કિમી અંદર સર્જાયો અકસ્માત; સામગ્રી ભરેલી ટ્રેને સંતુલન ગુમાવતા મજૂરો ભરેલી ટ્રેન સાથે અથડાઈ

ગોપેશ્વર: દેવભૂમિ ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં નિર્માણાધીન હાઇડ્રોપાવર પ્રોજેક્ટની ટનલમાં નવા વર્ષની પૂર્વસંધ્યાએ એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. વિષ્ણુગઢ-પીપલકોટી પ્રોજેક્ટની ટનલની અંદર કામદારોને લઈ જતી એક લોકલ પરિવહન ટ્રેન (લોકો ટ્રેન) અને સામગ્રી ભરેલી ટ્રેન વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ દુર્ઘટનામાં ટનલની અંદર કામ કરી રહેલા ૮૮ જેટલા શ્રમિકો ઘાયલ થયા છે, જેના પગલે સમગ્ર વહીવટીતંત્રમાં દોડધામ મચી ગઈ છે.
ટનલમાં ૨ કિમી અંદર સર્જાયો કાળમુખો અકસ્માત
મળતી માહિતી મુજબ, મંગળવારે રાત્રે ૮.૩૦ વાગ્યાની આસપાસ THDC દ્વારા નિર્મિત ટનલની અંદર શિફ્ટ બદલવાનું કામ ચાલી રહ્યું હતું. ટનલ બોરિંગ મશીન (TBM) સાઇટ પર જવા માટે ૧૦૯ શ્રમિકો એક ટ્રેનમાં સવાર થઈને ટનલમાં આશરે ૨ કિમી અંદર પહોંચ્યા હતા. તે જ સમયે સામેની દિશામાંથી પથ્થરો અને સામગ્રી ભરેલી બીજી ટ્રેન આવી રહી હતી. આ સામગ્રી ભરેલી ટ્રેને અચાનક સંતુલન ગુમાવ્યું હતું અને તે શ્રમિકો ભરેલી ટ્રેન સાથે ધડાકાભેર અથડાઈ હતી.
મુખ્યમંત્રી ધામી એક્શનમાં, હોસ્પિટલમાં ઘાયલોની ભીડ
અકસ્માતની જાણ થતા જ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ તાત્કાલિક અસરથી જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે વાત કરી ઘાયલોને શ્રેષ્ઠ સારવાર આપવા આદેશ આપ્યો હતો. જિલ્લા મેજિસ્ટ્રેટ ગૌરવ કુમાર અને એસપી સુરજીત સિંહ પનવારે રાત્રે જ ગોપેશ્વર જિલ્લા હોસ્પિટલની મુલાકાત લીધી હતી. રાહતની વાત એ છે કે ૮૮ ઘાયલ શ્રમિકોમાંથી મોટાભાગનાને પ્રાથમિક સારવાર બાદ રજા આપવામાં આવી છે, જ્યારે ૪ કામદારો હજુ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
રેલવેની સ્પષ્ટતા અને મેજિસ્ટ્રેટ તપાસ
આ અકસ્માત અંગે અફવાઓ ફેલાતા ભારતીય રેલવેએ તુરંત સ્પષ્ટતા કરી છે કે આ અકસ્માતમાં રેલવેની કોઈ ટ્રેન સામેલ નથી. આ એક પ્રોજેક્ટ સાઇટ પર વપરાતી સ્થાનિક ટ્રોલી જેવી ટ્રેન હતી. કલેક્ટરે આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા છે. તેમણે તપાસ કરી રિપોર્ટ સોંપવા જણાવ્યું છે કે ટનલની અંદર સલામતીના કયા ધોરણોમાં ખામી રહી ગઈ હતી જેના કારણે આટલી મોટી ટક્કર થઈ.
નોંધનીય છે કે અલકનંદા નદી પર બની રહેલો આ ૪૪૪ મેગાવોટનો પ્રોજેક્ટ આવતા વર્ષ સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે, પરંતુ આ અકસ્માતે ફરી એકવાર પહાડોમાં ચાલતા બાંધકામોની સુરક્ષા સામે સવાલ ઉભા કર્યા છે.
(7:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
