News of Wednesday, 31st December 2025
પાકિસ્તાન માટે 'કાળચક્ર' સમાન રહ્યું 2025: ભારત સામેના સૈન્ય સંઘર્ષમાં કમર તૂટી : આર્થિક અને રાજકીય મોરચે પણ પડી પછડાટ
ઓપરેશન સિંદૂર દ્વારા ભારતીય સેનાએ પાકિસ્તાની એરફોર્સના F-16 સહિતના વિમાનો ફૂંકી માર્યા: આંતરિક બળવો, ઇમરાન ખાનને સજા અને વધતા આતંકવાદે પાડોશી દેશને પાયમાલીના આરે લાવી દીધો

નવી દિલ્હી: વર્ષ 2025 પાકિસ્તાનના ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી કપરું અને પરાજયથી ભરેલું વર્ષ સાબિત થયું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે દાયકાઓ પછી સૌથી મોટો સૈન્ય મુકાબલો જોવા મળ્યો, જેમાં ભારતે પોતાની તાકાતનો પરચો આપ્યો હતો. પહેલગામ આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદૂર' હાથ ધર્યું હતું. આ ઓપરેશન અંતર્ગત પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (PoK) માં આતંકી ઠેકાણાઓ પર મિસાઇલ અને ડ્રોન હુમલા કરીને આતંકી માળખાને તોડી પાડવામાં આવ્યું હતું. ભારતીય વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એ.પી. સિંહે પુષ્ટિ કરી હતી કે આ સંઘર્ષમાં પાકિસ્તાનના ગર્વ સમાન એક ડઝન જેટલા લશ્કરી વિમાનો, જેમાં અમેરિકી નિર્મિત F-16 પણ સામેલ હતા, તેને ભારે નુકસાન પહોંચ્યું હતું અથવા નાશ કરવામાં આવ્યા હતા.
સૈન્ય પરાજયની સાથે પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પોતાની વિશ્વસનીયતા ગુમાવી છે. જોકે પાકિસ્તાને ચીન, તુર્કી અને અઝરબૈજાન પાસેથી લશ્કરી મદદ માંગી હતી, પરંતુ ભારતની મક્કમ રાજદ્વારી વ્યૂહરચના સામે તે નબળું પડ્યું હતું. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મધ્યસ્થીનો દાવો કર્યો હતો, પરંતુ ભારતે સ્પષ્ટ કર્યું હતું કે આ કાર્યવાહી નિવારક પગલા તરીકે કરવામાં આવી હતી. આ જ વર્ષે પાકિસ્તાને સાઉદી અરેબિયા સાથે સંરક્ષણ કરાર કર્યા છે, જેના પર ભારતની બાજ નજર છે. પાકિસ્તાન હવે રક્ષા ક્ષેત્રે સંપૂર્ણપણે ચીન પર નિર્ભર બની ગયું છે, જે તેના સાર્વભૌમત્વ માટે મોટો ખતરો માનવામાં આવે છે.
ઘરેલું મોરચે પણ પાકિસ્તાન સળગી રહ્યું છે. પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને ભ્રષ્ટાચારના કેસમાં 17 વર્ષની સજા થતા આખા દેશમાં હિંસક વિરોધ પ્રદર્શનો થયા હતા. સત્તા પર પકડ જમાવવા માટે આર્મી ચીફ અસીમ મુનીરને ફિલ્ડ માર્શલ તરીકે બઢતી આપવામાં આવી, જે પાકિસ્તાનમાં લોકશાહીના પતનના સંકેત આપે છે. વધતા જતા આતંકવાદને કારણે ખૈબર પખ્તુનખ્વા જેવા વિસ્તારો લોહીલુહાણ બન્યા છે. આમ, 2025 ના અંત સુધીમાં પાકિસ્તાન એક એવી સ્થિતિમાં આવી ગયું છે જ્યાંથી પાછા ફરવું અશક્ય લાગી રહ્યું છે, જ્યારે ભારત એક શક્તિશાળી રાષ્ટ્ર તરીકે ઉભરી આવ્યું છે.
(7:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
