News of Wednesday, 31st December 2025
ઉત્તર ભારત 'સફેદ અંધકાર'માં કેદઃ ધુમ્મસના કહેર વચ્ચે ૧૦૦થી વધુ ટ્રેનોના પૈડાં થંભ્યાઃ એરપોર્ટ પર ૧૪૮ ફ્લાઈટસ રદ!
હાડથીજવતી ઠંડી અને ઝીરો વિઝિબિલિટીના કારણે દિલ્હી-NCRમાં ઈમરજન્સી જેવી સ્થિતિઃ તેજસ એકસપ્રેસ ૧૧ કલાક મોડીઃ મુસાફરો એરપોર્ટ અને સ્ટેશનો પર અટવાયા

નવી દિલ્હી, તા.૩૧: રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારત અત્યારે કુદરતના પ્રકોપ સામે લાચાર જોવા મળી રહ્યું છે. ગાઢ ધુમ્મસની એવી ચાદર છવાઈ છે કે રસ્તા પર ઉભેલા માણસને પણ જોવો મુશ્કેલ બન્યો છે. તાપમાનમાં સતત થઈ રહેલા ઘટાડા અને શૂન્ય વિઝિબિલિટીના કારણે મંગળવાર અને બુધવાર મુસાફરો માટે આફત સમાન સાબિત થયા છે. દિલ્હીના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સ્થિતિ એટલી હદે વણસી છે કે માત્ર એક દિવસમાં ૧૪૮ ફ્લાઈટ્સ રદ કરવી પડી છે. એરપોર્ટ પ્રશાસને એડવાઈઝરી જારી કરીને મુસાફરોને વિનંતી કરી છે કે તેઓ ઘરની બહાર નીકળતા પહેલા પોતાની ફ્લાઈટનું સ્ટેટસ ચોક્કસ ચેક કરી લે.
રેલવે સેવાની હાલત પણ કંઈક આવી જ છે. ધુમ્મસના કારણે પાટા પર દૃશ્યતા ઓછી થતા લોકોની સુવિધા માટે દોડતી ટ્રેનો હવે કલાકો સુધી સ્ટેશનો પર જ ઉભી રહી છે. બુધવારે ૧૦૪ ટ્રેનો મોડી પડી હતી, જેમાં હાઈ-પ્રોફાઈલ તેજસ એકસપ્રેસ જેવી ટ્રેનો પણ ૧૧ કલાક મોડી ચાલી રહી હોવાના અહેવાલ છે. સ્ટેશનો પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે, જેઓ હાડથીજવતી ઠંડીમાં પ્લેટફોર્મ પર રાત વિતાવવા મજબૂર બન્યા છે. ઉત્તર પ્રદેશ, પંજાબ અને હરિયાણાથી દિલ્હી તરફ આવતી લગભગ તમામ ટ્રેનો પોતાના નિર્ધારિત સમય કરતા ઘણી પાછળ ચાલી રહી છે.
ખાનગી એરલાઈન્સ કંપની ઇન્ડિગોએ પણ મુસાફરો માટે મહત્વની સૂચના જારી કરી છે. કંપનીએ જણાવ્યું છે કે ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસને કારણે ફ્લાઈટ ઓપરેશનમાં ભારે વિક્ષેપ પડ્યો છે. જો તમારી ફ્લાઈટ રદ થઈ હોય કે મોડી હોય, તો તમે એપ દ્વારા રિફંડ અથવા રી-બુકિંગ કરાવી શકો છો. માત્ર હવાઈ કે રેલવે સફર જ નહીં, પણ સડક માર્ગ પર પણ વાહનોની ગતિ થંભી ગઈ છે. હાઈવે પર વિઝિબિલિટી ઓછી હોવાથી વાહનચાલકોને સાવચેતી રાખવા અને સમય કરતા વહેલા નીકળવા માટે એરલાઈન્સે સલાહ આપી છે જેથી એરપોર્ટ પહોંચવામાં કોઈ અડચણ ન આવે.
હવામાન વિભાગની આગાહી મુજબ, આ ઠંડી અને ધુમ્મસમાંથી હાલ કોઈ રાહત મળવાની શક્યતા નથી. આગામી ૪૮ કલાક સુધી જમ્મુ-કાશ્મીરથી લઈને હિમાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશ સુધીના વિસ્તારોમાં કોલ્ડ વેવની સ્થિતિ યથાવત રહેશે. ગાઢ ધુમ્મસના કારણે હવાઈ અને રેલવે પરિવહન હજુ પણ પ્રભાવિત થઈ શકે છે. નવા વર્ષની ઉજવણી માટે પહાડી વિસ્તારોમાં ગયેલા પર્યટકો માટે પણ આ હવામાન મુશ્કેલીઓ વધારી શકે છે. દિલ્હીવાસીઓ અત્યારે ઠંડી અને ધુમ્મસના આ બેવડા પ્રહાર સામે રક્ષણ મેળવવા માટે ગરમ વસ્ત્રો અને તાપણાનો સહારો લઈ રહ્યા છે.
(12:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
