News of Monday, 29th December 2025
કર્ણાટકમાં ‘બુલડોઝર રાજ’ પર વિવાદ: ૩૦૦ મકાનો ધ્વસ્ત કરાતા સેંકડો લોકો બેઘર, સરકાર સામે પ્રચંડ વિરોધ
સ્થાનિકોનો આરોપ છે કે તેમને સામાન ખસેડવા માટે પણ પૂરતો સમય આપવામાં આવ્યો ન હતો અને નોટિસ આપ્યા વિના જ આ તોડફોડ કરવામાં આવી

બેંગલુરુ: અહીંના યેલહંકા વિસ્તારમાં ગેરકાયદે દબાણ હટાવવાના નામે ૩૦૦ થી વધુ કાચા-પાકા મકાનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવતા ભારે હોબાળો મચ્યો છે. કોંગ્રેસ શાસિત રાજ્યમાં જ ‘બુલડોઝર રાજ’ જેવી સ્થિતિ સર્જાતા વિપક્ષ અને સાથી પક્ષોએ સરકારને ઘેરી છે.
કર્ણાટકના પાટનગર બેંગલુરુના યેલહંકા નજીક આવેલા ફકીર કોલોની અને વસીમ લેઆઉટ વિસ્તારમાં તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી મેગા ડિમોલિશન ડ્રાઈવ હવે રાજકીય વિવાદનું કેન્દ્ર બની છે. મળતી વિગતો મુજબ, શનિવારે વહેલી સવારે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બુલડોઝરો ફેરવી દેવામાં આવ્યા હતા, જેમાં ૩૦૦ થી વધુ મકાનો જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા હતા. આ કાર્યવાહીને કારણે ગરીબ અને મજૂર વર્ગના સેંકડો પરિવારો ખુલ્લા આકાશ નીચે આવી ગયા છે.
સ્થાનિક રહીશોનો આરોપ છે કે તેમને સામાન ખસેડવા માટે પણ પૂરતો સમય આપવામાં આવ્યો ન હતો અને નોટિસ આપ્યા વિના જ આ તોડફોડ કરવામાં આવી છે. આ ઘટના બાદ વિપક્ષ ભાજપે કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. આ ઉપરાંત, કોંગ્રેસના સાથી પક્ષો અને કેરળના મુખ્યમંત્રીએ પણ આ ઘટનાને ‘બુલડોઝર રાજ’ ગણાવીને ટીકા કરી છે. પ્રશાસનનું કહેવું છે કે આ મકાનો સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે બાંધવામાં આવ્યા હતા, પરંતુ માનવતાના ધોરણે થયેલી આ કાર્યવાહી સામે હવે દેશભરમાંથી પ્રતિક્રિયાઓ આવી રહી છે. પીડિતોમાં મહિલાઓ અને બાળકોની હાલત કફોડી બની છે, અને તેઓ ન્યાય માટે રસ્તા પર ઉતરી આવ્યા છે.
(11:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
