<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th December 2025

દિલ્હીમાં પોલીસનું 'ઓપરેશન આઘાટ 3.0': નવા વર્ષ પહેલા ગુનેગારોનો સફાયો: એકસાથે 966ની ધરપકડ!

દક્ષિણ-પૂર્વ દિલ્હીમાં 600થી વધુ પોલીસ જવાનોએ પાડેલા દરોડામાં પિસ્તોલ, હજારો લીટર દારૂ અને ડ્રગ્સનો જથ્થો ઝડપાયો: હિસ્ટ્રીશીટર્સ અને લિસ્ટેડ ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલી દિલ્હીને સુરક્ષિત બનાવવાશે

નવી દિલ્હી: નવા વર્ષની પૂર્વસંધ્યાએ જ્યારે આખું દિલ્હી જશ મનાવવાની તૈયારી કરી રહ્યું છે, ત્યારે દિલ્હી પોલીસે અસામાજિક તત્વો અને ગુનેગારોની કમર તોડવા માટે 'ઓપરેશન આઘાટ 3.0' તેજ કર્યું છે. દક્ષિણ-પૂર્વ દિલ્હીના વિવિધ વિસ્તારોમાં ચલાવવામાં આવેલી આ મેગા ઝુંબેશમાં પોલીસે ચોંકાવનારા આંકડાઓ સાથે કુલ 966 ગુનેગારોની ધરપકડ કરી છે. આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ્ય વર્ષના અંતિમ દિવસોમાં ભીડભાડનો લાભ ઉઠાવીને ગુના આચરતા તત્વો પર લગામ કસવાનો છે. સંગઠિત અપરાધ અને સ્ટ્રીટ ક્રાઈમ રોકવા માટે પોલીસે એકસાથે અનેક સ્થળોએ દરોડા પાડીને લિસ્ટેડ 116 નામચીન ગુનેગારો સહિત અનેક ઓટો-લિફ્ટર્સને જેલ ભેગા કર્યા છે.

પોલીસે આ ઓપરેશન દરમિયાન માત્ર ધરપકડો જ નથી કરી, પરંતુ મોટી માત્રામાં ગેરકાયદે હથિયારો અને નશીલા પદાર્થો પણ કબજે કર્યા છે. દરોડા દરમિયાન 21 દેશી પિસ્તોલ, જીવંત કારતૂસ અને છરીઓ જેવા ઘાતક શસ્ત્રો મળી આવ્યા છે. આ ઉપરાંત, ઉત્સવના માહોલમાં વેચવા માટે રાખવામાં આવેલો 12,000 થી વધુ ક્વાર્ટર ગેરકાયદે દારૂ અને 6 કિલો ગાંજાનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે. દિલ્હી પોલીસે આર્મ્સ એક્ટ, NDPS એક્ટ અને એક્સાઈઝ એક્ટ હેઠળ કડક કલમો લગાવીને આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે. આ ઓપરેશનમાં 300થી વધુ મોબાઈલ ફોન અને અનેક વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે, જે ગુનાહિત પ્રવૃત્તિઓમાં વપરાતા હોવાની શંકા છે.

દક્ષિણ-પૂર્વ જિલ્લાના 600 થી વધુ પોલીસ જવાનોના કાફલાએ રાત્રિના સમયે સઘન પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ હાથ ધરીને ગુનેગારોમાં ફફડાટ ફેલાવી દીધો છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ સતત કાર્યવાહીને કારણે છેલ્લા એક મહિનામાં સ્ટ્રીટ ક્રાઈમ સંબંધિત પીસીઆર કોલ્સમાં મોટો ઘટાડો નોંધાયો છે. રીઢો ગુનેગારો સામે કાયદાની કડક જોગવાઈઓ હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે જેથી નવા વર્ષની ઉજવણી શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે થઈ શકે. પોલીસે સ્પષ્ટ ચેતવણી આપી છે કે કાયદો હાથમાં લેનારા કોઈપણ તત્વને છોડવામાં આવશે નહીં, અને આગામી દિવસોમાં પણ આ સફાઈ અભિયાન ચાલુ રહેશે.

(7:25 PM IST)