News of Thursday, 25th December 2025
ભારતીય જવાનો હવે સોશિયલ મીડિયા પર કોઈ પોસ્ટ કરી શકશે નહિ
હની ટ્રેપ અને ડેટા લીકના જોખમો સામે આર્મી ચીફનું કડક વલણ : સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાનો ઉપયોગ હવે માત્ર માહિતી મેળવવા પૂરતો મર્યાદિતઃ પ્રતિક્રિયા આપવા પર પ્રતિબંધ

નવી દિલ્હી, તા.૨૫: ભારતીય સેનાએ સરહદોની સુરક્ષાની સાથે હવે ડિજિટલ સુરક્ષાને પણ અત્યંત ગંભીરતાથી લેવાનું શરૂ કર્યું છે. સેનાએ તેની સોશિયલ મીડિયા પોલિસીમાં એક ક્રાંતિકારી ફેરફાર કરતા સૈનિકો અને અધિકારીઓ માટે Instagram ના ઉપયોગ પર નવા નિયંત્રણો લાદ્યા છે. હવે સેનાના જવાનો Instagram કે X (અગાઉનું ટ્વિટર) જેવા પ્લેટફોર્મ પર કોઈપણ ફોટો કે વીડિયો પોસ્ટ કરી શકશે નહીં. એટલું જ નહીં, તેમને કોઈપણ પોસ્ટ પર લાઈક કે કોમેન્ટ કરવાની પણ મનાઈ ફરમાવી દેવામાં આવી છે. આ નવા નિયમ પાછળનો હેતુ સૈનિકોને માત્ર સોશિયલ મીડિયા પરની માહિતીથી માહિતગાર રાખવાનો છે, જેથી તેઓ શંકાસ્પદ કે ગેરમાર્ગે દોરતી પોસ્ટની ઓળખ કરી શકે પણ તેમાં પ્રત્યક્ષ રીતે જોડાય નહીં.
આ કડક નિર્ણયો પાછળ પાકિસ્તાની અને વિદેશી ગુપ્તચર એજન્સીઓ દ્વારા ચલાવવામાં આવતા હની ટ્રેપના કિસ્સાઓ જવાબદાર છે. ભૂતકાળમાં અનેક એવા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં સૈનિકો અજાણતા સોશિયલ મીડિયા પર સુંદર ચહેરાઓના મોહમાં ફસાઈને વ્યૂહાત્મક અને સંવેદનશીલ માહિતી લીક કરી બેસતા હતા. સેનાના સૂત્રોના જણાવ્યા અનુસાર, સૈનિકોને હવે રીએક્ટ (પ્રતિક્રિયા) આપવાને બદલે માત્ર રિપોર્ટ કરવાની સૂચના આપવામાં આવી છે. જો કોઈ સૈનિકને સોશિયલ મીડિયા પર કોઈ શંકાસ્પદ પ્રવળત્તિ જણાય, તો તેણે તેની જાણ તુરંત જ ઉપરના અધિકારીઓને કરવાની રહેશે, જેથી સેનાની આંતરિક તકેદારી મજબૂત બની શકે.
સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ તાજેતરમાં સ્વીકાર્યું હતું કે આજની પેઢીના યુવા કેડેટ્સ માટે સ્માર્ટફોન વિના રહેવું એક મોટો પડકાર છે. તેમણે રમૂજી અંદાજમાં જણાવ્યું હતું કે NDAમાં આવતા યુવાનો શરૂઆતમાં ત્રણ-ચાર મહિના સુધી ફોન શોધવામાં જ વિતાવે છે, પરંતુ ધીમે ધીમે તેમને ફોન વગરના જીવનની આદત પડે છે. જોકે, આર્મી ચીફે સ્પષ્ટતા કરી કે સેના સ્માર્ટફોનના ઉપયોગની વિરુદ્ધ નથી, કારણ કે સૈનિકોએ પરિવાર સાથે વાત કરવા, બાળકોની ફી ભરવા કે માતા-પિતાના સ્વાસ્થ્યની તપાસ માટે ટેકનોલોજીની જરૂર પડે છે. પરંતુ જ્યારે વાત સોશિયલ મીડિયાની આવે છે, ત્યારે શિસ્ત અને સુરક્ષા સાથે કોઈ બાંધછોડ થઈ શકે નહીં.ઉલ્લેખનીય છે કે ભારતીય સેનાએ ૨૦૨૦માં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ સહિત ૮૯ એપ્સ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકયો હતો. હવે નવી ગાઈડલાઈન્સ મુજબ, અમુક પ્લેટફોર્મ જોવાની છૂટ છે પણ તેમાં કોઈ પણ પ્રકારની ડિજિટલ હાજરી છોડવાની મનાઈ છે. ૨૦૧૭થી શરૂ થયેલી આ કડક પ્રક્રિયા હવે વધુ આધુનિક બની છે. સેનાનું માનવું છે કે હાઈબ્રિડ વોરફેરના આ જમાનામાં એક નાનકડી લાઈક કે કોમેન્ટ પણ દુશ્મન માટે મહત્વની કડી સાબિત થઈ શકે છે. તેથી, સરહદ પર જાગતા સૈનિકોએ હવે ડિજિટલ દુનિયામાં પણ એટલા જ સજાગ અને અદ્રશ્ય રહેવું પડશે.
(3:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
