News of Tuesday, 23rd December 2025
બાંગ્લાદેશમાં માનવતા શર્મસાર : ચટ્ટોગ્રામમાં હિન્દુ પરિવારના ઘરને ફૂંકી મરાયું, અબોલ પશુઓ જીવતા ભૂંજાયા અને મળી 'અંતિમ ચેતવણી'
જીવ બચાવવા પરિવારે વાડ કાપી ભાગવું પડ્યું : જ્યારે કાટમાળમાંથી મળેલી ધમકીભરી ચિઠ્ઠીમાં લખ્યું હતું - "જો ધાર્મિક મેળાવડા બંધ નહીં કરો તો કોઈ તમને બચાવી શકશે નહીં "

ચટ્ટોગ્રામ: બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. મંગળવારે મધ્યરાત્રિએ ચટ્ટોગ્રામમાં એક હિન્દુ પરિવાર પર થયેલા કાયરતાપૂર્ણ હુમલાએ સમગ્ર પંથકમાં ભયનો માહોલ પેદા કરી દીધો છે. બદમાશોએ જયંતિ સંઘા અને બાબુ શુકુશીલના ઘરના મુખ્ય દરવાજા બહારથી બંધ કરી આગ લગાવી દીધી હતી, જેથી પરિવાર અંદર જ જીવતો બળી મરે. જોકે, નસીબજોગે પરિવારે ઘરની પાછળની વાડ કાપીને ભાગવામાં સફળતા મેળવી હતી, પરંતુ આ ભયાનક અગ્નિકાંડમાં તેમની જીવનભરની મૂડી, ઘરવખરી અને ઘરમાં રહેલા નિર્દોષ પાલતુ પશુઓ જીવતા ભૂંજાઈ ગયા હતા. બળીને ખાખ થયેલા ઘરના કાટમાળ વચ્ચે પશુઓના મૃતદેહો જોઈને સ્થાનિકોની આંખો ભીની થઈ ગઈ હતી.
આ ઘટના માત્ર હિંસા પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેની પાછળ એક ઊંડું ષડયંત્ર હોવાનું સામે આવ્યું છે. તપાસ દરમિયાન તપાસકર્તાઓને ઘટનાસ્થળેથી બંગાળી ભાષામાં લખેલું એક હસ્તલિખિત બેનર મળી આવ્યું છે, જેમાં આખા સમુદાયને 'અંતિમ ચેતવણી' આપવામાં આવી છે. આ નોટમાં હિન્દુઓ પર ઇસ્લામ વિરોધી પ્રવૃત્તિઓનો પાયાવિહોણો આરોપ લગાવીને તમામ ધાર્મિક કાર્યક્રમો અને સભાઓ તાત્કાલિક બંધ કરવાનો આદેશ અપાયો છે. ધમકીમાં સ્પષ્ટ લખ્યું હતું કે, "જો તમે અમારી સૂચનાઓ નહીં માનો, તો તમારા ઘરો અને વ્યવસાયોને આ જ રીતે નિશાન બનાવવામાં આવશે અને કોઈ પણ શક્તિ તમારું રક્ષણ કરી શકશે નહીં."
બાંગ્લાદેશમાં ૧૮ ડિસેમ્બરે દીપુ ચંદ્ર દાસની ભયાનક લિંચિંગ બાદ આ બીજી મોટી ઘટના છે, જે દર્શાવે છે કે વચગાળાની સરકાર લઘુમતીઓની સુરક્ષા કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે. આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠનોએ આ ઘટનાની આકરી નિંદા કરી છે અને ચેતવણી આપી છે કે જો ટોળાશાહી પર લગામ નહીં કસવામાં આવે, તો સ્થિતિ કાબૂ બહાર જઈ શકે છે. ચટ્ટોગ્રામમાં હાલમાં પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે, પરંતુ હજુ સુધી કોઈ પણ હુમલાખોરની ધરપકડ કરવામાં આવી નથી, જેના કારણે હિન્દુ સમુદાયમાં ભારે રોષ અને ફફડાટ વ્યાપેલો છે.
(7:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
