<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd December 2025

અરુણાચલના પહાડોમાં ખીલ્યું 'કમળ': પંચાયત અને મ્યુનિસિપલ ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય, વિપક્ષોના સૂપડા સાફ

ઈટાનગર મ્યુનિસિપલ કોર્પોરેશન પર ભાજપનો કબજો, જિલ્લા પરિષદની ૨૪૫ માંથી ૧૭૦ બેઠકો પર કેસરીયો લહેરાયો; કોંગ્રેસ અને આપ માટે કારમી હારના સંકેત

ઈટાનગર : ઉત્તર-પૂર્વ ભારતના રાજ્ય અરુણાચલ પ્રદેશમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોએ ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીના અતૂટ વર્ચસ્વ પર મહોર લગાવી દીધી છે. ૧૫ ડિસેમ્બરે યોજાયેલી જિલ્લા પરિષદ, ગ્રામ પંચાયત અને મ્યુનિસિપલ ચૂંટણીઓના જાહેર થયેલા અંતિમ પરિણામોમાં સત્તાધારી ભાજપે પ્રચંડ બહુમતી સાથે ભવ્ય વિજય નોંધાવ્યો છે. મુખ્યમંત્રી પેમા ખાંડુએ આ જીતને જનતાના અતૂટ વિશ્વાસનો વિજય ગણાવ્યો છે.
ઈટાનગરમાં ભાજપનું શાસન, પાસીઘાટમાં પ્રાદેશિક પક્ષનો દબદબો
રાજધાની ઈટાનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (IMC) ની ૨૦ બેઠકોમાંથી ભાજપે ૧૪ બેઠકો જીતીને વિપક્ષી ગઠબંધનને પરાજય આપ્યો છે. બીજી તરફ, પાસીઘાટ મ્યુનિસિપલ કાઉન્સિલ (PMC) માં રસાકસી જોવા મળી હતી, જ્યાં પ્રાદેશિક પક્ષ 'પીપલ્સ પાર્ટી ઓફ અરુણાચલ' (PPA) એ આઠમાંથી પાંચ બેઠકો જીતીને વિજય મેળવ્યો હતો. નોંધનીય છે કે કોંગ્રેસ પક્ષ આ બંને મ્યુનિસિપલ ચૂંટણીઓમાં પોતાનું ખાતું પણ ખોલાવી શક્યો નથી.
જિલ્લા પરિષદમાં કેસરીયો વાવટો
રાજ્ય ચૂંટણી પંચના આંકડાઓ મુજબ, જિલ્લા પરિષદની ૨૪૫ બેઠકોમાંથી ભાજપે ૧૭૦ બેઠકો પર વિજય મેળવ્યો છે, જેમાંથી ૫૯ બેઠકો તો પક્ષે બિનહરીફ જીતી લીધી હતી. પ્રાદેશિક પક્ષ PPA ૨૮ બેઠકો સાથે બીજા ક્રમે રહ્યો હતો, જ્યારે કોંગ્રેસને માત્ર ૭ બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાની પાર્ટી NPP ને ૫ બેઠકો મળી હતી.
ગ્રામ પંચાયતમાં પણ ભાજપની મજબૂત પકડ
ગામડાં સ્તરે પણ ભાજપનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. કુલ ૮,૨૦૮ ગ્રામ પંચાયત બેઠકોમાંથી ભાજપે ૬,૦૮૫ બેઠકો જીતી છે. આ આંકડામાં ૫,૨૧૧ બેઠકો એવી છે જ્યાં ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે, જે દર્શાવે છે કે પાયાના સ્તરે પક્ષની પકડ કેટલી મજબૂત છે. અન્ય પક્ષોમાં NCP ને ૩૯૬, NPP ને ૧૬૦ અને કોંગ્રેસને ૨૧૬ બેઠકો મળી છે. આમ આદમી પાર્ટી (AAP) એ પણ રાજ્યમાં પોતાની હાજરી નોંધાવતા એક બેઠક જીતી છે.
આ પરિણામો પૂર્વોત્તર ભારતમાં ભાજપની વધતી જતી સ્વીકાર્યતા અને પાયાના સ્તરના વિકાસના એજન્ડાની સફળતાના પ્રતીક સમાન માનવામાં આવે છે.

(11:23 PM IST)