<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st December 2025

નવા વર્ષની પાર્ટી પર સંકટ: દિલ્હીમાં ફાયર બ્રિગેડની તવાઈ, 31 નામાંકિત ક્લબ-રેસ્ટોરન્ટને ફટકારાઈ નોટિસ

ગોવા અગ્નિકાંડ બાદ દિલ્હી સરકાર એક્શન મોડમાં; 10 દિવસમાં 97 સ્થળોએ દરોડા, ફાયર સેફ્ટીના નિયમો નેવે મૂકનાર 9 ક્લબોને તાળા મારી દેવાયા, 'ન્યૂ યર સેલિબ્રેશન' પહેલા સુરક્ષા વ્યવસ્થાના નામે બેદરકારી દાખવનારાઓ સામે લાલ આંખ

નવી દિલ્હી:  નવા વર્ષની ઉજવણીના આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે દિલ્હી સરકારે રાજધાનીના ક્લબ અને રેસ્ટોરન્ટ માલિકો સામે કડક વલણ અપનાવ્યું છે. તાજેતરમાં ગોવામાં બનેલી ભયાનક આગની ઘટના બાદ જાગેલા દિલ્હી ફાયર સર્વિસ (DFS) વિભાગે રાજધાનીમાં હાઈ એલર્ટ જાહેર કર્યું છે. ઉજવણીના નામે લોકોના જીવ જોખમમાં મૂકતી સંસ્થાઓ પર ત્રાટકીને વિભાગે છેલ્લા ૧૦ દિવસમાં ૩૧ જેટલી સ્થાપનાઓને કારણદર્શક નોટિસ ફટકારી છે. એટલું જ નહીં, સુરક્ષાના માપદંડોમાં ગંભીર ખામીઓ ધરાવતી ૯ જાણીતી ક્લબોને તાત્કાલિક અસરથી બંધ કરવાના આદેશ આપીને સીલ કરી દેવામાં આવી છે.
દિલ્હી ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આંકડાઓ મુજબ, ૧૦ થી ૧૯ ડિસેમ્બર દરમિયાન દિલ્હીના કનોટ પ્લેસ, હૌઝ ખાસ વિલેજ અને સાકેત જેવા ભીડભાડવાળા વિસ્તારોમાં ૯૭ હોટલ અને રેસ્ટોરન્ટ્સમાં અચાનક નિરીક્ષણ (Surprise Inspection) કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી હતી કે અનેક મોટા ગજાના ક્લબોમાં આગ લાગે ત્યારે બહાર નીકળવા માટેના રસ્તાઓ (Fire Exits) બ્લોક હતા અથવા તો ત્યાં ભંગાર પડ્યો હતો. ૨૦ થી વધુ કડક સુરક્ષા ધોરણોની તપાસમાં ૩૧ સંસ્થાઓ નાપાસ જાહેર થઈ છે, જેના કારણે નવા વર્ષની પાર્ટીઓના આયોજન પર હવે ગ્રહણ લાગ્યું છે.
ફાયર વિભાગના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે, નિરીક્ષણ દરમિયાન મુખ્યત્વે ફાયર એક્સટિંગ્વિશરની એક્સપાયરી ડેટ, સ્પ્રિંકલર સિસ્ટમની કાર્યક્ષમતા અને ઈમરજન્સી લાઈટિંગ જેવી પાયાની સુવિધાઓની તપાસ કરવામાં આવી રહી છે. મોટાભાગના કિસ્સાઓમાં જોવા મળ્યું છે કે રેસ્ટોરન્ટમાં બેઠક ક્ષમતા કરતા વધુ લોકોને પ્રવેશ આપવામાં આવે છે, જે આગની સ્થિતિમાં નાસભાગનું કારણ બની શકે છે. વિભાગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જ્યાં સુધી સુરક્ષાના ધોરણો પૂરા નહીં કરવામાં આવે ત્યાં સુધી આ સંસ્થાઓને લાયસન્સ રિન્યુ કરવામાં આવશે નહીં અને કામગીરી પણ શરૂ કરવા દેવાશે નહીં.
નવા વર્ષની પૂર્વસંધ્યાએ દિલ્હીની જનતા સુરક્ષિત રીતે ઉજવણી કરી શકે તે માટે પોલીસ અને ફાયર વિભાગ સંયુક્ત રીતે ઓપરેશન ચલાવી રહ્યા છે. દિલ્હી સરકારના આ કડક પગલાંને કારણે રેસ્ટોરન્ટ ઉદ્યોગમાં ફફડાટ વ્યાપી ગયો છે, પરંતુ નાગરિકોની સલામતી માટે આ અત્યંત અનિવાર્ય માનવામાં આવી રહ્યું છે. વહીવટીતંત્રએ સ્પષ્ટ કર્યું છે કે ૩૧ ડિસેમ્બર સુધી આ પ્રકારની તપાસ ચાલુ રહેશે અને નિયમોનું ઉલ્લંઘન કરનાર કોઈપણ મોટા માથાઓને બક્ષવામાં આવશે નહીં.

(2:19 PM IST)