News of Tuesday, 16th December 2025
આંધ્ર પ્રદેશમાં પેટ્રોલ-ડિઝલ સૌથી મોંઘા આંદામાન-નિકોબારમાં સૌથી સસ્તા
NDA શાસિત આંધ્રપ્રદેશમાં એક લિટર પેટ્રોલ પર રૂ.૨૯.૦૬ વેટઃ લિટરનો ભાવ રૂ.૧૦૯.૭૪

નવી દિલ્હી,તા.૧૬: પેટ્રોલ અને ડિઝલ જેવા ઇંધણ આંધ્ર પ્રદેશમાં સૌથી મોંઘા છે, કેમ કે રાજ્ય સરકારે આ ઇંધણ ઉપર બહુ ભારે વેટ લગાડ્યો છે, જ્યારે આંદામાન-નિકોબાર જેવા કેન્દ્રશાસિત પ્રદેશો અને નાના રાજ્યોમાં આ બંને ઇંધણના ભાવ ખુબ ઓછા છે એમ સોમવારે રાજ્યસભામાં અપાયેલી માહિતીમાં કહેવામાં આવ્યું હતું.
દેશના જુદા જુદા રાજ્યોમાં પેટ્રોલ અને ડિઝલ જેવા ઇંધણના ભાવમાં કેમ તફાવત જોવા મળે છે? એવા એકસાંસદ દ્વારા પૂછાયેલાં પ્રશ્નના લેખિત જવાબમાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસ રાજ્યમંત્રી સુરેશ ગોપીએ કહ્યું હતું કે આંધ્ર પ્રદેશના પાટનગર અમરાવતીમાં એક લિટર પેટ્રોલનો ભાવ રૂ.૧૦૯.૭૪ ચાલે છે જ્યારે એ જ ઈંધણના એક લિટરનો ભાવ આંદામાન-નિકોબારમાં રૂ.૮૨.૪૬ ચાલે છે. પેટ્રોલ અને ડિઝલની અંતિમ વેચાણ કિમતમાં કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરાયેલી એક્સાઈઝ ડ્યુટી અને જે તે રાજ્ય સરકાર કે કેન્દ્ર શાસિત પ્રદેશ દ્વારા લાગુ પડાયેલાં વેલ્યુ એડેડ ટેક્ષ (વેટ) નો સમાવેશ થઈ જાય છે. જુદા જુદા રાજ્યોના વેટના દર અને નૂર ભાડાના દર અલગ અલગ હોવાથી દેશભરમાં આ બંને ઇંધણના ભાવોમાં તફાવત જોવા મળે છે.
એનડીએ દ્વારા શાસિત આંધ્ર પ્રદેશમાં એક લિટર પેટ્રોલ ઉપર રૂ.૧૯.૦૬ વેટ લગાડવામાં આવે છે જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા શાસિત આંદામાન નિકોબારમાં પ્રતિ લિટર ફક્ત રૂ.૦.૮૨ વેટ લાગુ પડે છે પરંતુ તેના ઉપર કેન્દ્ર સરકાર રૂ.૨૧.૯૦ જેટલી એક્સાઈઝ ડ્યુટી વસુલ કરે છે. આંધ્રપ્રદેશમાં પ્રતિ લિટર ડિઝલનો ભાવ રૂ.૯૭.૫૭ છે જેમાં રાજ્ય સરકારનો રૂ.૨૧.૫૬નો વેટ સામેલ છે. આંદામાન-નિકોબારમાં એક લિટર ડિઝલનો ભાવ રૂ.૭૮.૦૫ ચાલે છે જેમાં સરકારના રૂ.૦.૭૭ ના વેટનો સમાવેશ થઇ જાય છે.
(10:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
