News of Saturday, 6th December 2025
મંદિરના પૈસા ભગવાનના છે, ડૂબતી બેન્કોને ઉગારવા માટે તેનો ઉપયોગ ન થઈ શકે: સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો: થિરુનેલી મંદિર દેવસ્થાનની મેચ્યોર એફડીના નાણાં પરત કરવા સુપ્રીમનો નિર્દેશ
કેરળના એક મંદિરના કેસમાં સુપ્રીમે આદેશ આપ્યો છે કે મંદિરોનું ભંડોળ સુરક્ષિત અને વધુ વ્યાજ આપતી રાષ્ટ્રીયકૃત બેન્કોમાં જમા કરાવવું જોઈએ, નહીં કે ઓછા વ્યાજ આપતી સહકારી બેંકોમાં : સુપ્રીમ કોર્ટે કડક શબ્દોમાં કહ્યું હતું કે, "જો તમે ગ્રાહકો અને ડિપોઝિટ નથી લાવી શકતા તો તે તમારી સમસ્યા છે. બેન્કોએ લોકો વચ્ચે પોતાની વિશ્વસનીયતા ઊભી કરવી જોઈએ: દેશભરના ટ્રસ્ટો અને મંદિરો માટે ભંડોળના રોકાણ અંગે દિશાસૂચક ચૂકાદો

નવીદિલ્હી: મંદિરો અને ધાર્મિક સંસ્થાઓના ભંડોળની સુરક્ષા અને વ્યવસ્થાપન અંગે દેશની સર્વોચ્ચ અદાલતે એક સીમાચિહ્નરૂપ અવલોકન કર્યું છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે મંદિરમાં ભક્તો દ્વારા અર્પણ કરાયેલું દાન અને નાણાં ભગવાનના છે. આ રકમનો ઉપયોગ આર્થિક રીતે નબળી કે માંદી પડેલી સહકારી બેન્કોને બેઠી કરવા કે તેમના ગુજરાન માટે કરી શકાય નહીં. કેરળના એક મંદિરના કેસમાં કોર્ટે આદેશ આપ્યો છે કે મંદિરનું ભંડોળ સુરક્ષિત અને વધુ વ્યાજ આપતી રાષ્ટ્રીયકૃત બેન્કોમાં જમા કરાવવું જોઈએ.
સુપ્રીમ કોર્ટે શુક્રવારે કેરળના થિરુનેલી મંદિર દેવસ્વોમના ભંડોળને લગતા એક કેસની સુનાવણી દરમિયાન આ મહત્વનો ચુકાદો આપ્યો હતો.
ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમાલ્યા બાગચીની ખંડપીઠે સ્પષ્ટ કર્યું હતું કે મંદિરના નાણાંનો ઉપયોગ માત્ર ને માત્ર દેવતા અને મંદિરના હિતોના રક્ષણ માટે જ થવો જોઈએ. આ કેસમાં કેરળ હાઈકોર્ટે બે સહકારી બેન્કોને આદેશ આપ્યો હતો કે તેમણે મંદિરની પાકતી મુદતની ફિક્સ્ડ ડિપોઝિટ (એફડી) ના નાણાં પરત કરવા, જેને બેન્કોએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.
સુનાવણી દરમિયાન જસ્ટિસ સૂર્યકાંતે બેન્કોને વેધક સવાલ કરતા પૂછ્યું હતું કે, "શું તમે મંદિરના રૂપિયાનો ઉપયોગ કરીને બેન્કોને બચાવવા માગો છો?" કોર્ટે નોંધ્યું હતું કે મંદિરના નાણાં એ દેવતાની સંપત્તિ છે. તેનો ઉપયોગ આર્થિક સંકટનો સામનો કરી રહેલી સહકારી બેન્કોની આવક વધારવા કે તેમના અસ્તિત્વને ટકાવી રાખવાના સાધન તરીકે કરી શકાય નહીં.
કોર્ટે વધુમાં ઉમેર્યું હતું કે જે સહકારી બેન્કોની આર્થિક સ્થિતિ ડામાડોળ હોય, ત્યાં ઓછા વ્યાજે જોખમી રીતે પૈસા રાખવા કરતા રાષ્ટ્રીયકૃત બેન્કોમાં એફડી મૂકવી વધુ વ્યવહારુ અને સુરક્ષિત છે, જ્યાં વ્યાજ પણ વધુ મળે છે.
આ કેસની વિગતો મુજબ, મનંતવાડી કો-ઓપરેટિવ અર્બન સોસાયટી લિમિટેડ અને થિરુનેલી સર્વિસ કો-ઓપરેટિવ બેન્ક લિમિટેડ પાસે મંદિરની એફડી હતી. આ એફડી મેચ્યોર થઈ ગઈ હોવા છતાં બેન્કોએ નાણાં પરત કરવાનો ઇનકાર કર્યો હતો.
આ મામલે કેરળ હાઈકોર્ટે બેન્કોને ૨ મહિનાની અંદર તમામ રકમ પરત કરવાનો આદેશ આપ્યો હતો. બેન્કોએ સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી હતી કે હાઈકોર્ટના અચાનક આવેલા આદેશથી તેમને મુશ્કેલી પડી રહી છે અને તેઓ આર્થિક તંગીમાં છે.
જોકે, સુપ્રીમ કોર્ટે બેન્કોની આ દલીલ ફગાવી દીધી હતી. ખંડપીઠે કડક શબ્દોમાં કહ્યું હતું કે, "જો તમે ગ્રાહકો અને ડિપોઝિટ નથી લાવી શકતા તો તે તમારી સમસ્યા છે. બેન્કોએ લોકો વચ્ચે પોતાની વિશ્વસનીયતા ઊભી કરવી જોઈએ."
સુપ્રીમ કોર્ટે સહકારી બેન્કોની અરજી પર વિચાર કરવાનો ઇનકાર કરી દીધો હતો, પરંતુ તેમને રાહત આપતા એટલી છૂટ આપી હતી કે તેઓ હાઈકોર્ટના આદેશનું પાલન કરવા માટે વધુ સમય માંગવા હાઈકોર્ટમાં અરજી કરી શકે છે.
આ ચુકાદો દેશભરના ટ્રસ્ટો અને મંદિરો માટે ભંડોળના રોકાણ અંગે દિશાસૂચક બની રહેશે.
(9:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
