News of Wednesday, 3rd December 2025
મિત્ર હોય તો આવા! લગ્નમાં ગાડી બુક ન કરી શક્યો વરરાજો, તો ૩૦ ઈ રિક્ષા લઈ જાન પરણવા ગઈ
મોંઘી કારને ના કહીને ૧૦૦થી વધારે જાનૈયા એક-બે નહીં પણ ૩૦ ઈ-રિક્ષામાં બેસીને નીકળ્યા અને દેવરિયામાં જાન પરણવા પહોંચી ગયા

દેવરિયા,તા.૦૩: ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લામાંથી એક અનોખી અને મજેદાર લગ્નની કહાણી સામે આવી છે. આ ઘટના ખાલી સોશિયલ મીડિયા નહીં પણ મીડિયામાં પણ છવાયેલી છે. હકીકતમાં જોઈએ તો વરરાજા દુર્ગેશ પ્રસાદના લગ્ન માટે જ્યારે જાનૈયાની ગાડી ન મળી તો તેના મિત્રોએ એવું કામ કરી બતાવ્યું જેની આખા વિસ્તારમાં ચર્ચા થઈ રહી છે.
હકીકતમાં જોઈએ તો, મોંઘી કારને ના કહીને ૧૦૦થી વધારે જાનૈયા એક-બે નહીં પણ ૩૦ ઈ-રિક્ષામાં બેસીને નીકળ્યા અને દેવરિયામાં જાન પરણવા પહોંચી ગયા. આ ખાલી લગ્ન નહોતા, પણ દોસ્તી અને સાદગીનો એક શાનદાર નમૂનો હતો. આ જાન હવે સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે અને લોકો તેને લઈને અલગ અલગ વાતો પણ કરી રહ્યા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દેવરિયા જિલ્લાના ખુખુંદૂ વિસ્તારના ભટહરના રહેવાસી મજૂરી કામ કરતા દુર્ગેશ પ્રસાદના લગ્ન ડુમરિયા લાલ ગામની શિલ્પી સાથે નક્કી થયા હતા. ૩૦ નવેમ્બરના રોજ લગ્નની જાન માટે વાહન બુક કરવા ગયા, પણ ભાવ આકાશે આંબી રહ્યા હતા, આ જોઈ વરરાજાના પરિવારની ચિંતા વધી ગઈ.
જો કે ગાડી તો મળી ગઈ, તેમાં આખી જાન આવી શકે નહીં એવી સ્થિતિ હતી. ત્યારે આ વાતની જાણ દુર્ગેશના મિત્રોને થઈ તો તેમણે મળીને એક અલગ જ પ્લાન બનાવી નાખ્યો. જાન ઈ-રિક્ષામાં લઈને જઈએ. મિત્રોએ ફટાફટ ૩૦ ઈ-રિક્ષા ભેગી કરી દીધી અને નક્કી કરેલી જગ્યાએ જાન પરણવા પહોંચી ગઈ.
વરરાજા માટે કાર લાવ્યા હતા, જ્યારે જાનૈયા બધા ઈ-રિક્ષામાં બેસીને પરણવા નીકળ્યા. લગભગ ૧૦૦ જાનૈયા જ્યારે ૩૦ ઈ-રિક્ષા લઈને લાઈન લગાવી તો જોનારા જોતા રહ્યા હતા. લોકો રસ્તામાં આખી જાન જોઈ હસી રહ્યા હતા. તો વળી અમુકે તો વરરાજા સાથે સેલ્ફી પણ લીધી.
જાન જ્યારે શિલ્પીના ગામડે પહોંચી તો ત્યાં પણ રંગારંગ માહોલ સર્જાયો. જ્યાં જાન પહોંચી અને એકસાથે લાઈનમાં ઈ-રિક્ષા ખડકી દીધી, આ નજારો જોવા જેવો હતો. લોકોએ દુર્ગેશ અને તેના મિત્રોના ભરપૂર વખાણ કર્યા.
(1:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
