<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd December 2025

રાજકોટમાં રેસલિંગ સ્‍પર્ધામાં દારાસિંહ થયા હતા વિજેતાઃ ઉજાગરસિંઘ ખેતાન

રૂશ્‍તમ-એ-હિંદ દારાસિંહનો રાજકોટ સાથે પણ અતૂટ નાતો : * વર્ષ ૧૯૫૮-૫૯માં અમદાવાદમાં કાંકરિયા ખાતે યોજાયેલી રેસલિંગ ચેમ્‍પિયનશીપમાં દારાસિંહે પણ ભાગ લીધો હતો. * દારાસિંહ ક્‍યારેય બહારનું જમતા નહીં પણ ઉજાગરસિંઘજીએ આગ્રહ કરતા અમદાવાદમાં તેમના ઘરે જમવા ગયા... અને એ પણ ત્રણ દિવસ * દારાસિંહના ઉજાગરસિંઘ પરિવાર સાથે લાગણીના સંબંધો બંધાય ગયા. * વર્ષ ૧૯૭૧માં રાજકોટ યોજાયેલ રેસલિંગમાં દારાસિંહ ઉપરાંત તેમનો નાનો ભાઈ રંધાવા, રાજકોટના જ મૂળ રહીશ હરક્‍યુલસ એટલે કે દાઉદ, બિલ કેલોડ્રિક, બિગ બિલ વર્ના સહિતના કુસ્‍તિબાજો પણ હતા * મુંબઇમાં દારાસિંહના ઘરમાં પણ લંગર ચાલતું અને દરેક માટે ભોજન પ્રસાદ મળતો છ આનામાં ભાડે કરેલી પેદલ રીક્ષા'માં બેસી સરળ સ્‍વભાવના દારાસિંહ તેમની સાથે તેમના ઘરે ગયા. દારાસિંહ સાથે ઉજાગરસિંઘનો પરિવાર દારાસિંહ સાથે ભોજન લેતા ઉજાગરસિંઘ

વર્ષોથી રાજકોટ સ્‍થાયી થયેલા મૂળ પંજાબના વતની ઉજાગરસિંઘ ખેતાન રેલવેમાં નોકરી કરતા હતા હાલ તેઓ ૯૧ વર્ષના છે અને નિવૃત જીવન જીવે છે. ધર્મેન્‍દ્ર અને રેસરલ તેમજ અભિનેતા અને રામાનંદ સાગરની રામાયણ સિરિયલમાં જેમણે હનુમાનજીનું પાત્ર ભજવ્‍યું હતું તેવા દારાસિંહ સાથે પણ તેમને ઘર જેવા સંબંધ બંધાયા હતા. અકિલા ખાતે ઉજાગરસિંઘજીએ કઇ રીતે દારાસિંહ સાથે મુલાકાત થઇ તેની રસપ્રદ વિગતો આપી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, રુસ્‍તમે હિદના ખિતાબથી જેને નવાજવામાં આવ્‍યા હતા એવાં લેજન્‍ડરી કલાકાર અને રીંગ ચેમ્‍પિયન દારાસિંહ રંધાવાનો રાજકોટ સાથે પણ અતૂટ નાતો રહ્યો છે. વર્ષ ૧૯૭૧માં શહેરના રેસકોર્સ મેદાનમાં હાલ જ્‍યાં બાલભવન છે ત્‍યાં યોજાયેલી રેસલિગ ચેમ્‍પિયનશીપમાં દારાસિહે ભાગ લીધો હતો અને વિજેતા બન્‍યા હતા. આ અંગે ઉજાગરસિંઘ ખેતાનએ દારાસિંહ સાથેની તેમની પ્રથમ મુલાકાત, તેમની સાથેના લાગણીભર્યા સંબંધો અને ત્‍યાર બાદ રાજકોટ ખાતેના તેમના આગમન વિશેની સ્‍મૃતિઓ વાગોળી હતી.

વર્ષ ૧૯૫૮-૫૯માં અમદાવાદમાં કાંકરિયા ખાતે યોજાયેલી રેસલિંગ ચેમ્‍પિયનશીપમાં દારાસિંહે પણ ભાગ લીધો હતો. તેઓ સરદારજી હતા એટલે શીખોએ વિચાર્યું કે તેમને ગુરૂદ્વારા બોલાવવા. તેમને બોલાવવા કેટલાક લોકો ગયા સાથે ઉજાગરસિંઘ પણ હતા કારણ તેઓ એ વખતે યંગમેન શીખ એસોશીએશનના સેક્રેટરી હતા. તેઓ દારાસિંહને મળ્‍યા અને ગુરૂદ્વારા સાહિબ આવવા જણાવ્‍યું. દારાસિંહે આમંત્રણ સ્‍વિકાયુ. તેઓ ગુરૂદ્વારા સાહિબ દર્શન કરવા આવ્‍યા અને નગર કિર્તનમાં પણ ત્રણ કિલો મીટર ચાલી ભાગ લીધો. એ પછી એક શીખ સમુદાયે તેમને પાર્ટીમાં બોલાવ્‍યા તેઓ આવ્‍યા અને તેમને શિરપાવ પણ આપ્‍યો પણ દારાસિંહ ત્‍યાં જમ્‍યા નહીં કારણ તેઓ બહારનું જમતા નહોતા. તેના પી.એ. ના જણાવ્‍યા મુજબ ભૂતકાળમાં કોઇએ દારાસિહને ખાવામાં ઝેર આપી દીધુ હોય ત્‍યારથી તેઓ બહારનું જમતા નહીં. એ પછી તેનો કૂક જે ખાવાનું બનાવતો તેજ તેઓ લેતા. એ વખતે ઉજાગરસિંઘજીને થયું કે દારાસિંહને ઘરે જમવા બોલાવવા જોઇએ.

સ્‍પર્ધા દરમિયાન અનેક નામી હસ્‍તિઓ અને રાજકારણીઓએ દારાસિંહને તેમના ઘરે આવવા અને જમવા માટે આમંત્રિત કરતા પરંતુ સ્‍વાસ્‍થના કારણોસર તેમણે આ તમામ આમંત્રણ સહર્ષ પાછા વાળી દીધા. આ સમય રેલવેમાં ફોરમેન તરીકે ફરજ બજાવતાં ઉજાગરસિંઘજી ને દારાસિંહને મળવાની અને ઘરે જમાડવાની ઈચ્‍છા થઈ આવી. પરિણામે બીજા દિવસે સવારે ૧૧ વાગે તેઓ લાલ દરવાજા પાસેની રિટ્‍ઝ હોટેલ કે જ્‍યાં દારાસિંહ ઉતર્યા હતા ત્‍યાં પહોંચી ગયા. જ્‍યાં કિંગ કોન અને દારાસિહ બન્ને આ હોટેલમાં ઉતર્યા હોઈ ટાઈટ સિક્‍યુરિટી વચ્‍ચે કોઈને મળવાની મનાઈ હતી. આમ છતાં ખુબ વિનંતી કરી કોઈ પણ રીતે તેઓ દારાસિંહને મળ્‍યા અને ઘરે જમવા આવવા માટે આમંત્રણ આપ્‍યું. જ્‍યાં પહેલાં તો દારાસિંહ બહારનું જમતા નથી એવું જણાવ્‍યું પરંતુ ઉજાગરસિંઘજીએ હાથ જોડી વિનંતી કરતા આખરે લાગણીને વશ થઈ તેઓ તૈયાર થઈ ગયા અને કહ્યું કાલે આવીશ. ઉજાગરસિંઘજીએ કહ્યું હું તમને લેવા આવીશ.

બીજે દિવસે નિયત સમયે ઉજાગરસિંઘ તેમને લેવા માટે હોટેલે પહોંચી ગયા. પરંતુ પ્રશ્ન એ હતો કે એમની પાસે કોઇ ગાડી નહોતી. એટલા પૈસા પણ નહોતા કે ટેક્‍સી કરી શકે. તેમણે પોતાની આ મુશ્‍કેલી દારાસિંહને સંભળાવી ત્‍યારે તેમણે કહ્યું કોઇ વાંધો નહીં ચલતા પહોંચી જઇએ. જોકે ઉજાગરસિંઘજી એ સમયે ખાડિયામાં યતિની પોળમાં રહેતા અને એ સમયે રિક્ષા નહોતી. માત્ર ટેક્‍સી અથવા પેદલ રીક્ષા જ હતા એટલે ઉજાગરસિંઘજીએ ત્‍યારે દારાસિંહને પેદલ રિક્ષાનું જણાવ્‍યું તો તુરતજ સરળ સ્‍વભાવના દારાસિંહ તૈયાર થઇ ગયા અને ઉજાગરસિંઘે છ આનામાં ભાડે કરેલી પેદલ રીક્ષા'માં બેસી તેમની સાથે તેમના ઘરે ગયા.

રસ્‍તામાં ચાહકો, આસપાસના રહેવાસીઓ તથા પડોશીઓ ઉમટી પડ્‍યા. દારાસિંહ ઘરે આવ્‍યા અને પ્રેમથી જમ્‍યા, ખુબ રાજીપો વ્‍યક્‍ત કર્યો. સાથે આશરે અઢીથી ત્રણ કલાક જેટલો સમય વિતાવ્‍યો પણ ખરો! સાથે સાથે યુવાનો અને બાળકોને ઉત્તમ સ્‍વાસ્‍થ્‍ય માટે વ્‍યસન છોડવાનો સંદેશો પણ આપ્‍યો. તેઓ ફરી દારાસિંહને રિટ્‍ઝ હોટલ પેદલ રીક્ષામાં મૂકી પણ આવ્‍યા. બસ ત્‍યારથી દારાસિંહના ઉજાગરસિંઘ પરિવાર સાથે લાગણીના સંબંધો બંધાય ગયા. બીજા દિવસે પરિવાર સાથે કિંગકોન સાથેનો દારાસિંહનો રેસલિંગ મેચ જવા પણ ગયા. કિંગકોનને હાથમાં પકડી દારાસિંહે જે પછાડ્‍યો તે ક્ષણને આજે પણ ઉજાગરસિંઘજી યાદ કરે છે. દારાસિંહ ફરી ઉજાગરસિંઘને મળ્‍યા અને કહ્યું કાલે ફરી તમારે ત્‍યાં જમીશું. આમ કુલ ત્રણ દિવસ દારાસિંહે ઉજાગરસિંઘજીને ત્‍યાં ભોજન લીધું.

ઉજાગરસિંઘજી કહે છે, હું રેલવેમાં હતો એટલે ૧૯૬૦માં મારી બદલી રાજકોટ થઈ ગઈ. જોકે મહિને એક-બે વાર મુંબઇ જવાનું બનતું ત્‍યારે દારાસિંહને પણ મળતા. તેમના ઘરમાં નીચે એક બહુ મોટો હોલ હતો જ્‍યાં બહારથી આવેલા પહેલવાનો માટે રહેવાની, ભોજનની સગવડ હતી. તેમને ત્‍યાં પણ લંગર ચાલતું, કોઇ પણ આવે ભોજન પ્રસાદ લીધા વિના પરત ન જતા. દારાસિંહ ખુબજ ધાર્મિક સ્‍વભાવના હતા. ઉજાગરસિંઘની ઇચ્‍છા દારાસિંહને રાજકોટ લાવવાની હતી. પરિણામે વર્ષ ૧૯૭૧માં શેર-એ-પંજીબ હોટલવાળા મિત્ર સાધુસિંહ સાથે તેમણે રેસલિંગ કોમ્‍પિટિશનનું આયોજન કરવાનો વિચાર કર્યો. જેના માટે દારાસિંહનાં મેનેજર ગુજરાલ સહિતના લોકોએ સ્‍થળની મુલાકાત લીધી અને છેવટે રાજકોટમાં દેશના પ્રખ્‍યાત રેસલર હરક્‍યુલસ વચ્‍ચે કોમ્‍પિટિશન યોજાઈ. જેમાં દારાસિંહ ઉપરાંત તેનો નાનો ભાઈ રંધાવા, રાજકોટના જ મૂળ રહીશ હરક્‍યુલસ એટલે કે દાઉદ, બિલ કેલોડ્રિક, બિગ બિલ વર્ના સહિતના કુસ્‍તિબાજો પણ હતા. આ સ્‍પર્ધામાં દારાસિંહ વિજેતા થયા હતા. રાજકોટના એ વખતના રાજવી મનોહરસિંહજી જાડેજા પણ આ સ્‍પર્ધા નિહાળવા આવ્‍યા હતા. આ સ્‍પર્ધા રેસકોર્સ ગ્રાઉન્‍ડ ખાતે યોજાઈ હતી. જેની બાજુમાં આજે ભાલભવનનું બિલ્‍ડિંગ છે.

 અહિની કુસ્‍તીજોવા પણ ઉજાગરસિંઘ તથા પરિવાર માટે ખાસ વિઆઇપી પાસ સહિતની સગવડ કરાઇ હતી. રાજકોટમાં પ્રથમ રેસલિંગ કરાવનાર પર ઉજાગરસિંઘ ખેતાન હતા. એ સમયે રાજકોટમાં એટલી હોટલો નહોતી એટલે દારાસિંહને સર્કિટ હાઉસમાં ઉતારો આપ્‍યો હતો. એ પછીતો એક પારિવારિક સંબંધ દારાસિંહ અને ખેતાન પરિવાર સાથે બંધાય ગયો હતો. ઉજાગરસિંઘ ખેતાન જણાવે છે, દારાસિંહ સાથે પસાર કરેલ એ સમય અને ક્ષણ મારા જીવનના યાદગાર પળ હતા જે જીવનભર નહીં ભૂલાય.

 

 

રાજકોટમાં બિલ કેલોડ્રિંક અને હરક્‍યુસને હરાવી દારાસિંહ વિજેતા બન્‍યા.!

હાલ જ્‍યાં બાલભવન આવેલું છે ત્‍યાં આજથી લગભગ ૫૫ થી ૬૦ વર્ષ પહેલા દારાસિંહ સહિતના રેસરલ આવ્‍યા હતા અને કુસ્‍તી લડ્‍યા હતા. ઉજાગરસિંઘજી કહે છે, રાજકોટ ખાતે યોજાયેલી રેસલિંગ ચેમ્‍પિયનશીપમાં બિગ બિલ વર્ના, દારાસીંહના નાના ભાઈ રંધાવા, મૂળ રાજકોટના વતની દાઉદ એટલે કે હરક્‍યુલસ અને બિલ કેલોડ્રિંક જેવાં વર્લ્‍ડ રેસલર્સે પણ ભાગ લીધો હતો. રાજકોટના રાજવી મનોહરસિંહજી જાડેજા પણ આ સ્‍પર્ધા નિહાળવા ખાસ આવ્‍યા હતા. જેમાં આ તમામ ઘુરંધરોને હરાવીને દારાસિંહ વિજેતા બન્‍યા હતા.

 

સરળ સ્‍વાભાવના દારાસિંહે ખીર અને રોટલીનું જમણ લીધુ

ઉજાગરસીંઘજીની લાગણીને વશ થઈ તેમના ઘરે આવેલાં દારાસિંહ માટે અલગ અલગ જાતની વાનગીઓ તથા મિષ્ટાન્ન બનાવ્‍યા હતા. આમ છતાં, તેમણે એક સામાન્‍ય પરિવારજનની જેમ જ ખીર, રોટલી, અડદની દાળ-ભાત, ફલાવરનું શાક જેવો સાદો ખોરાક જ લીધો હતો. ત્‍યાર બાદ આડોશ પાડોશના રહેવાસીઓ સાથે, જાણે પોતે પણ અમદાવાદની પોળના જ રહીશ હોય તેમ વાતો પણ કરી અને ઓટોગ્રાફ પણ આપ્‍યા. સાથે સાથે યુવાનોને કસરત કરવા અને વ્‍યસન છોડવાની શીખામણ પણ આપી. જે કદી બહારનું ભોજન લેતા નહીં એવા દારાસિંહને ભોજન એટલું દાઢે વળગ્‍યું કે તેમણે ફરી ઉજાગરસિંઘના ઘરે ભોજન લેવાની ઇચ્‍છા દર્શાવી. આમ કુલ ત્રણ દિવસ તેમણે ઘરે ભોજન ગ્રહણ કર્યું.

 

 

રાજકોટે મને ખુબ આપ્‍યું છેઃ ઉજાગરસિંઘ ખેતાન

બ્રિગેડીયર અજિતસિંઘ સાથે રાજકોટ રેલ્‍વેમાં યશસ્‍વી ફરજ બજાવી ગયેલ શ્રી ઉજાગરસિંઘ રિટાયર થયા પછી અત્‍યારે ઓખા નજીક આવેલ બેટ દ્વારકા ખાતેના ઐતિહાસિક પવિત્ર ગુરુદ્વારા સાહિબનું સુંદર સંચાલન સંભાળી રહ્યા છે. ‘અકિલા' પરિવારનો આમની સાથે દાયકાઓથી અતૂટ નાતો રહ્યો છે. તેઓ રેલવેમાં નોકરી કરતા. શ્રી ઉજાગરસિંઘના પિતા ૧૯૪૨માં અમદાવાદ આવેલ અને તેમણે અનેક મેડલ મેળવેલ ત્‍યારબાદ આખો પરીવાર ગુજરાતમય બની ગયેલ. ઉજાગરસિંઘ તેમના બે ભાઈઓ, શ્રી પ્રેમસીંઘ અને શ્રી લખવીરસિંઘ આ ત્રણેય ભાઈઓના પરિવાર વચ્‍ચે અનેરી કુટુંબ ભાવન છે. શ્રી ઉજાગરસીંઘના ૩ પૂત્રો છે. જેમાંના શ્રી મહેન્‍દ્રસિંઘ મુંબઈના ખૂબ મોટા ગજાના બિલ્‍ડરો માહેના એક છે. તેમણે સંખ્‍યાબંધ ૪૦-૫૦ના માળના બિલ્‍ડીંગો બનાવ્‍યા છે. તેમના અન્‍ય બે પુત્રો શ્રી ચરણપ્રીતસિંઘ (છોટુભાઈ) અને શ્રી તેજીન્‍દરસિંઘ (પોકુભાઈ) છે. શ્રી ઉજાગરસિંઘજીના પૌત્ર તથા ચરણપ્રિતસિંઘજીના પુત્ર સની (અમનવિરસિંઘ) અત્‍યારે રાજકોટ-જામનગર રોડ પર આવેલ સુપ્રસિધ્‍ધ ‘સનીપાજી દા ધાબા'નું સંચાલન સંભાળી રહ્યા છે.

૧૯૬૫ની ભારત- પાકિસ્‍તાનની લડાઈમાં જામનગર શહેર પાક યુદ્ધ વિમાનોના કાંઠાના વિસ્‍તારથી, અસરગ્રસ્‍ત વિસ્‍તાર સુધી બોમ્‍બમારાનો શિકાર બન્‍યું હતું. આ સંજોગોમાં સૈન્‍યની તહેનાતીના સંદર્ભે ખુબ જ અદલાબદલી થતી હતી. આ બધા જ પ્રવાસો રેલમાર્ગ જ થતા હતા. ઉજાગરસિંઘજીએ આત્‍મમંથન કરી દેશના જવાનોને રોટી આપવા રેલવે સ્‍ટેશને લંગર શરૂ કરવાનો નિર્ણય કર્યો. ૨૨ ઓક્‍ટોબર ૧૯૬૫ના રોજ રાજકોટ જંકશન ઉપર લંગર ધમધમવા લાગ્‍યું. જવાનોને ૨૪ કલાક સાદુ અને સાત્‍વિક ભોજન મળી રહે તેવા પ્રયાસો કર્યા. રેલવે વહીવટે વિરમગામ અને ઓખા તરફથી આવતી જતી ટ્રેનમાં મુસાફરી કરતા સૈન્‍ય રસાલાને આ કેન્‍ટીનના લાભ લેવા માટે ખાસ જાણ કરી લંગરને તાજો સામાન સમયસર મળે તે માટે પૂર્ણ સહાયતા કરી.

ઉજાગરસિંઘજીએ અનેક સત્‍કાર્યો સહિત ઘણા કામ કર્યા છે. આ સરદારજી આજે ૯૧ વર્ષે પણ યુવાનોને શરમાવે તેવી સ્‍ફુર્તિ ધરાવે છે. તેઓ કહે છે, મેં કદી કસરત નથી કરી, દૂધ-દહી-લસ્‍સી કંઇજ નથી લીધુ. વર્ષોથી રાજકોટમાં રહું છુ. અહિં જેવી રહેવાની મજા બીજે ક્‍યાંય નથી આવતી. રાજકોટે મને ખુબ આપ્‍યું છે. ઉજાગરસિંઘજીએ ગુરુદ્વારા કમીટીના જનરલ સેક્રેટરી તરીકે લખાસિંહ સાહિબના માર્ગદર્શનમાં અનેક કાર્યો કર્યા છે. જેમાનું એક છે આદિ પંજ પ્‍યારેભાઇ મોકિમ સિઘે સાહિબનું જન્‍મસ્‍થળ ગુરુદ્વારા બેટ. ઉજાગરસિંઘજી આજે પણ અહિ સેવા કાર્યો કરે છે.

 

 

સંપર્ક : ઉજાગરસિંઘ ખેતાન

મોબાઇલઃ ૯૪૨૬૪૪૩૬૧૨, ૯૭૨૭૦૮૫૫૧૩

(3:50 PM IST)