News of Monday, 1st December 2025
૮મા પગાર પંચ પહેલાં કેન્દ્રીય કર્મચારીઓને ઝટકો: DA/DR મૂળ પગારમાં મર્જ નહીં થાય!
મોંઘવારી ભથ્થા (DA) અને મોંઘવારી રાહત (DR) ને મૂળ પગારમાં ભેળવવાનો કોઈ પ્રસ્તાવ નથી: કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ સંસદમાં આપી સ્પષ્ટતા

નવી દિલ્હી: કેન્દ્ર સરકારના ૪૯ લાખ કર્મચારીઓ અને ૬૫ લાખ પેન્શનધારકો માટે એક મહત્વપૂર્ણ અપડેટ આવ્યું છે. લાંબા સમયથી ચાલી રહેલી ચર્ચા કે ૮મા કેન્દ્રીય પગાર પંચની જાહેરાત અને રચના બાદ મોંઘવારી ભથ્થા અથવા મોંઘવારી રાહતને મૂળ પગારમાં ભેળવી દેવામાં આવશે કે કેમ, તેના પર સરકારે સંસદમાં પોતાનો જવાબ રજૂ કર્યો છે. કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ સંસદના શિયાળુ સત્ર દરમિયાન આ પ્રશ્નનો સ્પષ્ટપણે જવાબ આપ્યો હતો.
કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ સંસદમાં માહિતી આપી કે સરકારે ૮મા કેન્દ્રીય પગાર પંચની રચનાને સત્તાવાર રીતે સૂચિત કરી દીધી છે. જોકે, તેમણે સ્પષ્ટપણે કહ્યું કે "હાલમાં, મોંઘવારી ભથ્થાને મૂળ પગારમાં ભેળવી દેવાનો કોઈ પ્રસ્તાવ નથી." આનાથી લાખો કર્મચારીઓની આશાઓ પર પાણી ફરી વળ્યું છે, જેઓ ડીએને મૂળ પગારમાં મર્જ થવાથી પગાર અને ગ્રેચ્યુઇટી જેવા લાભોમાં વધારો થવાની અપેક્ષા રાખી રહ્યા હતા.
આ નિર્ણય સીધો પેન્શનધારકોને પણ લાગુ પડશે. મંત્રીની સ્પષ્ટતા મુજબ, પેન્શનધારકો માટે પણ મોંઘવારી રાહતને તેમના મૂળ પેન્શન સાથે મર્જ કરવામાં આવશે નહીં. સામાન્ય રીતે, છઠ્ઠા પગાર પંચ પછી નિયમ હતો કે જ્યારે DA ૫૦% ને વટાવે છે, ત્યારે તેને મૂળ પગારમાં મર્જ કરવામાં આવે છે. જોકે, ૭મા પગાર પંચે આ જોગવાઈને સત્તાવાર રીતે દૂર કરી દીધી હતી.
સરકારનો આ જવાબ દર્શાવે છે કે ૮મા પગાર પંચની રચના થઈ હોવા છતાં, હાલના પગાર માળખામાં મોંઘવારી ભથ્થાના મર્જિંગ અંગે કોઈ તત્કાળ ફેરફાર થવાના નથી. કર્મચારીઓ અને પેન્શનરોએ હવે પગાર પંચની ભલામણોની જાહેરાત સુધી રાહ જોવી પડશે, જે ભવિષ્યમાં પગાર અને ભથ્થાના માળખામાં ફેરફાર લાવી શકે છે.
(8:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
