<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st December 2025

વાવાઝોડા દિત્વાહને કારણે શ્રીલંકામાં ફસાયેલા ભારતીય નાગરિકોનું રેસ્ક્યુ :એરક્રાફ્ટ દ્વારા તિરુવનંતપુરમ લવાયા

બચાવ કામગીરી માટે વાયુસેનાએ IL-76 અને C-130J હેવી લિફ્ટ કેરિયર્સનો ઉપયોગ : વાયુસેનાએ 'ઓપરેશન સાગર બંધુ' હેઠળ બચાવ કાર્ય કર્યું

વાવાઝોડા દિત્વાહને કારણે શ્રીલંકામાં 200થી વધુ ભારતીય નાગરિકો ફસાયા હતા. ઇન્ડિયન એર ફોર્સ (IAF) દ્વારા આ નાગરિકોને બચાવીને રવિવારે તિરુવનંતપુરમ એરપોર્ટ પર પહોંચાડવામાં આવ્યા હતા. વાયુસેનાએ આ બચાવ કાર્ય 'ઓપરેશન સાગર બંધુ' હેઠળ કર્યું હતું. ભારતીય વાયુસેનાના પ્રવક્તાએ માહિતી આપી કે કોલંબોથી તિરુવનંતપુરમ માટે સંચાલિત વાયુસેનાનું એરક્રાફ્ટ સાંજે સાડા સાત વાગ્યે ભારત પહોંચી ગયું હતું.

બચાવ કામગીરી માટે વાયુસેનાએ IL-76 અને C-130J હેવી લિફ્ટ કેરિયર્સનો ઉપયોગ કર્યો હતો. આ વિમાનોનો ઉપયોગ ટાપુ દેશમાં બચાવ સામગ્રી અને NDRF ટીમો પહોંચાડવા માટે પણ કરવામાં આવ્યો હતો. પ્રવક્તાએ જણાવ્યું કે વાયુસેનાએ એક હાઇબ્રિડ મિશન શરૂ કર્યું હતું, જેમાં ગરુડ કમાન્ડોને ફસાયેલા સામાન્ય લોકો પાસે ઉતારવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમને હેલિકોપ્ટર ક્રૂ દ્વારા પૂર્વનિર્ધારિત લેન્ડિંગ સાઇટ પરથી સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવ્યા હતા. આ રેસ્ક્યુ દરમિયાન ગરુડ કમાન્ડોએ પણ મદદ કરી હતી.

કુલ 55 સામાન્ય લોકોને જેમાં ભારતીય, વિદેશી નાગરિકો અને શ્રીલંકાના બચેલા લોકોનો સમાવેશ થતો હતો, તેમને સફળતાપૂર્વક કોલંબો પહોંચાડવામાં આવ્યા હતા. બે ભારતીય હેલિકોપ્ટરે અત્યાર સુધીમાં બચાવ કામગીરી માટે 12થી વધુ ઉડાન ભરી છે. પ્રેસ રિલીઝ મુજબ વાયુસેના 'ઓપરેશન સાગર બંધુ' હેઠળ શ્રીલંકાના લોકોને જરૂરી માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત (HADR) મદદ પૂરી પાડવાનું ચાલુ રાખી રહી છે.

(1:21 PM IST)