<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th November 2025

અમાનવીયતાની ચરમસીમા: લગ્નના બહાને દીકરાએ વૃદ્ધાશ્રમમાંથી આવેલી માતાના મૃતદેહને દફનાવ્યો!

જૌનપુર: ક્રૂર પુત્રએ કહ્યું, "હમણાં લગ્ન ચાલે છે, ચાર દિવસ પછી કાઢીને અંતિમ સંસ્કાર કરીશ"; પિતાનું હૃદય પીગળી ગયું: વૃદ્ધો પ્રત્યે બદલાતા સામાજિક વલણની કઠોર વાસ્તવિકતા

જૌનપુર સોમવાર, તા.24 : ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લામાંથી માનવ સંબંધો અને સંવેદનાને શર્મસાર કરતો એક અત્યંત દુઃખદ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક પુત્રએ પોતાની મૃતક માતાના અંતિમ સંસ્કાર કરવાની નૈતિક ફરજ નિભાવવાનો પણ ઇનકાર કરી દીધો. આ ક્રૂરતાનો ભોગ બનેલા માતા શોભા દેવીનું મૃત્યુ જૌનપુરના એક વૃદ્ધાશ્રમમાં થયું હતું.
લગ્નના બહાને અંતિમ સંસ્કારનો ઇનકાર: ગોરખપુરના ભરોઇયા ગામના રહેવાસી શોભા દેવીને કૌટુંબિક વિવાદને કારણે લગભગ એક વર્ષ પહેલા પતિ ભુઆલ ગુપ્તા સાથે ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓ જૌનપુરના વૃદ્ધાશ્રમમાં રહેતા હતા. 19 નવેમ્બરના રોજ બીમારીના કારણે શોભા દેવીનું મૃત્યુ થયું.
વૃદ્ધાશ્રમના સંચાલકોએ જ્યારે શોભા દેવીના મોટા દીકરાનો સંપર્ક કર્યો અને મૃતદેહ સ્વીકારવાનું કહ્યું, ત્યારે તેણે આપેલો જવાબ સાંભળીને સૌ કોઈ ચોંકી ઉઠ્યા.
પુત્રએ આશ્રમના સંચાલકોને કહ્યું: "અત્યારે ઘરે લગ્ન ચાલી રહ્યા છે અને મૃતદેહ લાવવો અશુભ ગણાય છે. તેથી, મૃતદેહને ચાર દિવસ માટે ડીપ ફ્રીઝરમાં જ રાખવો, હું લગ્ન પછી તેને બહાર કાઢીને અંતિમ સંસ્કાર કરીશ."
મૃતદેહને દફનાવી દીધો!: આશ્રમના સંચાલકોએ અન્ય સંબંધીઓને જાણ કરી, જેમણે મૃતદેહને અંતિમ સંસ્કાર માટે ગોરખપુર મોકલવાની વ્યવસ્થા કરવા વિનંતી કરી. આશ્રમના ડાયરેક્ટર રવિ કુમાર ચૌબેએ ભારે પ્રયત્નો બાદ મૃતદેહને ગોરખપુર મોકલ્યો.
પરંતુ ગોરખપુર પહોંચ્યા પછી પણ મામલો વધુ દુઃખદ બન્યો. શોભા દેવીના પતિ ભુઆલ ગુપ્તાએ ભારે દુઃખ સાથે જણાવ્યું કે, તેમના મોટા દીકરાએ માતાના મૃતદેહને અગ્નિસંસ્કાર કરવાને બદલે દફનાવી દીધો અને કહ્યું કે લગ્નના ચાર દિવસ પછી મૃતદેહને બહાર કાઢીને અગ્નિસંસ્કાર કરવામાં આવશે.
આત્મહત્યા કરવા મજબૂર થયેલા પિતા: પિતા ભુઆલ ગુપ્તાએ પોતાની વેદના વ્યક્ત કરતા જણાવ્યું કે, એક વર્ષ પહેલા મોટા દીકરાએ તેમને ઘરમાંથી કાઢી મૂક્યા બાદ તેઓ ડિપ્રેશનમાં સરી પડ્યા હતા અને રાજઘાટ પર આત્મહત્યા કરવાનો વિચાર કરીને ગયા હતા. ત્યાં લોકોએ તેમને આશ્રય માટે જૌનપુરના વૃદ્ધાશ્રમનું સરનામું આપ્યું હતું.
વૃદ્ધાશ્રમના ડિરેક્ટર રવિ ચૌબેએ આ ઘટના પર આઘાત વ્યક્ત કરતા કહ્યું કે, પરિવારનો કોઈ સભ્ય તેમની મુલાકાત લેતો ન હતો અને મૃત્યુ પછીનું આ વર્તન વૃદ્ધો પ્રત્યે બદલાતા સામાજિક વલણની કઠોર વાસ્તવિકતા દર્શાવે છે.

 

(5:10 PM IST)