News of Thursday, 20th November 2025
ઇન્દિરાજીની જન્મજયંતિ: રાહુલ, સોનિયાજી અને ખડગેએ શ્રદ્ધાંજલિ અર્પી
દાદીને યાદ કરતા રાહુલે સોશિયલ મીડિયા પર લખ્યું: "તેમની હિંમત અને દેશભક્તિ મને અન્યાય સામે લડવાની પ્રેરણા આપે છે : દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની ૧૦૮મી જન્મજયંતિ નિમિત્તે દિલ્હીમાં પ્રાર્થના સભા યોજાઈ * લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીએ સમાધિ સ્થળ પર પુષ્પાંજલિ અર્પણ કરી * રાહુલ ગાંધીએ દાદીને યાદ કરતા સોશિયલ મીડિયા પર લખ્યું: "તેમની હિંમત અને દેશભક્તિ આજે પણ મને અન્યાય સામે લડવાની પ્રેરણા આપે છે.

નવી દિલ્હી: ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન અને 'આયર્ન લેડી' તરીકે ઓળખાતા સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીની ૧૦૮મી જન્મજયંતિ નિમિત્તે ગઈકાલે ૧૯ નવેમ્બરે સમગ્ર દેશે તેમને યાદ કર્યા હતા. રાજધાની દિલ્હીમાં યમુના કિનારે આવેલા તેમના સમાધિ સ્થળ ‘શક્તિ સ્થળ’ પર સવારથી જ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં કોંગ્રેસના શીર્ષ નેતૃત્વ સહિત અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી.
*ગાંધી પરિવાર અને કોંગ્રેસ અધ્યક્ષની ઉપસ્થિતિ*
કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી અને લોકસભામાં રેડ નેતા રાહુલ ગાંધી વહેલી સવારે શક્તિ સ્થળ પર પહોંચ્યા હતા. કડક શિયાળાની સવાર અને ધુમ્મસ વચ્ચે બંને નેતાઓ સમાધિની પ્રદક્ષિણા કરતા અને શ્રદ્ધાસુમન અર્પણ કરતા જોવા મળ્યા હતા. આ પ્રસંગે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પણ ઇન્દિરાજીની સમાધિ સમક્ષ શીશ ઝુકાવીને નમન કર્યા હતા. તસવીરોમાં જોઈ શકાય છે તેમ, રાહુલ ગાંધી ત્યાં હાજર સામાન્ય નાગરિકો અને કાર્યકરો સાથે પણ ઉષ્માભેર મળ્યા હતા.
*રાહુલ ગાંધીનો ભાવુક સંદેશ*
પોતાના દાદીને યાદ કરતા રાહુલ ગાંધીએ એક અત્યંત ભાવુક સંદેશ પણ શેર કર્યો હતો. તેમણે લખ્યું હતું કે, "ભારત માટે નિડર થઈને નિર્ણયો લેવા અને દરેક પરિસ્થિતિમાં દેશહિતને પ્રથમ રાખવાની પ્રેરણા મને મારા દાદી પાસેથી જ મળી છે. તેમનું સાહસ, દેશભક્તિ અને નૈતિકતા આજે પણ મને અન્યાયની સામે મજબૂતાઈથી ઊભા રહેવાની હિંમત આપે છે." તેમણે ઇન્દિરા ગાંધી સાથેના બાળપણના સંસ્મરણોને તાજા કરતા તેમને 'શક્તિ' સ્વરૂપ ગણાવ્યા હતા.
*દેશભરમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમો*
માત્ર દિલ્હી જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં કોંગ્રેસ પક્ષ દ્વારા ઇન્દિરા ગાંધીની જન્મજયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. પક્ષના નેતાઓએ ઇન્દિરા ગાંધીના કાર્યકાળ દરમિયાન લેવાયેલા ઐતિહાસિક નિર્ણયો, જેમ કે બેંકોનું રાષ્ટ્રીયકરણ અને પાકિસ્તાનના ભાગલા, બાંગ્લાદેશનું નિર્માણ જેવા પગલાંઓને યાદ કર્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી પૂર્વ વડાપ્રધાનને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. શક્તિ સ્થળ પર ભક્તિ સંગીત અને રામધૂન સાથે પ્રાર્થના સભાનું સમાપન થયું હતું.
ઇન્દિરાજીનો જન્મ ૧૯ નવેમ્બર ૧૯૧૭ના રોજ થયો હતો. માત્ર ૬૬ વર્ષની ઉંમરે ૩૧ ઓક્ટોબર ૧૯૬૪ના રોજ દિલ્હી ખાતે તેમના વડાપ્રધાનશ્રીના નિવાસ્થાને તેમના જ બોડીગાર્ડ દ્વારા હત્યા કરવામાં આવેલ. તેમને આજે પણ આયર્ન લેડી તરીકે યાદ કરવામાં આવે છે.
(11:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
