News of Thursday, 20th November 2025
લગ્નમાં વરરાજાની પહેલી પત્નીની એન્ટ્રી બાદ થઈ જોવાજેવી!

બસ્તી તા.૨૦: લગ્ન સમારંભમાં વરરાજાની પ્રથમ પત્ની અચાનક આવી પહોંચતા સૌ કોઈ અચંબિત થઈ ગયા. આ ઘટના ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લાના પિરૈલા ગામની છે. જ્યાં બીજા લગ્ન કરી રહેલા યુવકની પ્રથમ પત્નીએ લગ્ન સમારાંભમાં અચાનક એન્ટ્રી લેતા હડકંપ મચી ગયો હતો. પત્નીએ આક્ષેપ કર્યો છે કે પતિ બીજી યુવતી સાથે લગ્ન કરી રહ્યો છે. આ આક્ષેપ બાદ હાઈ વોલ્ટેજ ડ્રામાં શરૂ થઈ ગયો હતો અને બીચારા વરરાજાના લગ્ન અટવાઈ પડ્યા હતા. તો મહેમાનોએ પણ વિલા મોઢી પરત ફરવાનો વારો આવ્યો હતો. મહત્વનું છે કે આ ઘટના અંગેની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મામલાને થાળે પાડવાના પ્રયાસ હાથ ધર્યા હતા. જણાવી દઈએ કે ગુજરાતના અંકલેશ્વરમાં રહેનાર રેશમા અને બસ્તી જિલ્લાના ગણેશપુરના રહેવાસી યુવક વિનય આનંદ શર્મા અંકલેશ્વરમાં અભ્યાસ દરમિયાન એકબીજાની નજીક આવ્યા હતા અને ૯ વર્ષના પ્રેમ બાદ બંન્નેએ ૩૦ માર્ચ ૨૦૨૨ના રોજ કોર્ટમાં લગ્ન કર્યા હતા. જો કે ત્યારબાદ વિનય પોતાના ગામ બસ્તી ચાલ્યો ગયો હતો અને ત્યાં તે પિરેલી ગામની એક યુવતી સાથે લગ્ન કરવાનો હતો. ત્યારે આ ઘટનાની જાણ થતાં જ વિનયની પ્રથમ પત્ની રેશમા ત્યાં જરૂરી કાગળ સાથે માંડવે પહોંચીને હંગામો મચાવતા સમગ્ર પંથકમાં આ લગ્ન ચર્ચાનો વિષય બન્યા હતા. હાલ પોલીસે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(10:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
