News of Wednesday, 12th November 2025
અફઘાનિસ્તાન પર ગમે ત્યારે હુમલો થઈ શકે છે: પાકિસ્તાની રક્ષામંત્રીની આકરી ચેતવણી
ઈસ્લામાબાદમાં થયેલો હુમલો એ કાબુલ તરફથી મોકલવામાં આવેલો સ્પષ્ટ સંદેશ છે. જો અફઘાન ધરતી પરથી આતંકવાદી ગતિવિધિઓ બંધ નહીં થાય, તો પાકિસ્તાન ચુપ નહીં બેસે

ઈસ્લામાબાદમાં થયેલા આત્મઘાતી હુમલા બાદ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમા પર છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે આ હુમલાને 'કાબુલનો સંદેશ' ગણાવ્યો છે અને ચેતવણી આપી છે કે પાકિસ્તાન તેનો જવાબ આપવા સંપૂર્ણ સક્ષમ છે અને અફઘાનિસ્તાન પર ગમે ત્યારે હુમલો કરી શકે છે.
પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં મંગળવારે એક કોર્ટની બહાર થયેલા ભીષણ આત્મઘાતી હુમલા બાદ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર વચ્ચેના સંબંધોમાં ભારે કડવાશ આવી ગઈ છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે આ હુમલા માટે સીધી રીતે કાબુલને જવાબદાર ઠેરવ્યું છે.
રક્ષામંત્રીએ એક આક્રમક નિવેદનમાં જણાવ્યું કે, "ઈસ્લામાબાદમાં થયેલો હુમલો એ કાબુલ તરફથી મોકલવામાં આવેલો સ્પષ્ટ સંદેશ છે. જો અફઘાન ધરતી પરથી આતંકવાદી ગતિવિધિઓ બંધ નહીં થાય, તો પાકિસ્તાન ચુપ નહીં બેસે." તેમણે અગાઉ ઈસ્તાંબુલમાં શાંતિ વાટાઘાટો નિષ્ફળ જવા પર 'ખુલ્લા યુદ્ધ'ની ધમકી પણ આપી હતી.
તાજેતરના નિવેદનમાં તેમણે સ્પષ્ટ ચેતવણી આપી છે કે પાકિસ્તાન પોતાની સુરક્ષા માટે કોઈપણ હદ સુધી જવા તૈયાર છે અને આતંકવાદીઓના અડ્ડાઓનો નાશ કરવા અફઘાનિસ્તાન પર ગમે ત્યારે હુમલો કરી શકે છે. આ ધમકી બાદ બંને દેશોની સરહદો પર તણાવ વધી ગયો છે.
(12:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
