News of Wednesday, 12th November 2025
ચીનમાં નિર્માણના થોડા મહિનામાં જ દક્ષિણ-પશ્ચિમ સિચુઆન પ્રાંતમાં તિબેટને જોડતો ૭૫૮ મીટર લાંબો ‘હોંગકી બ્રિજ' તૂટી પડયો
પહાડી વિસ્તારમાં ભૂસ્ખલનને કારણે આ દુર્ઘટના ઘટીઃ જોકે, તિરાડો દેખાતા જ વહીવટીતંત્રે એક દિવસ અગાઉ જ પુલ બંધ કરી દીધો હોવાથી સદભાગ્યે મોટી જાનહાનિ સર્જાતા રહી ગઈ

નવી દિલ્હી, તા.૧૨: ચીનના દક્ષિણ-પશ્ચિમ સિચુઆન પ્રાંતમાં તિબેટને જોડતો ૭૫૮ મીટર લાંબો હોંગકી બ્રિજ મંગળવારે તૂટી પડ્યો હતો. આ પુલ ચાલુ વર્ષે જ બનાવવામાં આવ્યો હતો. પહાડી વિસ્તારમાં ભૂસ્ખલનને કારણે આ દુર્ઘટના ઘટી હતી. જોકે, તિરાડો દેખાતા વહીવટીતંત્રે એક દિવસ અગાઉ જ પુલ બંધ કરી દીધો હોવાથી સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી.
ચીનના દક્ષિણ-પશ્ચિમમાં આવેલા સિચુઆન પ્રાંતમાં મંગળવાર, ૧૧ નવેમ્બરના રોજ એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં ચીનના મુખ્ય ભૂમિભાગને તિબેટ સાથે જોડતો ૭૫૮ મીટર લાંબો હોંગકી બ્રિજ (પુલ) ધરાશાયી થઈ ગયો હતો. આશ્ચર્યની વાત એ છે કે આ પુલનું નિર્માણ કાર્ય આ વર્ષની શરૂઆતમાં જ પૂર્ણ થયું હતું.
આ ઘટનાના જે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, તેમાં સ્પષ્ટ દેખાય છે કે પહાડનો એક મોટો હિસ્સો અચાનક ધસી પડે છે અને તેના કારણે પુલનો મોટો ભાગ તૂટીને નદીમાં ગરકાવ થઈ જાય છે. આ પુલ માઓરકાંગ શહેર નજીક આવેલો હતો.
જોકે, આ ભયાનક દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. અહેવાલો મુજબ, સ્થાનિક અધિકારીઓને સોમવારે જ પુલની નજીકના પહાડો અને રસ્તાઓ પર તિરાડો દેખાઈ હતી. ભૂસ્ખલનની આશંકાને પગલે તંત્રએ તાત્કાલિક પગલું ભરીને પુલને વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી દીધો હતો.
અધિકારીઓએ સમયસર લીધેલા આ સાવચેતીના પગલાંને કારણે મંગળવારે જ્યારે પુલ તૂટી પડ્યો ત્યારે તેના પર કોઈ વાહન કે વ્યક્તિ હાજર નહોતા, જેના કારણે એક મોટી જાનહાનિ ટળી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ દુર્ઘટના પુલના બાંધકામમાં ખામીને બદલે પહાડી વિસ્તારની અસ્થિર જમીન અને સતત થઈ રહેલા ભૂસ્ખલનને કારણે સર્જાઈ છે.
(3:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
