<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th November 2025

પ.બંગાળ ફરી શર્મસારઃ ચાર વર્ષની બાળકી પર બળાત્‍કાર

ગુનેગારની ઓળખ કરવા અને તેની ધરપકડ કરવા માટે તપાસ શરૂ કરાઈ : પશ્ચિમ બંગાળની મમતા બેનરજીની સરકાર પર ભાજપના પ્રહારો

કોલકાતા તા. ૧૦ : પશ્ચિમ બંગાળના કોલકાતાની પાસે હુગલી જિલ્લાના તારકેશ્વરમાં માનવતા માટે શરમજનક ઘટના બની છે. અહીં ચાર વર્ષની બાળકી બળાત્‍કારનો શિકાર બની છે. પ્રાથમિક માહિતી પ્રમાણે આ બાળકી બંજારા સમુદાયની છે અને તારકેશ્વરમાં રેલવે શેડની પાસે એક ખાટલા પર મચ્‍છરદાનીની નીચે ઊંઘી રહી હતી, ત્‍યારે હુમલાખોરો મચ્‍છરદાની કાપીને બાળકીને ઉઠાવી ગયા હતા.

 બાળકીના દાદીએ જણાવ્‍યું કે આ ઘટના સવારે લગભગ ચાર કલાકે બની હતી. એ મારી પાસે ઊંઘી રહી હતી, ત્‍યારે કોઈક તેને ઉપાડી ગયું. ત્‍યાર પછી એ કપડાં વગર મળી આવી. ઉલ્લેખનીય છે કે આ પરિવાર ઘર તોડવામાં આવ્‍યા પછી રોડ પર રહેવા માટે મજબૂર થયો છે. આ બાળકી બપોરે તારકેશ્વર રેલવે હાઈડ્રેનની પાસે લોહીલુહાણ હાલતમાં મળી આવી. પછી તરત જ તેણીને તારકેશ્વરની ગ્રામીણ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવી, જયાં તેની હાલત ગંભીર છે.

પોલીસ અધિકારીના કહેવા મુજબ, પોક્‍સો એક્‍ટ સહિત કાયદાની વિવિધ કલમો અંતર્ગત એફઆઈઆર નોંધવામાં આવી છે. ગુનેગારની ઓળખ કરવા અને તેની ધરપકડ કરવા માટે તપાસ શરૂ કરાઈ છે. બીજી તરફ, આ ભયાનક ઘટનાને લઈને વિપક્ષે મમતા બેનરજીની સરકાર પર આકરાં પ્રહાર કર્યા છે. ભાજપ નેતા સુવેન્‍દુ અધિકારીએ આક્ષેપ લગાવ્‍યો કે પોલીસ ગુનાઓને ઓછા દેખાડવાનો પ્રયાસ કરી રહી છે. 

(9:59 AM IST)