News of Sunday, 2nd November 2025
વિનાશનું તાંડવ: જમૈકા, ક્યુબા અને હૈતીમાં મેલિસાએ વેર્યો હાહાકાર
કેરેબિયન પર મેલિસાનો કહેર: લાખો લોકોની વસ્તી જોખમમાં! સંયુક્ત રાષ્ટ્ર સહીત આંતરરાષ્ટ્રીય સહાય માટે દોડી રહ્યું છે

મેલિસા : મેલિસા વાવાઝોડાએ કેરેબિયન ક્ષેત્રમાં તબાહી મચાવી છે, જેને આ સદીનું સૌથી ભયંકર તોફાન ગણાવવામાં આવી રહ્યું છે. આ ભીષણ કુદરતી આફતમાં જમૈકા, ક્યુબા અને હૈતીમાં લાખો લોકો સીધા પ્રભાવિત થયા છે અને દર્જનો લોકોના મોતની પણ આશંકા છે.
આ ભયાનક સંકટ વચ્ચે, સંયુક્ત રાષ્ટ્ર (UN) અને તેના સહયોગીઓ - જેમાં OCHA, FAO, યુનિસેફ જેવા મુખ્ય સંગઠનોનો સમાવેશ થાય છે - પીડિતોને તાત્કાલિક રાહત પહોંચાડવા માટે યુદ્ધના ધોરણે કામ કરી રહ્યા છે.
માનવતાવાદી બાબતોના અવર મહાસચિવ, ટોમ ફ્લેચરે ભારપૂર્વક જણાવ્યું છે: "આવા સમયે, આંતરરાષ્ટ્રીય સહયોગ માત્ર સિદ્ધાંત નથી, પરંતુ તે જીવનરેખા છે."
ક્યુબામાં ભારે નુકસાન: ક્યુબાના પૂર્વીય ભાગો, જેમ કે સેન્ટિયાગો, હોલ્ગુઇન, ગ્રાન્મા અને ગ્વાન્તાનામો, ભારે વિનાશનો ભોગ બન્યા છે. રસ્તાઓ, રેલ અને હવાઈ માર્ગોને નુકસાન થતાં રાહત સામગ્રી પહોંચાડવાનું કાર્ય અત્યંત પડકારજનક બન્યું છે.
હૈતીમાં બેવડો માર: હૈતી પહેલેથી જ માનવતાવાદી અને હિંસક સંકટનો સામનો કરી રહ્યું હતું, ત્યારે મેલિસા વાવાઝોડાએ સ્થિતિને વધુ ગંભીર બનાવી દીધી છે.
UN ટીમો સરકારો સાથે મળીને આશ્રય, ભોજન, આવશ્યક સામાન અને રોકડ સહાય જેવી તાત્કાલિક જરૂરિયાતો પૂરી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
સ્થળ પર નિરીક્ષણ: એક ટીમ તુરંત સ્થળ પર મોકલવામાં આવી છે અને લેટિન અમેરિકા/કેરેબિયન પ્રાદેશિક કાર્યાલયમાંથી સહાય પૂરી પાડવામાં આવી રહી છે.
જમૈકામાં સહકાર: જમૈકામાં સરકાર પોતે નેતૃત્વ કરી રહી છે, અને OCHA, કેરેબિયન ડિઝાસ્ટર ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સી (CDEMA) સાથે મળીને નુકસાનનું આકલન કરી રહ્યું છે. FAO અને યુનિસેફ જેવા સંગઠનો પણ ખાદ્ય અને અન્ય જરૂરી સહાયમાં જોડાયા છે.
આંતરરાષ્ટ્રીય સમુદાય તરફથી સહાયની ઓફર કરવામાં આવી છે, જે આ મુશ્કેલ સમયમાં અસરગ્રસ્ત લોકો માટે આશાનું કિરણ બની છે.
(12:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
