તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th October 2025
બિહારમાં 354 ઉમેદવારો પર ગંભીર ગુનાઈત કેસ : હત્યા અને મહિલા ઉત્પીડનનો આરોપ: ADRએ પોતાનો રીપોર્ટ જાહેર કર્યો
આ રિપોર્ટમાં ઉમેદવારોના એફિડેવિટનું વિશ્લેષણ કરવામાં આવ્યું : અનેક ચોંકાવનારા તથ્યો સામે આવ્યા : કરોડપતિ અને શિક્ષિત ઉમેદવારોની સંખ્યા પણ વધુ

પટણા : બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પહેલાં તબક્કાના ઉમેદવારો પર એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફૉર્મ્સ (ADR) અને બિહાર ચૂંટણી વૉચે પોતાનો રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટમાં ઉમેદવારોના એફિડેવિટનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે, જેમાં અનેક ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે.
આ રિપોર્ટમાં 1314માંથી 1303 ઉમેદવારોના એફિડેવિટનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. તેમાંથી 423 એટલે કે, કુલ 32 ટકા ઉમેદવારોએ પોતાના ઉપર ગુનાઈત કેસોની જાહેરાત કરી છે. વળી, 354 ઉમેદવારો એટલે કે, 27% પર ગંભીર ગુનાઈત કેસ દાખલ છે. ગંભીર કેસોમાં 33 ઉમેદવારો હત્યા સાથે જોડાયેલા, 86 હત્યાના પ્રયાસ અને 42 મહિલા ઉત્પીડનના કેસ સાથે જોડાયેલા છે. જોકે, 2 ઉમેદવાર એવા છે, જે દુષ્કર્મ સહિતના કેસમાં જોડાયેલા છે. આ રિપોર્ટ જણાવે છે કે, ગુનાખોરી અને રાજકારણનો સંબંધ હજુ પણ ગાઢ છે.
જન સુરાજ પાર્ટીના 114માંથી 50 (44 ટકા) ઉમેદવારો પર ગુનાઈત કેસો છે. BSPના 89માંથી 18 (20 ટકા), RJDના 70માંથી 53 (76 ટકા), જેડીયુના 57માંથી 22 (39 ટકા), ભાજપના 48માંથી 31 (65 ટકા), આપના 44માંથી 12 (27 ટકા) અને કોંગ્રેસના 23માંથી 15 (65 ટકા) ઉમેદવાર સામે ગુનાઈત કેસો દાખલ છે. વામપંથી પાર્ટીઓની સ્થિતિ તો આનાથી પણ ખરાબ છે. સીપીઆઈ (એમએલ)ના 13માંથી 13 (93 ટકા), સીપીઆઈ અને સીપીઆઈ (એમ)ના તમામ ઉમેદવારો (100 ટકા) સામે ગુનાઈત કેસો દાખલ છે.
રિપોર્ટમાં એ પણ ખુલાસો થયો છે કે 1303 ઉમેદવારોમાંથી 519 ઉમેદવારો, એટલે કે 40%, કરોડપતિ છે. તેમની સરેરાશ સંપત્તિ 3.26 કરોડ રૂપિયા છે. 519 ઉમેદવારોએ તેમની શૈક્ષણિક લાયકાત 5 થી 12 ધોરણની વચ્ચે હોવાનું જાહેર કર્યું છે, જ્યારે 651 ઉમેદવારો, એટલે કે 50% એ ગ્રેજ્યુએટ કે તેથી વધુ હોવાનો દાવો કર્યો છે.
રિપોર્ટમાં બિહારના રાજકારણમાં ગુના, પૈસા અને શિક્ષણનો વિચિત્ર આંતરસંબંધ જોવા મળ્યો છે. જ્યારે કરોડપતિ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે, ત્યારે તેમાંથી મોટી સંખ્યામાં ગંભીર ગુનાઓનો પણ આરોપ છે. આ રિપોર્ટ ચૂંટણીમાં નૈતિકતા અને લોકશાહીના આદર્શો પર પ્રશ્નો ઊભા કરે છે.
(6:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
