GST મુક્તિને કારણે ક્રેડિટ કાર્ડથી રેકોર્ડબ્રેક બે લાખ કરોડ રૂપિયાની ખરીદી થઈ
સપ્ટેમ્બરમાં ક્રેડિટ કાર્ડ દ્વારા સૌથી વધુ ખર્ચ ઓનલાઈન શોપિંગ એટલે કે ઈ-કોમર્સ વેબસાઇટ્સ પર થયો હતોઃ લોકો હવે મૂલ્ય અને સુવિધાને પ્રાથમિકતા આપી રહ્યા છે : સપ્ટેમ્બર મહિના દરમિયાન લગભગ ૧.૧ મિલિયન નવા ક્રેડિટ કાર્ડ ઉમેરાયા : આનાથી દેશમાં ક્રેડિટ કાર્ડની કુલ સંખ્યા ૧૧.૩૩ કરોડ થઈ ગઈ છે

મુંબઈ, તા.૨૯: આ વર્ષે સપ્ટેમ્બરમાં તહેવારોની મોસમ શરૂ થઈ હતી. ગણેશ ઉત્સવથી શરૂ થયેલી તહેવારોની મોસમ દુર્ગા પૂજાના આગમન સાથે વેગ પકડ્યો. સપ્ટેમ્બર મહિનાની ૨૨મી તારીખે મોટાભાગની ગ્રાહક ચીજવસ્તુઓ પર GST દરમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો હતો. આના કારણે સપ્ટેમ્બરમાં નવા રેકોર્ડબ્રેક ક્રેડિટ કાર્ડ ખર્ચ થયા. વધુમાં, આ મહિને રેકોર્ડ સંખ્યામાં નવા ક્રેડિટ કાર્ડ પણ જારી કરવામાં આવ્યા. એવું માનવામાં આવે છે કે ૨૨મી સપ્ટેમ્બરથી GSTમાં નોંધપાત્ર ઘટાડાથી લોકોને વધુ ખર્ચ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ડેટા અનુસાર, સપ્ટેમ્બર મહિના દરમિયાન કુલ ક્રેડિટ કાર્ડ થકી ખર્ચ રૂ.૨.૧૬ લાખ કરોડને વટાવી ગયો. ગયા વર્ષના સપ્ટેમ્બરની સરખામણીમાં આ ૨૨% વધારો છે. તે અગાઉના મહિના, ઓગસ્ટની સરખામણીમાં ૧૩% વધ્યો છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં, ક્રેડિટ કાર્ડ ખર્ચ રૂ.૧.૭૭ લાખ કરોડ હતો.
આ વર્ષે સપ્ટેમ્બરમાં, ક્રેડિટ કાર્ડ દ્વારા સૌથી વધુ ખર્ચ ઓનલાઈન શોપિંગ, એટલે કે ઈ-કોમર્સ વેબસાઇટ્સ પર થયો હતો. RBI ના ડેટા અનુસાર, આ રકમ રૂ.૧.૪૪ લાખ કરોડથી વધુ હતી. પોઈન્ટ-ઓફ-સેલ મશીનો દ્વારા ચુકવણી કુલ રૂ.૭૨,૦૦૦ કરોડથી વધુ હતી.
પૈસાબજારના CEO સંતોષ અગ્રવાલે જણાવ્યું હતું કે, તહેવારોની મોસમ દરમિયાન ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને મોટી વસ્તુઓની ખરીદીમાં વધારો દર્શાવે છે કે લોકો હવે મૂલ્ય અને સુવિધાને પ્રાથમિકતા આપી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું, ગ્રાહકો હવે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ સમજદારીપૂર્વક કરી રહ્યા છે. તેઓ મોટી વસ્તુઓની ખરીદીને તહેવારોની ઓફર અને ખાસ કાર્ડ પુરસ્કારો સાથે જોડી રહ્યા છે.
સપ્ટેમ્બર મહિના દરમિયાન લગભગ ૧.૧ મિલિયન નવા ક્રેડિટ કાર્ડ ઉમેરાયા. આનાથી દેશમાં ક્રેડિટ કાર્ડની કુલ સંખ્યા ૧૧.૩૩ કરોડ થઈ ગઈ છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં, ૦.૭ મિલિયનથી ઓછા નવા કાર્ડ ઉમેરાયા હતા. આ વર્ષે સપ્ટેમ્બરમાં HDFC બેંકે સૌથી વધુ ૨૫૮,૦૦૦ નવા કાર્ડધારકો ઉમેર્યા હતા. ત્યારબાદ ૧૯૨,૦૦૦ નવા કાર્ડધારકો સાથે ICICI બેંક અને ૧૭૩,૦૦૦ નવા કાર્ડધારકો સાથે SBI કાર્ડનો ક્રમ આવે છે. એક્સિસ બેંક ૧૦૬,૦૦૦ કાર્ડધારકો ઉમેરીને ચોથા સ્થાને રહી હતી. આ ચાર બેંકોએ ૭.૩૧,૦૦૦ નવા કાર્ડ ઉમેર્યા હતા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
