News of Tuesday, 14th October 2025
ખેતરે જવા માટે હેલીકોપ્ટરની વ્યવસ્થા કરી આપવાની માંગ
ખેડૂતે સરકાર પાસે વિચિત્ર ડિમાન્ડ કરી અમુક ખેડૂતોએ તેમના ખેતરે જવાના રસ્તો બંધ કરી દીધો છે. જેનાથી તેઓ પોતાના ખેતરે જઈ શકતા નથી

ચૂરુ તા.૧૪: રાજસ્થાનના ચૂરુ જિલ્લાના ગ્રામ પંચાયત પારેવડામાં આયોજિત ગ્રામીણ સેવા શિબિરમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. શિબિરમાં આવેલા ખેડૂતે ખેતરે જવા માટે હેલિકોપ્ટરની વ્યવસ્થા કરવાની માગ કરી સૌને ચોંકાવી દીધા છે. આ માગ સાંભળી ખુદ રાજ્ય અનુસૂચિત જાતિ અને વિકાસ આયોગના અધ્યક્ષ રાજેન્દ્ર નાયક પણ ચોંકી ગયા હતા. પારેવડા નિવાસી ખેડૂત હીરનાથ સિદ્ધ લાંબા સમયથી પોતાના ખેતર સુધી જવાના રસ્તાને લઈને કંટાળી ગયા છે.
હીરનાથનો આરોપ છે કે અમુક ખેડૂતોએ તેમના ખેતરે જવાના રસ્તો બંધ કરી દીધો છે. જેનાથી તેઓ પોતાના ખેતરે જઈ શકતા નથી. આ મુશ્કેલીથી કંટાળીને હીરનાથે પ્રશાસન પાસે માગ કરી છે કે તેને ખેતરે જવાનો રસ્તો કરી આપો અથવા તો ખેતર સુધી પહોંચવા માટે હેલિકોપ્ટરની વ્યવસ્થા કરી આપો.
શિબિરમાં જ્યારે ખેડૂતે આ માગ રાખી તો ત્યાં હાજર લોકો અને અધિકારી તો ચોંકી ગયા. પણ ખેડૂતે જ્યારે પોતાની વાત વિસ્તારથી જણાવી તો આયોગ અધ્યક્ષ રાજેન્દ્ર નાયકે આ મામલાને ગંભીરતાથી લીધો. તેમણે ઘટનાસ્થળે હાજર અધિકારીઓને નિર્દેશ આપ્યા કે ખેડૂતની સમસ્યાનું સમાધાન કરવા માટે રસ્તો ખોલાવો. આ શિબિર સેવા પર્વ પખવાડિયા અંતર્ગત આયોજિત થાય છે. જેનો ઉદ્દેશ્ય ગ્રામીણોને સરકારી યોજના અને સેવાઓની જાણકારી આપવી અને તેમની સમસ્યાનું સમાધાન કરવાનું છે.
આ ખેડૂતની માગ ભલે લોકોને ચોંકાવી રહી હોય, પણ તેણે ગ્રામિણ વિસ્તારમાં જમીન વિવાદ અને રસ્તાની સમસ્યાની ગંભીરતાને ચોક્કસથી તંત્ર સમક્ષ લાવી દીધી છે. આશા છે કે પ્રશાસન ફટાફટ આવા કિસ્સામાં કડક કાર્યવાહી કરશે, જેથી ખેડૂતોને આવી તકલીફનો સામનો ન કરવો પડે
(9:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
