News of Friday, 10th October 2025
કર્ણાટકઃ સટ્ટાબાજી કેસમાં ૫૦ કરોડનું સોનું જપ્ત
ધારાસભ્યનું લોકર ખુલ્યું, સોનાનો ખજાનો નીકળ્યો! : સટ્ટાબાજીથી ૨૦ હજાર કરોડ કમાયાઃ ઈડીએ ૧૫૦ કરોડ જપ્ત કર્યા

નવી દિલ્હી, તા.૧૦: કર્ણાટકના ચિત્રદુર્ગના ધારાસભ્ય કે.સી. વીરેન્દ્ર પર ED પોતાની પકડ મજબૂત કરી રહી છે. સટ્ટાબાજી કૌભાંડની તપાસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એ વધુ એક મોટી જપ્તી કરી છે. સર્ચ ઓપરેશન દરમિયાન, એજન્સીએ આશરે રૂ.૫૦ કરોડનું ૪૦ કિલોગ્રામ સોનું જપ્ત કર્યું. આ સાથે, આ કેસમાં જપ્ત કરાયેલી સંપત્તિનું કુલ મૂલ્ય રૂ.૧૫૦ કરોડથી વધુ થઈ ગયું છે.
વાસ્તવમાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના બેંગલુરુ ઝોનલ યુનિટે ૯ ઓક્ટોબર, ૨૦૨૫ ના રોજ કે.સી. વીરેન્દ્ર અને અન્ય લોકો સામે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ચાલી રહેલી તપાસના સંદર્ભમાં આ કાર્યવાહી કરી હતી. આ કેસ ગેરકાયદેસર ઓનલાઈન સટ્ટાબાજી દ્વારા જનતા સાથે છેતરપિંડી કરવા સાથે સંબંધિત છે.
EDના જણાવ્યા અનુસાર, ચલ્લાકેરેમાં બે લોકરની તપાસ દરમિયાન, ૨૪ કેરેટ સોનાના બારના રૂપમાં આશરે ૪૦ કિલોગ્રામ સોનું મળી આવ્યું હતું, જેની કિંમત આશરે રૂ.૫૦.૩૩ કરોડ આંકવામાં આવી હતી. એજન્સીએ અગાઉ આ કેસમાં રૂ.૧૦૩ કરોડની સંપત્તિ જપ્ત કરી હતી, જેમાં રોકડ, ઘરેણાં, લક્ઝરી વાહનો અને બેંક ખાતાઓનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં કુલ જપ્તી રૂ.૧૫૦ કરોડને વટાવી ગઈ છે.
EDની તપાસમાં ખુલાસો થયો છે કે ધારાસભ્ય કે.સી. વીરેન્દ્ર, તેમના પરિવાર અને સહયોગીઓએ કિંગ૫૬૭ અને રાજા૫૬૭ જેવી અનેક ગેરકાયદેસર ઓનલાઈન સટ્ટાબાજી વેબસાઇટ્સ દ્વારા લોકો સાથે છેતરપિંડી કરી હતી. ખેલાડીઓ પાસેથી એકત્ર કરાયેલા નાણાં ફોનપેસા જેવા પેમેન્ટ ગેટવે અને ભંડોળનાસ્ત્રોતને છુપાવવા માટે દેશભરમાં ફેલાયેલા નકલી ખાતાઓ દ્વારા મોકલવામાં આવતા હતા.
તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે આ સટ્ટાબાજી નેટવર્ક દેશભરમાં ફેલાયેલી સાયબર ક્રાઈમ ગેંગ સાથે જોડાયેલું હતું, જ્યાં નજીવી રકમમાં વ્યક્તિઓના નામે બેંક ખાતા ખોલવામાં આવતા હતા. એવો અંદાજ છે કે વીરેન્દ્ર દ્વારા સંચાલિત આ વેબસાઇટ્સનું કુલ ટર્નઓવર ૨,૦૦૦ કરોડ રૂપિયાથી વધુ છે.
ED એ શોધી કાઢયું છે કે વીરેન્દ્ર અને તેના સહયોગીઓએ આ નકલી એકાઉન્ટ્સમાંથી વિદેશ યાત્રા, વિઝા, હોટલ અને અન્ય વૈભવી ખર્ચાઓ પર કરોડો રૂપિયા ખર્ચ્યા હતા. વધુમાં, માર્કેટિંગ, બલ્ક SMS, પ્લેટફોર્મ હોસ્ટિંગ અને SEO સેવાઓ માટે ચૂકવણી પણ આ એકાઉન્ટ્સમાંથી કરવામાં આવી હતી. એજન્સી જણાવે છે કે આ ખર્ચાઓ માટે ઉપયોગમાં લેવાતા પૈસા ગેરકાયદેસર સટ્ટાબાજી દ્વારા કમાયા હતા, જે કાયદેસર દેખાડવાના પ્રયાસમાં બહુવિધ એકાઉન્ટ્સ દ્વારા ફરતા કરવામાં આવ્યા હતા.
(4:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
