News of Friday, 3rd October 2025
જગદીશ પંચાલ : પાયાના કાર્યકરથી પ્રદેશ પ્રમુખ સુધીની સફર
જગદીશભાઈ ભાજપના એક મજબૂત ઓબીસી ચહેરા તરીકે જાણીતા છે : તેમની છબી અત્યંત વિનમ્ર, સરળ અને સૌમ્ય નેતાની છે

પ્રદેશ ભાજપના નવા સુકાની બની રહેલા જગદીશ વિશ્વકર્મા (પંચાલ) તાજેતરમાં ‘અકિલા' કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા તે સમયની તસ્વીરો
પ્રદેશ ભાજપના પ્રમુખ કોણ બનશે એ પ્રકારની લાંબા સમયથી ચાલતી અટકળોનો હવે અંત આવ્યો છે. પ્રદેશ ભાજપના પ્રમુખ તરીકે પક્ષના સીનીયર નેતા અને નિકોલના ધારાસભ્ય એવા જગદીશ વિશ્વકર્મા એ આજે બપોરે ઉમેદવારી નોંધાવતા હવે તેઓ પ્રદેશ પ્રમુખ બનશે એ નક્કી છે. કાલે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. સરળ-મૃદુભાષી અને વિનમ્ર એવા જગખીશ વિશ્વકર્મા તાજેતરમાં ‘અકિલા' કાર્યાલયની મુલાકાતે આવ્યા હતાં. તે સમયની તસ્વીરો અત્રે પ્રસ્તુત છે. તેમણે પારિવારીક મુલાકાત દરમ્યાન ‘અકિલા'ના મોભી કિરીટભાઈ ગણાત્રા સાથે ગુજરાત સરકારની કામગીરી સહિતની બાબતો અંગે ઉંડાણથી ચર્ચા કરી હતી. અત્યંત સરળ સ્વભાવી ધરાવતા જગદીશ વિશ્વકર્મા પ્રદેશ ભાજપના સંગઠનને આસમાનની ઉંચાઈએ લઈ જશે એ નિશ્ચિત છે. યાપાના કાર્યકર પ્રદેશ પ્રમુખ બની રહયા છે એ બાબત જાણી ભાજપના લાખો કાર્યકરોમાં ઉત્સાહનું મોજુ ફરી વળ્યું છે. (ફાઈલ તસ્વીરઃ સંદિપ બગથરીયા) (રર.ર૧)
રાજકોટ તા. ૩ : ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખ તરીકે ૫૨ વર્ષના હાલના કેબિનેટ પ્રધાન શ્રી જગદીશ વિશ્વકર્મા (પંચાલ)ના નામની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની જેમ જ સૌમ્ય અને લો-પ્રોફાઈલ છબી ધરાવતા જગદીશભાઈ વિશ્વકર્મા (પંચાલ) પક્ષના પાયાના કાર્યકરથી શરૂઆત કરીને આજે પ્રદેશના સુકાની બન્યા છે. તેમની આ સફર સંઘર્ષ અને સંગઠન પ્રત્યેની નિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ છે.
પ્રારંભિક જીવન અને પરિચય
* પૂરું નામ : જગદીશ ઈશ્વરભાઈ વિશ્વકર્મા (પંચાલ)
* જન્મ : ૧૨ ઓગસ્ટ, ૧૯૭૩
* શિક્ષણ : તેમણે ધોરણ ૧૦ (એસએસસી) અને આઈ.ટી.આઈ. (ડ્રાફટ્સમેન મિકેનિકલ) સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓ ગુજરાતી યુનિવર્સિટીમાંથી બીએ પણ થયેલ છે.
* જગદીશ વિશ્વકર્મા (પંચાલ) વ્યવસાયે બિઝનેસમેન છે અને તેમની રાજકીય કારકિર્દીમાં તેઓ પાયાના કાર્યકરથી લઈને રાજ્યના મંત્રી સુધી પહોંચ્યા છે.
* પૃષ્ઠભૂમિ : તેઓ અન્ય પછાત વર્ગ (ઓબીસી) સમાજમાંથી આવે છે અને ભાજપના એક મજબૂત ઓબીસી ચહેરા તરીકે ઓળખાય છે. તેમની છબી અત્યંત વિનમ્ર, સરળ અને સૌમ્ય નેતાની છે.
રાજકીય કારકિર્દીની શરૂઆત
તેમણે તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત વર્ષ ૧૯૯૮ માં ઠક્કરબાપાનગર વિસ્તારમાં બૂથ ઇન્ચાર્જ તરીકે કરી હતી. જગદીશભાઈ પંચાલે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત ભાજપના એક સામાન્ય કાર્યકર તરીકે કરી હતી. સંગઠન સાથે જોડાઈને તેમણે બૂથ લેવલથી લઈને વોર્ડ પ્રમુખ સુધીની જવાબદારીઓ નિભાવી. તેમની મહેનત અને સંગઠન કુશળતાના કારણે તેઓ ધીમે ધીમે પક્ષમાં આગળ વધતા ગયા.
ધારાસભ્ય તરીકેની સફર
* નિકોલ વિધાનસભા : અમદાવાદ શહેરની નિકોલ વિધાનસભા બેઠક જગદીશ પંચાલનો ગઢ માનવામાં આવે છે.
* ૨૦૧૨ : આ બેઠક પરથી તેઓ પ્રથમ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા.
* ૨૦૧૭ : જંગી બહુમતી સાથે તેઓ બીજી વખત નિકોલના ધારાસભ્ય બન્યા.
* ૨૦૨૨ : તેમણે જીતની હેટ્રિક નોંધાવી અને ૫૫,૦૦૦થી વધુ મતોની સરસાઈથી ત્રીજી વખત વિધાનસભામાં પ્રવેશ કર્યો.
સંગઠનમાં ભૂમિકા અને મંત્રીપદ
ધારાસભ્ય તરીકેની સફળતાની સાથે સાથે શ્રી જગદીશ પંચાલે સંગઠનમાં પણ મહત્વની ભૂમિકાઓ નિભાવી. તેઓ અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે, જેણે તેમની સંગઠનાત્મક પકડ મજબૂત બનાવી.
ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં તેમને રાજ્ય કક્ષાના મંત્રી તરીકે સ્થાન મળ્યું. તેમણે મંત્રીમંડળમાં નીચે મુજબના મહત્વપૂર્ણ ખાતાઓનો હવાલો સંભાળ્યો છે
* સ્વતંત્ર હવાલો : સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રોટોકોલ
* રાજ્ય મંત્રી : લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન
પ્રથમ કાર્યકાળ (સપ્ટેમ્બર ૨૦૨૧ - ડિસેમ્બર ૨૦૨૨): કાયદા, વન, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન, માર્ગ અને મકાન વિભાગ, ઉદ્યોગ, કુટીર ઉદ્યોગ, સહકાર, મીઠા ઉદ્યોગ, પ્રોટોકોલ (સ્વતંત્ર હવાલો) અને મુદ્રણ તથા લેખન સામગ્રી (રાજ્ય મંત્રી).
વર્તમાન કાર્યકાળ (ડિસેમ્બર ૨૦૨૨ થી) : સહકાર, મીઠા ઉદ્યોગ, મુદ્રણ અને લેખન સામગ્રી, અને પ્રોટોકોલ (સ્વતંત્ર હવાલો).
સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો, કુટીર, ખાદી અને ગ્રામ્ય ઉદ્યોગ, નાગરિક ઉડ્ડયન (રાજ્ય મંત્રી).(૩૭.૬)
દિવાળી પહેલા જ મંત્રીમંડળની પુનઃ રચના? ઘરમૂળથી ફેરફારો આવશે?
રાજકોટ : આગામી દિવાળી પહેલા જ ગુજરાતના પ્રધાન મંડળમાં ફેરફારો આવી રહ્યાનું જાણવા મળે છે. ૩ થી ૪ મંત્રીઓ સિવાય બાકીના તમામ મંત્રીઓ બદલાઈ શકે છે તેવી ભારે ચર્ચા છે
(3:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
