<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd October 2025

દિવાળી અને નૂતન વર્ષ વચ્‍ચે સતત ત્રીજા વર્ષે પણ ધોકાનો દિવસ લોકોને મૂંઝવશે

૨૦મીએ દિવાળી.. ૨૧મીએ પડતર દિવસ.. ૨૨મીએ નૂતન વર્ષ ૧૭મીએ રમા એકાદશી સાથે દીપોત્‍સવી પર્વની રોનક જામશે

મુંબઇ તા.૩: હિન્‍દુ સમુદાયમાં સૌથી મોટું પર્વ ગણાતા અથવા તો નૂતન વર્ષ પૂર્વે પર્વની હાળમાળા ગણાતા દીપોત્‍સવી પર્વની ભાગદોડ બજારમાં દેખાશે. નવરાત્રી પર્વની રંગારંગ ઉજવણી બાદ હવે દીપોત્‍સવી પર્વને લઈ રશહેરીજનોમાં હલચલ જોવા મળશે. એવામાં ધાર્મિક વિધિ, લ્લષ્ટિએ સતત ત્રીજા વર્ષે દિવાળી અને નૂતન વર્ષ વચ્‍ચે ધોકાનો દિવસ એટલે કે એક દિવસનો વિરામ આવશે. ચાલુ વર્ષે ૨૦ ઓક્‍ટોબરના રોજ દિવાળી, ૨૧ ઓક્‍ટોબરના રોજ પડતર દિવસ અને બાદમાં ૨૨ ઓક્‍ટોબરના રોજ નૂતન વર્ષની ઉજવણી થશે.

મહારાજ કિરીટદત્ત શુક્‍લના જણાવ્‍યા મુજબ, ચંદ્ર કળાને આધારે વિવિધ પર્વોમાં તિથિઓની વધઘટ જોવા મળે છે. દિવાળી અને નૂતન વર્ષ વચ્‍ચે ખાલી પડતા એક દિવસને પોકો, પડતર દિવસ અથવા તો વધારાનો દિવસ કહેવામાં આવે છે. ૨૦૨૩માં ૧૨ નવેમ્‍બરના રોજ દિવાળીની ઉજવણી થઈ હતી અને ૧૪ નવેમ્‍બરે નૂતન વર્ષ ઉજવાયું હતું. આ જ પ્રકારે ગત વર્ષે ૨૦૨૪માં ૩૧ ઓક્‍ટોબરના ગુરુવારે દિવાળી અને ૨ નવેમ્‍બરના રોજ શનિવારે નૂતન વર્ષની ઉજવણી થઈ હતી. ચાલુ વર્ષે સતત ત્રીજા વર્ષે ધોકાનો દિવસ આવશે. ૨૦ ઓક્‍ટોબરના સોમવારના રોજ દિવાળી ઉજવાશે. જયારે ૨૨ ઓક્‍ટોબરના બુધવારે નૂતન વર્ષની ઉજવણી રહેશે.

૧૫ ઓક્‍ટોબરના બુધવારે સોના-ચાંદીની ખરીદી માટેનું પુષ્‍ય નક્ષત્ર આવશે. ત્‍યારબાદ ૧૭મીના શુક્રવારે રમા એકાદશી અને બારસની સંયુક્‍ત ઉજવણી થશે.

૧૮ ઓક્‍ટોબરના શનિવારે ધનતેરસ અને ૧૯ ઓક્‍ટોબરના રવિવારે કાળી ચૌદશ રહેશે. ૨૨મીએ નૂતન વર્ષ બાદ ૨૩મીએ ભાઈબીજ પર્વની ઉજવણી થશે.

ચંદ્ર કળા, તિથિની ક્ષય-વૃદ્ધિ તિથિને કારણે ધોકાનો સંયોગ

જ્‍યોતિષીએ જણાવ્‍યું હતું કે, દિવાળી પુર્ણ થાય છે અને નુતન વર્ષ શરૂ થતું નથી. આ બે દિવસો વચ્‍ચે એક પડતર દિવસ આવે તેને ધોકો કહેવાય છે. ચંદ્ર કળા અને મહિના, તિથિઓને આધારે ભારતીય વર્ષની ગણતરી થાય છે. ભારતીય પંચાગ પ્રમાણે ચંદ્રની કળાઓને ૩૦ ભાગમાં વહેચવામાં આવી છે. હકીકતમા ચંદ્રએ ૩૦ કળાઓને ૩૦ દિવસ કરતા ઓછા સમયમાં પૂર્ણ કરે છે. તેને કારણે દર મહિને પંચાગમાં કોઇ એક તિથિનો ક્ષય અથવા તો વૃદ્ધિ થાય છે. ધોકાના દિવસે સૂર્યોદય સમયે હજુ અમાસ હોય છે અને નવા વર્ષની પહેલી તિથિ શરૂ થતી નથી. નવા વર્ષની શરૂઆત સવારે દેવ-દર્શનથી જ થવી જોઇએ એ માન્‍યતાને આધારે તુરંત પછીના દિવસે સવારે પહેલી તિથિ ચાલુ હોય એ દિવસને નવા વર્ષનો પહેલો દિવસ ગણવામાં આવે છે.

(10:45 AM IST)